ગીતશાસ્ત્ર 109 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સંકટ સમયની પ્રાર્થના મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત 1 હે મારા સ્તુતિના ઈશ્વર, તમે મૂંગા ન રહો. 2 કેમ કે દુષ્ટો તથા કપટીઓનાં મુખ મારી વિરુદ્ધ ઊઘડ્યાં છે. તેઓ મારી સામે પોતાની જીભે જૂઠું બોલ્યા છે. 3 વળી તેઓએ દ્વેષના શબ્દો વડે મને ઘેરી લીધો છે, અને મારી સાથે વિનાકારણ લડાઈ કરી છે. 4 મારા પ્રેમમાં બદલામાં તેઓ મારા શત્રુ થયા છે. પણ હું તો પ્રાર્થના જ [કર્યા કરું છું.] 5 વળી તેઓએ ઉપકારને બદલે અપકાર, અને મારા પ્રેમને બદલે દ્વેષ કર્યો છે. 6 તેના ઉપર તમે કોઈ દુષ્ટને નીમો; અને તેને જમણે હાથે [કોઈ] સામાવાળિયાને ઊભો રાખો. 7 તેઓ ન્યાય ચૂકવતાં તે અપરાધી ઠરો; અને તેની પ્રાર્થના પાપરૂપ ગણાઓ. 8 તેના દિવસો થોડા થાઓ. અને તેનો હોદ્દો બીજો લઈ લો. 9 તેનાં છોકરાં અનાથ, અને તેની પત્ની વિધવા, થાઓ. 10 તેનાં છોકરાં રખડી રખડીને ભીખ માગો; તેઓ પોતાનાં ઉજ્જડ થયેલાં ઘરોને છોડીને રોટલી માગી ખાઓ. 11 તેનો લેણદાર જોરજુલમથી તેનું બધું લઈ જાઓ, અને તેની મહેનતનું ફળ પરાયા લૂંટી લો. 12 તેના પર કૃપા રાખનાર ન રહો; અને તેનાં અનાથ છોકરાં પર કોઈ દયા રાખનાર ન હો. 13 તેના વંશનો ઉચ્છેદ થાઓ, આવતી પેઢીમાં તેઓનું નામ ભૂંસાઈ જાઓ. 14 તેના પિતૃઓની ભૂંડાઈ યહોવાને યાદ રહો, અને તેની માનું પાપ ભૂંસાઈ ન જાઓ. 15 તેઓ નિત્ય યહોવાની નજરમાં રહો, જેથી તેઓનું નામનિશાન પૃથ્વી પરથી ઉખેડી નાખવામાં આવે. 16 કેમ કે તેણે દયા કરવાનું ભાન રાખ્યું નહિ, પણ ગરીબ તથા દરિદ્રી માણસને અને આશાભંગ મનુષ્યને મારી નાખવા માટે તેણે તેઓની સતાવણી કરી. 17 હા, શાપ દેવામાં તે રાજી થતો, માટે એ શાપ તેને લાગો; આશીર્વાદ આપવામાં તે ખુશી ન હતો. તેથી આશીર્વાદ તેનાથી દૂર થાઓ. 18 તેણે વસ્ત્રની જેમ પોતાને અંગે શાપ ધારણ કર્યો હતો. તે પાણીની માફક તેના અંત:કરણમાં, અને તેલની જેમ તેનાં હાડકાંમાં પેસતો હતો. 19 પહેરવાનાં લૂગડાંની જેમ તે તેને ઢાંકનાર થાઓ, અને કમરબંધની જેમ તે નિત્ય તેને વીંટળાયેલો રહો. 20 જેઓ મારા શત્રુ છે, અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે, તેઓને યહોવા તરફથી આવો બદલો મળો. 21 પણ, હે યહોવા, મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારે માટે [ઉપાય] કરો; તમારી કૃપા ઉત્તમ છે, માટે મારો છૂટકો કરો. 22 કેમ કે હું ગરીબ તથા દરિદ્રી છું, મારું હ્રદય વીંધાઈ ગયેલું છે. 23 હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું, મને તીડની જેમ આમતેમ ફેંકવામાં આવે છે. 24 મારાં ઘૂંટણ લાંઘણથી લથડિયાં ખાય છે. અને મારું માંસ પુષ્ટિ વિના ઘટી ગયું છે. 25 હું તેઓને મહેણારૂપ થઈ ગયો છું, તેઓ મને તાકીને જોઈને માથાં હલાવે છે. 26 હે યહોવા મારા ઈશ્વર, મને મદદ કરો, તમારી કૃપા પ્રમાણે મારું તારણ કરો. 27 જેથી, હે યહોવા, તે તમે જ આ તમારે હાથે કર્યું છે એમ તેઓ જાણે. 28 તેઓ શાપ આપે, પણ તમે આશીર્વાદ આપો; તેઓ [સામા] ઊઠે ત્યારે તેઓ ફજેત થઈ જશે, પણ તમારો સેવક હર્ષ કરશે. 29 મારા શત્રુઓ વસ્ત્રની જેમ લાજથી છવાઈ જાઓ, અને ડગલાની જેમ તેઓ પોતાની શરમથી ઢંકાઈ જાઓ. 30 હું મારે મુખે યહોવાનો બહુ જ આભાર માનીશ; હા, ઘણા લોકોમાં હું તેમની સ્તુતિ ગાઈશ. 31 કેમ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી તારણ આપવાને માટે [યહોવા] તેને જમણે હાથે ઊભા રહેશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India