ગીતશાસ્ત્ર 115 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)એકમાત્ર ખરા ઈશ્વર 1 હે યહોવા, અમોને નહિ, અમોને નહિ, પણ તમારી કૃપા તથા તમારી સત્યતાને લીધે તમારા નામનો મહિમા થાય, એમ કરો. 2 વિદેશીઓ એમ કેમ કહે છે, “તેઓનો ઈશ્વર ક્યાં છે?” 3 પણ અમારો ઈશ્વર તો આકાશમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું છે. 4 તેઓની મૂર્તિઓ તો સોનારૂપાની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે. 5 તેઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોતી નથી; 6 તેઓને કાન છે, પણ સાંભળતી નથી; નાક છે, પણ સૂંઘતી નથી; 7 તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; તેઓને પગ છે, પણ તેઓ ચાલતી નથી; વળી તેઓ પોતાના ગળમાંથી અવાજ કાઢતી નથી. 8 તેઓનાં બનાવનારાં અને તેઓના પર ભરોસો રાખનારાં સર્વ તેઓના જેવાં થશે. 9 હે ઇઝરાયલ, તું તો યહોવા પર ભરોસો રાખજે; તેઓના તે સહાયકારી તથા ઢાલ છે. 10 હે હારુનપુત્રો, તમે યહોવા પર ભરોસો રાખો; તેઓના તે સહાયકારી તથા ઢાલ છે, 11 યહોવાના ભક્તો, તમે યહોવા પર ભરોસો રાખો; તેઓના તે સહાયકારી તથા ઢાલ છે. 12 યહોવાએ આપણને સંભાર્યાં છે; તે આપણને આશીર્વાદ આપશે; ઇઝરાયલપુત્રોને તે આશીર્વાદ આપશે; હારુનપુત્રોને તે આશીર્વાદ આપશે. 13 હે યહોવાના ભક્તો, નાનાં મોટાં સર્વને તે આશીર્વાદ આપશે. 14 યહોવા તમારી તેમ જ તમારાં છોકરાંની વૃદ્ધિ કર્યા કરશે. 15 તમે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા યહોવાના આશીર્વાદ પામ્યા [છો]. 16 આકાશો તે યહોવાનાં આકાશો છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે. 17 મૂએલાં તથા જેઓ કબરમાં ઊતરનારાં તેઓમાંનું કોઈ યહોવાની સ્તુતિ કરતું નથી. 18 પણ અમે આજથી તે સર્વકાળ માટે યહોવાની સ્તુતિ કરીશું. યહોવાની સ્તુતિ કરો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India