Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 145 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


સર્વસમર્થ પ્રભુનું યશોગાન
સ્તવન [ગીત] ; દાઉદનું

1 હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ; સદા હું તમારા નામને સ્તુત્ય માનીશ.

2 દરરોજ હું તમને સ્તુત્ય માનીશ; સદા હું તમારા નામની સ્તુતિ કરીશ.

3 યહોવા મોટા અને બહુ જ સ્તુતિપાત્ર છે; તેમનું માહાત્મ્ય અગમ્ય છે.

4 પેઢી દરપેઢી તમારાં કામનાં વખાણ થશે, અને તમારા સામર્થ્યનાં કૃત્યો પ્રગટ કરવામાં આવશે.

5 તમારા ગૌરવના મહત્ત્વની શોભાનું તથા તમારાં આશ્ચર્યકારક કામોનું મનન હું કરીશ.

6 લોકો તમારાં ભયંકર કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તમારું માહાત્મ્ય વર્ણવીશ.

7 તેઓ તમારા પુષ્કળ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે, અને તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે.

8 યહોવા કૃપાળુ તથા રહેમી છે; તે કોપ કરવે ધીમા તથા અતિ કરુણામય છે.

9 યહોવા સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ છે.

10 હે યહોવા, તમારાં સર્વ કામ તમારો આભાર માનશે; અને તમારા ભક્તો તમને સ્તુત્ય માનશે.

11 તેઓ તમારા રાજયના ગૌરવ વિષે બોલશે, તેઓ તમારા પરાક્રમ સંબંધી વાતો કરશે;

12 એથી માણસો તેમનાં પરાક્રમી કામ, તથા તેમના રાજયના ગૌરવની શોભા વિષે જાણશે.

13 તમારું રાજય સર્વકાળનું રાજય છે, તમારો અધિકાર પેઢી દરપેઢી [ટકી રહે છે].

14 સર્વ પડતા માણસોને યહોવા આધાર આપે છે, અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે.

15 સર્વની દષ્ટિ તમારી તરફ તલપી રહે છે; યોગ્ય સમયે તમે તેઓને અન્‍ન આપો છો.

16 તમે તમારો હાથ ખોલીને સર્વ સજીવોની ઇચ્છાને તૃપ્ત કરો છો.

17 યહોવા પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે, તે પોતાનાં સર્વ કામોમાં કૃપાળુ છે.

18 જેઓ તેમને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે.

19 તેમના ભક્તોની ઇચ્છાને તે તૃપ્ત કરશે; તે તેઓનો પોકાર પણ સાંભળશે, અને તેઓને તારશે.

20 જેઓ યહોવા પર પ્રેમ રાખે છે તે બધાનું તે રક્ષણ કરે છે; પણ સર્વ દુષ્ટોનો તે સંહાર કરશે.

21 મારું મુખ યહોવાની સ્તુતિ કરશે; સર્વ માણસો સદા તેમના પવિત્ર નામને સ્તુત્ય માનો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan