ગીતશાસ્ત્ર 116 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)મૃત્યુમાંથી બચાવ માટે આભારસ્તુતિ 1 યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યાં છે. તેથી હું તેમના પર પ્રેમ રાખું છું. 2 તેમણે મારી તરફ પોતાનો કાન ધર્યો છે, માટે જિંદગી પર્યંત હું તેમની પ્રાર્થના કરીશ. 3 મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો, જાણે હું શેઓલમાં પેઠો હોઉં એમ લાગતું હતું; મને સંકટ તથા શોક આવી મળ્યાં હતાં. 4 ત્યારે મેં યહોવાના નામને વિનંતી કરી, “હે યહોવા, દયા કરીને મારા આત્માને બચાવો.” 5 યહોવા કૃપાળુ તથા ન્યાયી છે; આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે. 6 યહોવા ભોળાનું રક્ષણ કરે છે. હું છેક લાચાર બની ગયો હતો, અને તેમણે મને બચાવ્યો. 7 હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કેમ કે યહોવા તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે. 8 તમે મારા પ્રાણને મરણથી, મારી આંખોને આંસુથી, અને મારા પગોને લથડવાથી બચાવ્યાં. 9 હું જીવલોકમાં યહોવાની સમક્ષ ચાલીશ. 10 મને વિશ્વાસ છે માટે હું આમ બોલું છું. હું ઘણો દુ:ખી થઈ ગયો હતો; 11 મારાં ગભરાટમાં મેં કહી દીધું, “સર્વ માણસો જૂઠાં છે.” 12 હું યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું? 13 હું તારણનો પ્યાલો લઈને યહોવાના નામને વિનંતી કરીશ. 14 યહોવાની આગળ મેં જે માનતા લીધી છે તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂરી કરીશ. 15 યહોવાની દષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે. 16 હે યહોવા, ખરેખર, હું તમારો દાસ છું; તમારો જ દાસ, તમારી દાસીનો દીકરો છું; તમે મારાં બંધન છોડ્યાં છે. 17 હું તમારી આગળ સ્તુત્યર્પણો ચઢાવીશ, હું યહોવાના નામને વિનંતી કરીશ. 18 યહોવાની આગળ મેં જે માનતાઓ [લીધી છે તે] હું તેમના સર્વ લોકોની સમક્ષ પાળીશ. 19 હે યરુશાલેમ, તારામાં, યહોવાના મંદિરનાં આંગણામાં [હું માનતાઓ ચઢાવીશ]. યહોવાની સ્તુતિ કરો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India