Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


નિર્દોષના કાલાવાલા
દાઉદની પ્રાર્થના

1 હે યહોવા, ન્યાય સાંભળો, મારા કાલાવાલા પર ધ્યાન આપો; ઢોંગી હોઠોમાંથી નીકળતી નથી એવી મારી પ્રાર્થના સાંભળો.

2 તમારી હજૂરમાંથી મારો ઇનસાફ થાઓ; તમારી આંખો ન્યાયને જુએ.

3 તમે મારા હ્રદયને પારખ્યું છે; તમે રાત્રે મારી તપાસ રાખી છે. તમે મારી કસોટી કરી છે, અને મારામાં તમને કંઈ દોષ માલૂમ પડ્યો નથી. મારે મુખે હું અપરાધ કરીશ નહિ.

4 માણસોનાં કૃત્યો વિષે [હું બોલું] તો તમારાં વચનોની સહાયથી હું જુલમીઓના માર્ગમાંથી દૂર રહ્યો છું.

5 મારાં પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે, મારા પગ લપસી ગયા નથી.

6 મેં તમને વિનંતી કરી છે, કેમ કે, હે ઈશ્વર, તમે મને ઉત્તર આપશો. મારી તરફ કાન ધરો, અને મારું બોલવું સાંભળો.

7 જેઓ તમારા પર ભરોસો રાખે છે [તેમની સામે] ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદભુત કરુણા દર્શાવો.

8 આંખની કીકીની જેમ મને સંભાળો, તમારી પાંખોની છાયા નીચે મને સંતાડો.

9 જેઓ મારા ઘાતકી વૈરીઓ છે, અને જેઓ મને ચોપાસ ઘેરે છે, એવા મારો નાશ કરનાર દુષ્ટોથી [મને સંતાડો].

10 તેઓએ પોતાના હ્રદયને સખત કર્યું છે; તેઓ પોતાને મુખે ગર્વથી બોલે છે.

11 તેઓએ હાલ અમને ડગલે ડગલે ઘેર્યા છે. તેઓ અમને ભૂમિ પર પછાડવાને પોતાની આંખોથી તાકી રહ્યા છે.

12 તે શિકારના ભૂખ્યા સિંહના જેવા, અને સંતાઈ રહેલા સિંહના બચ્ચાના જેવા છે.

13 હે યહોવા, ઊઠો, તેની સામે થાઓ, ‍ તેને પાડી નાખો; તમારી તરવાર દ્વારા દુષ્ટથી મારા જીવને છોડાવો;

14 હે યહોવા, તમારા હાથ વડે માણસોથી, કે જેઓનો ભાગ આ જિંદગીમાં છે તેવાં આ જગતનાં માણસોથી મારા જીવને બચાવો, જેઓનું પેટ તમે તમારા દ્રવ્યથી ભરો છો; અને તેઓ છોકરાં વડે સંતુષ્ટ થાય છે, અને પોતાની બાકી રહેલી મિલકતનો વારસો પોતાનાં બાળકોને માટે મૂકી પણ જાય છે.

15 પરંતુ હું તો ન્યાયીપણે વર્તીને તમારું મુખ જોઈશ; હું જાગીશ ત્યારે તમારી પ્રતિમાથી સંતોષ પામીશ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan