Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 141 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


સાયંકાળની પ્રાર્થના
દાઉદનું ગીત.

1 હે યહોવા, હું તમને વિનંતી કરું છું; તમે મારી પાસે ઉતાવળે આવો; જ્યારે હું તમને વિનંતી કરું ત્યારે તમે મારું સાંભળો.

2 મારી પ્રાર્થના તમારી સમક્ષ ધૂપ જેવી થાઓ; અને મારા હાથોનું ઊંચું થવું તે સાયંકાળના યજ્ઞ જેવું થાઓ.

3 હે યહોવા, મારા મુખ પર ચોકી રાખો; મારા હોઠોનું દ્વાર સંભાળો.

4 અન્યાય કરનારાની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી મારા અંત:કરણને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો, અને તેઓના મિષ્ટાન્‍નમાંથી મને ખાવા ન દો.

5 ન્યાયી માણસ મને ફટકા મારે તો તે હું કૃપા સમજીશ; તે મને ઠપકો દે, તો તે [મારા] માથા પર ચોળેલા તેલ જેવો થશે! મારું માથું તેનો નકાર નહિ કરે. તોપણ તેઓનાં દુષ્ટ કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.

6 તેઓના ન્યાયાધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે; મારાં વચનો મીઠાં હોવાથી તેઓ સાંભળશે.

7 જેમ કોઈ જમીન ઉપર [લાકડાંને] કાપીને ચીરે છે તેમ અમારાં હાડકાં કબરના મુખ આગળ વિખેરી નાખેલાં છે.

8 પણ હે યહોવા ઇશ્વર, મારી દષ્ટિ તમારા જ ઉપર છે, તમે મારા આશ્રય છો; મારા આત્માનો નાશ થવા ન દો.

9 તેઓએ જે પાશ મારે માટે નાખ્યા છે તેઓથી, અને દુષ્ટ માણસોની જાળથી, મને બચાવો.

10 દુષ્ટો પોતાની જાળોમાંથી સપડાઈ જાય, એટલામાં તો હું બચી જાઉં.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan