Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ભક્તનો આર્તનાદ અને સ્તુતિગાન
મુખ્ય ગવૈયાને માટે; રાગ આયેલેથ હાશ-શાહાર. દાઉદનું ગીત.

1 હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને [તમે એટલે] દૂર કેમ રહો છો?

2 હે મારા ઈશ્વર, હું દિવસે અરજ કરું છું, પણ તમે ઉત્તર દેતા નથી; અને રાત્રે પણ અરજ કરું છું, પણ મને આરામ મળતો નથી.

3 તોપણ, હે ઇઝરાયલનાં સ્તોત્ર પર બિરાજનાર, તમે પવિત્ર છો.

4 તમારા પર અમારા પિતૃઓએ ભરોસો રાખ્યો હતો; તેઓએ ભરોસો રાખ્યો હતો, અને તમે તેઓને છોડાવ્યા.

5 તેઓએ તમને અરજ કરી, અને તેઓ બચી ગયા; તેઓએ તમારા પર ભરોસો રાખ્યો, અને નાસીપાસ થયા નહિ.

6 પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી; માણસોથી ધિક્કાર પામેલો, અને લોકોથી તુચ્છ ગણાયેલો છું.

7 જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે; તેઓ મોં મરડીને અને માથું ધુણાવીને કહે છે,

8 “તું પોતાને યહોવાના હાથમાં સોંપ; તે તને છોડાવે; તે તારા પર રાજી છે, માટે તે તને બચાવે.”

9 પણ તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; મારી માને હું ધાવતો હતો ત્યારે પણ તમે મારામાં ભરોસો ઉપજાવ્યો.

10 જન્મથી હું તમારા હાથમાં સોંપાએલો છું; મારી માના ઉદરમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો.

11 મારાથી આઘા ન થાઓ; કેમ કે સંકટ પાસે [આવી પડ્યું] છે; અને સહાય કરનાર કોઈ નથી.

12 ઘણા ગોધાઓએ મને ઘેરી લીધો છે; બાશાનના બળવંત ગોધાઓ મારી આસપાસ ફરી વળ્યા છે.

13 ફાડી ખાનાર તથા ગર્જનાર સિંહની જેમ તેઓ મારી સામે પોતાનું મોં વિકાસે છે.

14 મારું બળ પાણી થઈ ગયું છે; અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે; મારું હ્રદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.

15 મારું બળ સુકાઈને ઠીકરા જેવું થઈ ગયું છે; મારાં જડબાં સાથે મારી જીભ ચોંટી જાય છે; અને તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે.

16 કેમ કે કૂતરા મારી આસપાસ ફરી વળ્યા છે; ભૂંડાઓની ટોળીએ મને ઘેરી લીધો છે; તેઓએ મારા હાથ તથા મારા પગ વીંધી નાખ્યા.

17 હું મારાં સર્વ હાડકાં ગણી શકું છું; તેઓ મને ધારીને જુએ છે.

18 તેઓ અંદરોઅંદર મારાં લૂગડાં વહેંચી લે છે; અને મારા ઝભ્ભાને માટે તેઓ ચિઠ્ઠી નાખે છે.

19 પણ, હે યહોવા, તમે દૂર ન થાઓ; હે મારા આશ્રય, મારી મદદે આવો.

20 મારા આત્માને તરવારથી, અને મારા જીવને કૂતરાના કબજામાંથી છોડાવો.

21 સિંહના મોંમાંથી મને બચાવો; તમે જંગલી ગોધાના શિંગથી મને [બચાવીને] ઉત્તર આપ્યો છે.

22 હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ; મંડળીમાં હું તમારી સ્તુતિ કરીશ.

23 હે યહોવાનો ભય રાખનારાઓ, તમે તેમની સ્તુતિ કરો; હે યાકૂબનાં સર્વ સંતાનો, તમે તેમને ગૌરવ આપો; અને હે ઇઝરાયલનાં સર્વ પરિવાર, તમે તેમનું ભય રાખો.

24 કેમ કે તેમણે દુ:ખીઓના દુ:ખને તુચ્છ ગણ્યું નથી, તેનાથી કંટાળ્યા નથી; અને તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી. પણ તેણે ઈશ્વરને અરજ કરી ત્યારે તેમણે તેનું સાંભળ્યું.

25 તમારી કૃપાથી હું મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું. તેમનું ભય રાખનારાની આગળ હું મારી માનતા પૂરી કરીશ.

26 દરિદ્રીઓ ખાશે અને તૃપ્ત થઈ જશે; યહોવાને શોધનારા તેમની સ્તુતિ કરશે; [તે કહેશે કે,] તમારું હ્રદય સર્વકાળ જીવો.

27 પૃથ્વીની સર્વ સીમા [ના લોકો] યહોવાને સંભારીને તેમની તરફ ફરશે; અને વિદેશીઓનાં સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે.

28 કેમ કે રાજ્ય યહોવાનું છે. અને વિદેશીઓ પર રાજ કરનાર તે જ છે.

29 પૃથ્વીના સર્વ મોટા મોટા લોકો ખાશે તથા પ્રણામ કરશે; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.

30 તેમના વંશજો ઈશ્વરની સેવા કરશે; આવતી પેઢીની આગળ યહોવા વિષેની વાત પ્રગટ કરવામાં આવશે.

31 તેઓ આવશે, અને હવે પછી જન્મનારા લોકોને યહોવાનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે, “તેમણે તે કર્યું છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan