ગીતશાસ્ત્ર 144 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)રાજાની વિજય માટે આભારસ્તુતિ દાઉદનું ગીત. 1 યહોવા મારા ખડક છે, તેમને ધન્ય હો; તે મારા હાથને યુદ્ધ કરતાં, અને મારી આંગળીઓને લડતાં શીખવે છે. 2 તે મારા કૃપાનિધિ છે, તે મારો કિલ્લો છે; મારો ગઢ તથા મારા બચાવનાર છે; તે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તે જ છે; તે મારા લોકોને મારે તાબે કરે છે. 3 હે યહોવા, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની ઓળખાણ રાખો? માણસ [કોણ માત્ર] છે કે તમે તેને ધ્યાનમાં રાખો? 4 માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો નમી જતી છાયાના જેવા છે. 5 હે યહોવા, તમારાં આકાશોને નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે. 6 વીજળી ચમકાવીને તેઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓનો નાશ કરો; 7 ઉપરથી તમારા હાથ લંબાવો; મારો છુટકારો કરો; ઊંડા પાણીમાંથી, પારકાઓના હાથમાંથી, મને બચાવો. 8 તેઓનું મોઢું મિથ્યા ભાષણ કરે છે, તેઓનો જમણો હાથ તો જૂઠાઈનો જમણો હાથ છે. 9 હે ઈશ્વર, તમારે માટે નવું ગીત ગાઈશ; દશ તારવાળી સારંગી સાથે હું તમારાં સ્તોત્ર ગાઈશ. 10 તે રાજાઓને તારણ આપનાર છે; તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે. 11 મારો છૂટકો કરો, અને મને પારકાઓના હાથમાંથી બચાવો; તેઓનું મોઢું મિથ્યા ભાષણ કરે છે, અને તેઓનો જમણો હાથ તો જૂઠાઈનો જમણો હાથ છે. 12 અમારા દીકરા પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અમારી દીકરીઓ રાજમહેલના જેવી શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ; 13 અમારી વખારો વિવિધ સામગ્રી પૂરી પાડે એવી ભરપૂર થાઓ; અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો ને દશ હજારો બચ્ચાં જણનારાં થાઓ; 14 અમારા બળદો ભાર ઊંચકવામાં જબરા થાઓ; ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; અને નાસી છૂટનાર કોઈ ન હો. અમારી શેરીઓમાં કંઈ બૂમ ન પડો. 15 જે લોકો આવા હોય છે તેઓ સુખી હોય છે; જેઓના ઈશ્વર યહોવા છે તેઓને ધન્ય છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India