Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


સૃષ્ટિમાં પ્રગટતો પ્રભુ-મહિમા
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.

1 આકાશો ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે; અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે.

2 દિવસ દિવસને [તેમના વિષે] કહે છે, અને રાત રાતને [તેમનું] જ્ઞાન પ્રગટ કરે છે.

3 વચન નથી અને‍ શબ્દો પણ નથી; અને તેઓની વાણી સંભળાતી નથી.

4 તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે, અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાએલી છે. તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઊભો કર્યો છે.

5 તે પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે, તે બળવાન માણસની જેમ પોતાની શરત દોડવામાં આનંદ માને છે.

6 આકાશને એક છેડેથી તે નીકળી આવે છે, અને તેનું પરિક્રમણ તેના બીજા છેડા સુધી છે. તેની ઉષ્ણતા વગર કોઈ રહી જતું નથી.


પ્રભુનો નિયમ

7 યહોવાનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે; યહોવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે.

8 યહોવાના વિધિઓ યથાર્થ છે, તેઓ હ્રદયને આનંદ આપે છે. યહોવાની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે.

9 યહોવાનો ભય શુદ્ધ છે, તે સર્વકાળ ટકે છે; યહોવાના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે.

10 તેઓ સોના, હા, ઘણા ચોખ્ખા સોના ‍ કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે; મધ, હા, મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ મીઠા છે.

11 વળી તેઓથી તમારા સેવકને ચેતવણી મળે છે; તેઓને પાળવામાં મોટો લાભ છે.

12 પોતાની ભૂલો કોણ જાણી શકે? છાનાં પાપમાંથી તમે મને મુક્ત કરો.

13 વળી જાણી જોઈને કરેલાં પાપથી તમે તમારા સેવકને અટકાવો; તેઓ મારા ઉપર રાજ ન કરે; ત્યારે હું પૂર્ણ થઈશ, અને મહાપાપમાંથી બચી જઈશ.

14 હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હ્રદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan