ગીતશાસ્ત્ર 138 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)આભારની પ્રાર્થના દાઉદનું [ગીત] 1 હું ખરા હ્રદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ. 2 હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ, તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારું નામ વખાણીશ; કેમ કે સર્વ કરતાં તમે તમારા નામનું માહાત્મ્ય વધાર્યું છે. 3 મેં વિનંતી કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો, અને આત્મબળ આપીને મને બળવાન કર્યો. 4 હે યહોવા, પૃથ્વીના સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે. 5 હા, તેઓ યહોવાના માર્ગો વિષે ગાશે; કેમ કે યહોવાનો મહિમા મહાન છે. 6 જો કે યહોવા મહાન છે, તોપણ તે દીન જનો પર લક્ષ રાખે છે; પણ ગર્વિષ્ઠોને તો તે વેગળેથી ઓળખે છે. 7 જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જીવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો, અને તમારો જમણો હાથ મને તારશે. 8 મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હે યહોવા, તમારી કૃપા સદાકાળ [ટકનાર] છે; તમે તમારા હાથનાં કામોનો ત્યાગ ન કરો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India