ગીતશાસ્ત્ર 146 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દુખ:હરતા પ્રભુની સ્તુતિ 1 યહોવાની સ્તુતિ કરો. હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર. 2 મારી જિંદગી પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ; મારી હયાતીના અંત સુધી હું મારા ઈશ્વરનાં સ્તોત્ર ગાઈશ. 3 રાજાઓ પર ભરોસો ન રાખ, તેમજ માણસજાત પર પણ નહિ, કેમ કે તેની પાસે તારણ નથી. 4 તેનો પ્રાણ નીકળી જાય છે, [તેનું શરીર] ભૂમિમાં પાછું મળી જાય છે; તે જ દિવસે તેની ધારણાઓનો નાશ થાય છે. 5 જેની સહાય યાકૂબનો ઈશ્વર છે, જેની આશા પોતાના ઈશ્વર યહોવા પર છે, તેને ધન્ય છે. 6 આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાં જે કંઈ છે તેના ઉત્પન્નકર્તા યહોવા છે; તે સદા સત્ય પાળનાર છે. 7 તે હેરાન થએલાની દાદ સાંભળે છે; તે ભૂખ્યાને અન્ન આપે છે; યહોવા કેદીઓને છોડાવે છે. 8 યહોવા આંધળાને દેખતાં કરે છે; યહોવા દબાઈ રહેલાઓને ઊભા કરે છે; યહોવા ન્યાયીઓ પર પ્રેમ રાખે છે; 9 યહોવા પરદેશીઓનું રક્ષણ કરે છે; તે અનાથોને તથા વિધવાઓને સંભાળે છે; પણ દુષ્ટોનો માર્ગ તે અવળો કરી નાખે છે. 10 યહોવા સર્વકાળ રાજ કરશે; હે સિયોન, તમારો ઈશ્વર પેઢી દરપેઢી સુધી [રાજ કરશે] યહોવાની સ્તુતિ કરો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India