ગીતશાસ્ત્ર 118 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)વિજય માટે આભારસ્તુતિ 1 યહોવાનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ [ટકે છે]. 2 ઇઝરાયલ, તું એમ જ કહેજે, “તેમની કૃપા સર્વકાળ [ટકે છે] ” 3 હારુનપુત્રો, તમે કહેજો, “તેમની કૃપા સર્વકાળ [ટકે છે] ” 4 યહોવાના ભક્તો, તમે પણ કહેજો, “તેમની કૃપા સર્વકાળ [ટકે છે] ” 5 સંકટમાં મેં યહોવાને વિનંતી કરી, એટલે યહોવાએ મને ઉત્તર આપીને વિશાળ જગામાં [બેસાડ્યો]. 6 યહોવા મારા પક્ષમાં છે; હું બીવાનો નથી! માણસ મને શું કરી શકશે? 7 યહોવા મારા પક્ષમાં છે; તે મારા સહાયકારી છે, માટે હું મારા દ્વેષીઓ પર [મારી ઇચ્છા પૂરી થયેલી] જોઈશ. 8 માણસનો ભરોસો કરવા કરતાં યહોવા પર આધાર રાખવો સારો છે. 9 રાજાઓ પર ભરોસો રાખવા કરતાં યહોવા પર આધાર રાખવો સારો છે. 10 સર્વ વિદેશીઓએ મને ઘેરી લીધો હતો; પણ યહોવાને નામે મેં તેઓને કાપી નાખ્યા. 11 તેઓએ મને ઘેરી લીધો હતો; હા, ખરેખરે ઘેરી લીધો હતો; પણ યહોવાને નામે મેં તેઓને કાપી નાખ્યા. 12 તેઓએ મધમાખીઓની જેમ મને ઘેરી લીધો હતો; પણ તેઓ સળગેલા કાંટાની જેમ હોલવાઈ ગયા છે; યહોવાને નામે મેં તેઓને કાપી નાખ્યા. 13 મને પાડી નાખવાને તેં મને ભારે ધક્કા માર્યા; પણ યહોવાએ મને મદદ આપી. 14 યહોવા મારું સામર્થ્ય તથા મારું ગીત છે; તે મારું તારણ થયા છે. 15 ન્યાયીઓના તંબુઓમાં હર્ષ તથા તારણના ધ્વનિ [સંભળાય છે] ; યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે. 16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે; યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે. 17 હું મરી નહિ જઈશ, પણ જીવતો રહીશ, અને યહોવાનાં કૃત્યોને પ્રગટ કરીશ. 18 યહોવાએ મને ભારે શિક્ષા કરી; પણ તેમણે મને મરણને સોંપી દીધો નહિ. 19 મારે માટે ન્યાયનાં દ્વાર ઉઘાડો; તેઓમાં થઈને હું જઈશ, અને યાહનો આભાર માનીશ. 20 યહોવાનું દ્વાર આ છે; એમાં થઈને ન્યાયીઓ અંદર પેસશે. 21 હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે. અને તમે મારું તારણ થયા છો. 22 ઘર બાંધનારાઓએ જે પથ્થર બાતલ કર્યો હતો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. 23 આ [કાર્ય] યહોવાથી થયું છે; આપણી દષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. 24 આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે; તેમાં આપણે આનંદોત્સવ કરીએ. 25 હે યહોવા, તમે હવે દયા કરીને તારણ આપો; હે યહોવા, હવે તમે દયા કરીને ક્ષેમકુશળ રાખજો. 26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે; યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ આપ્યો છે. 27 યહોવા તે જ ઈશ્વર છે, તેમણે આપણને અજવાળું આપ્યું છે; વેદીનાં શિંગોની સાથે દોરડાંથી બલિદાનને બાંધો. 28 તમે મારા ઈશ્વર છો, હું તમારો આભાર માનીશ; તમે મારા ઈશ્વર છો, હું તમને મોટા માનીશ. 29 યહોવાનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે. તેમની કૃપા સર્વકાળ [ટકે છે]. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India