ગીતશાસ્ત્ર 18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દાઉદ રાજાનું વિજયગાન મુખ્ય ગવૈયાને માટે. યહોવાના સેવક દાઉદનું [ગીત]. જે દિવસે યહોવાએ તેને તેના સર્વ શત્રુઓના હાથમાંથી તથા શાઉલના હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તેણે યહોવાને આ ગીતનાં વચન કહ્યાં કે, 1 હે યહોવા, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ રાખું છું. 2 યહોવા મારા ખડક, મારો કિલ્લો તથા મારા બચાવનાર છે; મારા ઈશ્વર, મારા ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખતર, મારા તારણનું શિંગ અને મારો ઊંચો બુરજ છે. 3 યહોવા સ્તુતિપાત્ર છે, તેમને હું વિનંતી કરીશ. એમ હું મારા શત્રુઓથી બચી જઈશ. 4 મરણનાં બંધનોએ મને ઘેર્યો, અને દુષ્ટતાનાં મોજાંએ મને બીવડાવ્યો. 5 શેઓલનાં બંધનોએ મને ઘેરો ઘાલ્યો, મરણના પાશ મારા પર આવી પડ્યા. 6 મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી, અને મારા ઈશ્વરને અરજ કરી; તેમણે પોતાના પવિત્રસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો, અને તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી. 7 ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી, વળી પર્વતોના પાયા ખસી ગયા. તથા હાલ્યા, કેમ કે ઈશ્વર કોપાયમાન હતા. 8 તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળ્યો, અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળ્યો; તેથી કોલસા સળગી ઊઠયા 9 વળી તે આકાશોને નમાવીને ઊતર્યા; અને તેમના પગ નીચે ઘોર અંધકાર હતો. 10 તે કરૂબ ઉપર સવારી કરીને ઊડયા; અને વાયુની પાંખો વડે વેગે ઊડયા. 11 તેમણે અંધકારને એટલે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષનાં ગાઢાં વાદળને પોતાનું સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસનું આચ્છાદન બનાવ્યું. 12 તેમની સામેના પ્રકાશથી તેમનાં ગાઢાં વાદળ જતાં રહ્યાં, કરાં તથા અગ્નિના અંગારા [પડ્યા]. 13 યહોવાએ આકાશમાં ગર્જના કરી, અને પરાત્પરે મોટો અવાજ કાઢયો; કરાં અને અગ્નિના અંગારા [પડ્યા]. 14 તેમણે બાણો મારીને તેઓને વિખેરી નાખ્યા; વળી તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા. 15 ત્યારે, હે યહોવા, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસના ઝપાટાથી, સમુદ્રનાં તળિયાં દેખાયાં, અને જગતના પાયા ઉઘાડા થયા. 16 તેમણે ઉપરથી પોતાને હાથે મને પકડી લીધો. તેમણે ઘણાં પાણીમાંથી મને કાઢયો. 17 તેમણે મારા બળવાન શત્રુથી અને મારા દ્વેષીઓથી મને બચાવ્યો, કેમ કે તેઓ મારા કરતાં જોરાવર હતા. 18 મારી વિપત્તિને દિવસે તેઓ મારા પર તૂટી પડ્યા; પણ યહોવા મારો આધાર હતા. 19 વળી તે મને ખુલ્લી જગામાં કાઢી લાવ્યા; તેમણે મને છોડાવ્યો, કેમ કે તે મારા પર પ્રસન્ન હતા. 20 યહોવાએ મને મારા ન્યાયીપણાનું ફળ આપ્યું; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે. 21 કેમ કે હું યહોવાને માર્ગે ચાલ્યો છું, અને ભૂંડાઈ કરીને મારા ઈશ્વરથી વિમુખ થયો નથી. 22 તેમની સર્વ આજ્ઞાઓ હું મારી સંમુખ રાખતો, અને મેં તેમના વિધિઓ મારી પાસેથી દૂર કર્યા નહોતા. 23 વળી હું તેમની આગળ નિર્દોષ હતો, અને હું અન્યાયથી દૂર રહ્યો. 24 માટે યહોવાએ મારું ન્યાયીપણું અને મારા હાથની શુદ્ધતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદાન આપ્યું છે. 25 કૃપાળુની સાથે તમે કૃપાળુ દેખાશો; ન્યાયીની સાથે તમે ન્યાયી દેખાશો; 26 શુદ્ધની સાથે તમે શુદ્ધ દેખાશો; પણ હઠીલાની સાથે તમે હઠીલા દેખાશો 27 કેમ કે તમે દુ:ખીઓને બચાવશો; પણ અભિમાની આંખોને તમે નીચું જોવડાવશો. 28 કેમ કે તમે મારો દીવો સળગાવશો; યહોવા મારા ઈશ્વર મારા અંધકારનો પ્રકાશ કરશે. 29 કેમ કે તમારી [સહાય] થી હું પલટણ ઉપર ધસી પડું છું; અને મારા ઈશ્વર [ની કૃપા] થી હું કોટ કૂદી જાઉં છું. 30 ઈશ્વરનો માર્ગ તો પરિપૂર્ણ છે; યહોવાનો શબ્દ પરખેલો છે; જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની ઢાલ તે છે. 31 કેમ કે યહોવા વિના બીજો ઈશ્વર કોણ છે? અને અમારા ઈશ્વર વિના બીજો ગઢ કોણ છે? 32 ઈશ્વર જે મારી કમરે સામર્થ્ય [રૂપી પટો] બાંધે છે, અને મારો માર્ગ સીધો કરે છે. 33 તે મારા પગ હરણીના જેવા કરે છે. અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે. 34 તે મારા હાથોને લડતાં શીખવે છે; તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે. 35 વળી તમે તમારા તારણની ઢાલ મને આપી છે; તમારે જમણે હાથે મને ઊંચકી રાખ્યો છે, અને તમારી અમીદષ્ટિએ મને મોટો કર્યો છે. 36 તમે મારી ચાલવાની જગા ખુલ્લી કરી છે, જેથી મારા પગ સરકી ગયા નથી. 37 હું મારા શત્રુઓની પાછળ પડીને તેઓને પકડી પાડીશ; અને તેઓનો નાશ નહિ થાય, ત્યાં સુધી હું પાછો ફરીશ નહિ. 38 હું તેઓને એવા વીંધી નાખીશ કે તેઓ ઊઠી શકે નહિ; તેઓ મારે પગે પડશે. 39 કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્ય [રૂપી પટો] બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારાને તમે મારે તાબે કર્યા છે. 40 વળી તમે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવાવી છે કે, જેથી મારા દ્વેષીઓનો હું નાશ કરું. 41 તેઓએ બૂમ મારી, પણ બચાવનાર કોઈ નહોતો; હા, તેઓએ યહોવાને [વિનંતી કરી] , પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો નહિ. 42 ત્યારે પવન આગળ ધૂળની જેમ મેં તેઓને બારીક ખાંડયા; રસ્તાના કાદવની જેમ મેં તેઓને ફેંકી દીધા. 43 લોકોના સંઘર્ષમાંથી તમે મને છોડાવ્યો છે. તમે વિદેશીઓને મારે તાબે કર્યા છે. જે લોકોને હું ઓળખતો નહોતો તેઓએ મારી તાબેદારી કરી. 44 મારે વિષે સાંભળતાં જ તેઓએ મારું માન્યું; પરદેશીઓ મારે શરણે આવ્યા. 45 પરદેશીઓનો ક્ષય થયો, તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રુજતા ધ્રુજતા આવ્યા. 46 યહોવા જીવતા જાગતા ઈશ્વર છે; મારા ખડકને ધન્ય હો. મારા તારણના ઈશ્વર ઉત્તમ મનાઓ. 47 એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે, અને લોકને મારે તાબે કરે છે તેમને [ધન્ય હો]. 48 તે મારા શત્રુઓથી મને છોડાવે છે; હા, મારી સામે ઊઠનારા પર તમે મને વિજય આપો છો; બલાત્કાર કરનાર માણસથી તમે મને બચાવો છો. 49 માટે, હે યહોવા હું વિદેશીઓમાં તમારી આભારસ્તુતિ કરીશ, અને તમારા નામનાં સ્તોત્ર ગાઈશ. 50 તે પોતાના રાજાને વિજય આપે છે; અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના સંતાન ઉપર, સર્વકાળ કૃપા રાખે છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India