ગીતશાસ્ત્ર 21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)વિજય-સ્તવન મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. 1 હે યહોવા, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે; અને તમારા તારણથી તે કેટલો બધો આનંદ કરશે! 2 તમે તેના હ્રદયની ઇચ્છા પ્રમાણે તેને આપ્યું છે, અને તેના હોઠની અરજીનો નકાર તમે કર્યો નથી. (સેલાહ) 3 કેમ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો; તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો. 4 તેણે તમારી પાસેથી જીવતદાન માગ્યું, તે તમે તેને આપ્યું; એટલે સર્વકાળ રહે એવું [દીર્ઘાયુષ્ય] તેને આપ્યું. 5 તમારા તારણથી તે ગૌરવવાન થાય છે; તમે તેને માન તથા મહિમા બક્ષો છો. 6 કેમ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો; તમે તમારી હજૂરમાં તેને આનંદ પમાડો છો. 7 કેમ કે યહોવા પર રાજા ભરોસો રાખે છે, અને પરાત્પરની કૃપાથી તે ડગશે નહિ. 8 તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે; તારો જમણો હાથ તારા દ્વેષીઓને શોધી કાઢશે. 9 તું તારા રોષને સમયે તેઓને બળતી ભઠ્ઠી જેવા કરી દેશે. યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે, અને અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે. 10 પૃથ્વી પરથી તેઓનો પરિવાર અને મનુષ્યોમાંથી તેઓનાં સંતાનનો તમે નાશ કરશો. 11 કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ ભૂંડું કરવાનું ધાર્યું; જેને તેઓ અમલમાં લાવી શકતા નથી, એવી યુક્તિ તેઓએ કલ્પી. 12 તમે તમારી પણછથી તેઓનાં મુખ સામે તૈયારી કરશો, ત્યારે તેઓને પાછા હઠી જવું પડશે. 13 હે યહોવા, તમે પોતાને સામર્થ્યે ઊંચા હો; એમ અમે તમારા પરાક્રમનાં સ્તોત્ર ગાઈને સ્તવન કરીશું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India