Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 135 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈશ્વરસ્તુતિ

1 યહોવાની સ્તુતિ કરો; યહોવાના નામની સ્તુતિ કરો; હે યહોવાના સેવકો, તમે તેમની સ્તુતિ કરો;

2 યહોવાના મંદિરમાં, આપણા ઈશ્વરના મંદિરનાં આંગણામાં ઊભા રહેનારા [તેમની સ્તુતિ કરો].

3 તમે યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા ઉત્તમ છે; તેમના નામની સ્તુતિ ગાઓ, કેમ કે તેમ કરવું આનંદદાયક છે.

4 યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે, તેમણે ઇઝરાયલને પોતાની ખાસ મિલકત થવા માટે [પસંદ કર્યો છે].

5 કેમ કે હું જાણું છું કે યહોવા મહાન છે, આપણા પ્રભુ સર્વ દેવો કરતાં મહાન છે.

6 આકાશમાં તથા પૃથ્વીમાં, સમુદ્રોમાં તથા સર્વ ઊંડાણોમાં, યહોવાને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.

7 પૃથ્વીના છેડાથી તે વાદળાં ચઢાવે છે; વરસાદને માટે તે વીજળી ઉત્પન્‍ન કરે છે; પોતાના ભંડારોમાંથી તે વાયુને બહાર કાઢે છે.

8 મિસરમાં તેમણે માણસોના તથા પશુઓના પ્રથમ જન્મેલાઓને માર્યા.

9 હે મિસર, તારા પ્રદેશમાં, ફારુન ઉપર તથા તેના સર્વ સેવકો ઉપર, પ્રભુએ ચિહ્નો તથા ચમત્કારો મોકલ્યાં.

10 તેમણે ઘણી પ્રજાઓને મારી, તેમણે પરાક્રમી રાજાઓનો સંહાર કર્યો;

11 અમોરીઓના રાજા સિહોનને, તથા બાશાનના રાજા ઓગને, અને કનાનનાં સર્વ રાજ્યોને [તેમણે માર્યા] ;

12 તેમના દેશને પ્રભુએ પોતાના લોક ઇઝરાયલને વારસામાં આપ્યો.

13 હે યહોવા, તમારું નામ અનંતકાળ [ટકનાર] છે; હે યહોવા, તમારું સ્મરણ પેઢી દરપેઢી [ટકી રહેનાર] છે.

14 યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે, તે પોતાના સેવકો વિષે દિલગીર થશે.

15 વિદેશીઓની મૂર્તિઓ તો સોનારૂપાની છે, તેઓ માણસોના હાથથી બનેલી છે.

16 તેઓને મોં હોય છે, પણ તેઓ બોલતી નથી; આંખ હોય છે, પણ તેઓ જોતી નથી;

17 કાન હોય છે, પણ તેઓ સાંભળતી નથી; અને તેઓનાં મુખમાં શ્વાસ નથી.

18 તેઓના બનાવનારા, તેમ જ તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેમના જેવા થશે.

19 હે ઇઝરાયલપુત્રો, યહોવાને સ્તુત્ય માનો; હારુનપુત્રો, તમે યહોવાને સ્તુત્ય માનો;

20 લેવીપુત્રો, યહોવાને સ્તુત્ય માનો; યહોવાના ભક્તો, તમે યહોવાને સ્તુત્ય માનો.

21 યરુશાલેમમાં વસનાર યહોવાને સિયોનમાંથી ધન્ય હોજો. યહોવાની સ્તુતિ કરો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan