ગીતશાસ્ત્ર 107 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ભાગ પાંચમો ( ગી.શા. ૧૦૭—૧૫૦ ) પ્રભુની ભલાઈ 1 “યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સદાકાળ [ટકે છે].” 2 એ પ્રમાણે યહોવાના છોડાવેલાઓએ બોલવું, એટલે જેઓને તેમણે શત્રુના હાથમાંથી છોડાવ્યા; 3 અને દેશેદેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી, તેઓને એકત્ર કર્યા. 4 અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા; તેઓને વસવાનું શહેર મળ્યું નહિ. 5 ભૂખ્યા તથા તરસ્યા થવાથી તેઓના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા. 6 પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર્યા, એટલે તેમણે તેઓને દુ:ખમાંથી છોડાવ્યા. 7 તેમણે તેઓને સીધે માર્ગે દોર્યા કે, તેઓ વસવાલાયક નગરે પહોંચે. 8 આ તેમની કૃપા તથા માણસજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે [તો કેવું સારું] ! 9 કેમ કે તરસ્યા જીવને તે સંતોષ પમાડે છે, અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે. 10 ઈશ્વરનાં વચનોની સામા થઈને અને પરાત્પરના પ્રબોધને તુચ્છ ગણીને, 11 જેઓ અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા અને આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા, 12 તેઓનાં હ્રદય તેમણે કષ્ટથી નરમ કરી નાખ્યાં; તેઓ લથડી પડ્યા, અને તેમને સહાય કરનાર કોઈ ન હતો. 13 ત્યારે તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર્યા, એટલે તેમણે તેઓને દુ:ખમાંથી તાર્યા. 14 તે તેઓને અંધકારમાંથી તથા મરણછાયામાંથી કાઢી લાવ્યા, અને તેઓનાં બંધન તોડી નાખ્યાં 15 આ તેમની કૃપા તથા માણસજાત માટેનાં તેમના આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે [તો કેવું સારું] ! 16 વળી તેમણે પિત્તળના દરવાજા ભાંગ્યા, અને લોઢાની ભૂંગળો તોડી નાખી. 17 મૂર્ખો પોતાના પાપથી તથા પોતાની ભૂંડાઈથી સંકટમાં આવી પડે છે. 18 તેઓના જીવ સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે; અને તેઓ મરણના દ્વાર સુધી આવી પહોંચે છે. 19 ત્યારે તેઓ પોતાના સંકટમાં યહોવાને પોકારે છે, અને તે તેઓને દુ:ખમાંથી તારે છે. 20 તે પોતાનું વચન મોકલીને તેઓને સમા કરે છે, અને દુર્દશામાંથી તેમને ઉગારે છે. 21 આ તેમની કૃપા તથા માણસજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે [તો કેવું સારું] ! 22 વળી તેઓ સ્તુત્યાર્પણ ચઢાવે, અને તેમનાં કામ ગાયનથી વર્ણવે. 23 જેઓ વહાણમાં બેસીને સમુદ્રે ઊતરે છે, અને ભરદરિયામાં ધંધો ચલાવે છે; 24 તેઓ યહોવાનાં કૃત્યો તથા ઊંડાણમાંના તેમનાં આશ્ચર્ય [કારક કાર્યો] જુએ છે. 25 તે આજ્ઞા આપીને વાયુને ચઢાવે છે, જેથી તેમનાં મોજાં ઊછળતાં થઈ જાય છે. 26 તેઓ આકાશ સુધી ચઢે છે, ને પાછાં ઊંડાણોમાં ઊતરે છે; તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે. 27 તેઓ આમતેમ ડોલતાં પીધેલાની જેમ લથડે છે, અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે. 28 ત્યારે તેઓ પોતાના સંકટમાં યહોવાને પોકારે છે, અને તે તેઓને દુ:ખમાંથી કાઢે છે. 29 તે તોફાન બંધ પાડે છે, જેથી મોજાં શાંત થાય છે. 30 ત્યારે શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે; અને તે તેઓને ઇચ્છેલે બંદરે પહોંચાડે છે. 31 આ ઈશ્વરની કૃપા તથા માણસજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે [તો કેવું સારું] ! 32 લોકો પોતાની સભામાં ઈશ્વરને મોટા માનો, અને વડીલોના મંડળમાં તેમની સ્તુતિ કરો. 33 તે નદીઓને સ્થાને રાન, પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ, 34 અને ત્યાંના રહેવાસીઓના પાપને લીધે ફળદ્રુપ દેશને સ્થાને ખારવાળી જમીન કરી નાખે છે. 35 વળી તે રાનને સ્થાને સરોવર, અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે. 36 તેમાં તે ભૂખ્યાંને વસાવે છે. જેથી તેઓ પોતાને રહેવાને માટે નગર બાંધે છે. 37 તેઓ ખેતરમાં વાવેતર કરે છે. અને દ્રાક્ષાવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ પેદા કરે છે. 38 તે તેઓને આશીર્વાદ આપે છે, અને તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે; વળી તે તેઓનાં ઢોરઢાંકને ઘટી જવા દેતા નથી. 39 તેઓને જુલમથી, વિપત્તિથી તથા શોકથી પાછા ઘટાડવામાં આવે છે, અને નીચા પાડવામાં આવે છે. 40 તે અમીર ઉમરાવો ઉપર અપમાન લાવે છે, અને માર્ગ વગરના અરણ્યમાં તેઓને રખડાવે છે. 41 તોયે તે કંગાલોને સંકટમાંથી કાઢીને ચઢતીમાં લાવે છે, અને તેનાં કુટુંબોને ટોળાની માફક વધારી દે છે. 42 ન્યાયીઓ તે જોઈને આનંદ પામશે, અને સર્વ અન્યાયીઓનાં મોઢાં બંધ થશે. 43 જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે, અને યહોવાની કૃપા વિષે વિચાર કરશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India