ગીતશાસ્ત્ર 27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સ્તુતિગાન દાઉદનું [ગીત]. 1 યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે; હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનું ભય લાગે? 2 જ્યારે કુકર્મીઓ, એટલે મારા વેરીઓ તથા શત્રુઓ, મને ઠાર કરવાને ચઢી આવ્યા, ત્યારે તેઓ ઠેસ ખાઈને પડી ગયા. 3 જો કે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે, તોપણ હું મનમાં ડરીશ નહિ. જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, તો પણ હું [ઈશ્વર પર] ભરોસો રાખીશ. 4 યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે, કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, જેથી તેમના સૌંદર્યનું અવલોકન કર્યા કરું, અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું. 5 કેમ કે સંકટને સમયે તે પોતાના માંડવામાં મને ગુપ્ત રાખશે; પોતાના મંડપને આશ્રયે તે મને સંતાડશે; તે મને ખડક ઉપર ચઢાવશે. 6 હવે મારી આસપાસના શત્રુઓ ઉપર મારું માથું ઊંચું કરવામાં આવશે. અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અપર્ણ ચઢાવીશ; હું ગાઈશ, હા, હું યહોવાનાં સ્તોત્ર ગાઈશ. 7 હે યહોવા, હું મારી વાણીથી વિનંતી કરું છું ત્યારે તે સાંભળો; વળી મારા પર દયા કરીને મને ઉત્તર આપો. 8 “મારું મુખ શોધ” [એમ તમે મને કહ્યું, ત્યારે] મારા હ્રદયે તમને કહ્યું કે, હે યહોવા, હું તમારું મુખ શોધીશ. 9 મારાથી તમારું મુખ ન ફેરવો. કોપ કરીને તમારા સેવકને કાઢી ન મૂકો. તમે મારા સહાય [કારી] થયા છો; હે મારા તારણના ઈશ્વર, મને દૂર ન કરો, અને મને તજી ન દો. 10 મારા પિતાએ તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવા મને સંભાળશે. 11 હે યહોવા, તમારો માર્ગ મને શીખવો; અને મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગમાં દોરી જાઓ. 12 મને મારા વેરીઓની ઇચ્છાને સ્વાધીન ન કરો, કેમ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા મારી વિરુદ્ધ ઊઠયા છે. 13 આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ ન કર્યો હોત તો [હું નિર્ગત થઈ જાત]. 14 યહોવાની રાહ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાની રાહ જો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India