ગીતશાસ્ત્ર 148 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સમસ્ત સૃષ્ટિ પ્રભુની સ્તુતિ કરો 1 યહોવાની સ્તુતિ કરો. આકાશોથી યહોવાની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો. 2 તેમના સર્વ દૂતો, તમે તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો. 3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; સર્વ ઝગમગતા તારા, તેમની સ્તુતિ કરો. 4 આકાશોનાં આકાશો, તમે તેમની સ્તુતિ કરો; આકાશ ઉપરનાં પાણી, તેમની સ્તુતિ કરો. 5 યહોવાના નામની સ્તુતિ તેઓ કરે; કેમ કે ઈશ્વરની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયાં. 6 વળી તેમણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યાં છે; જેનું ઉલ્લંઘન તેઓ કરી શકે નહિ, એવો નિયમ તેમણે કર્યો છે. 7 પૃથ્વી પરથી તમે યહોવાની સ્તુતિ કરો; રાક્ષસી જળચરો તથા સર્વ ઊંડાણો [તેમની સ્તુતિ કરો]. 8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ; આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે; 9 પહાડો તથા સર્વ ડુંગરો; ફળવૃક્ષો તથા સર્વ દેવદારો; 10 જાનવરો તથા સર્વ પશુઓ; પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ; 11 પૃથ્વીના રાજાઓ તથા સર્વ લોકો; હાકેમો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો; 12 જુવાનો તથા કન્યાઓ; વૃદ્ધો તથા બાળકો; 13 તે સર્વ, યહોવાના નામની સ્તુતિ કરો; કેમ કે એકલું તેમનું જ નામ બુલંદ છે; તેમનું ગૌરવ પૃથ્વી તથા આકાશ કરતાં મોટું છે. 14 વળી તેમણે પોતાના લોકોનું શિંગ, અને પોતાના બધા સંતોની સ્તુતિ ઊંચી કરી છે; અને જે તેમની પાસે રહેનાર ઇઝરાયલ લોકો છે [તેમને તેમણે ઊંચા કર્યા છે]. યહોવાની સ્તુતિ કરો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India