Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 106 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઇઝરાયલ પ્રત્યે ઈશ્વરની ભલાઈ

1 યહોવાની સ્તુતિ કરો. યહોવાનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સદાકાળ [ટકે છે].

2 યહોવાનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?

3 ન્યાય પાળનારાઓને, તથા પવિત્રતાને ધોરણે નિત્ય ચાલનારને, ધન્ય છે.

4 હે યહોવા, જે મહેરબાની તમે તમારા લોકો પર રાખો છો, તે મહેરબાનીથી તમે મને સંભારો; તમારું તારણ આપીને મારી મુલાકાત લો;

5 જેથી હું તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ જોઉં, તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું, ને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું.

6 અમારા પિતૃઓએ તેમ અમે પણ પાપ કર્યું છે, અમે અન્યાય કર્યો છે. અમે દુષ્ટતા કરી છે.

7 મિસરમાંના તમારા ચમત્કારો અમારા પિતૃઓ સમજ્યા નહિ; તેઓએ તમારી અપાર કૃપા સંભારી નહિ; પણ સમુદ્ર પાસે એટલે લાલ સમુદ્ર પાસે, તેઓએ તમને ચીડવ્યા.

8 તોપણ તેમણે પોતાના નામની ખાતર અને પોતાનું પરાક્રમ બતાવવાને માટે, તેમને તાર્યા;

9 લાલ સમુદ્રને પણ તેમણે ધમકાવ્યો, એટલે તે સુકાઈ ગયો; એ પ્રમાણે તેમણે જાણે મેદાનમાં હોય તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોરી લીધા.

10 તેમણે તેઓના વૈરીઓના હાથમાંથી તેઓને તાર્યા, દુશ્મનના હાથમાંથી તેઓને છોડાવ્યા.

11 તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું; તેમાંનો એકે બચ્યો નહિ.

12 ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો; તેઓએ તેમનાં સ્તોત્ર ગાયાં.

13 પણ તેઓ જલદી તેમનાં કૃત્યો વીસરી ગયા; તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ.

14 પણ અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી, અને રાનમાં ઈશ્વરની પરીક્ષા કરી.

15 તેમણે તેઓની માગણી પ્રમાણે તેમને આપ્યું; પણ તેઓને આત્મિક નુકસાન થયું.

16 તેઓએ છાવણીમાં મૂસાની તથા યહોવાના ભક્ત હારુનની પણ, અદેખાઈ કરી.

17 ભૂમિ ફાટીને દાથાનને ગળી ગઈ, અને અબિરામના મંડળને ઢાંકી દીધું.

18 તેઓના મંડળમાં અગ્નિ સળગી ઊઠ્યો! તેના ભડકાએ દુષ્ટોને બાળી નાખ્યા.

19 તેઓએ હોરેબ આગળ વાછરડો બનાવ્યો, અને ઢાળેલી મૂર્તિની પૂજા કરી.

20 આ પ્રમાણે તેઓએ ઘાસ ખાનાર ગોધાની પ્રતિમા પસંદ કરીને પોતાનો મહિમા બદલી નાખ્યો.

21 જે યહોવાએ મિસરમાં મહામોટાં કૃત્યો, તથા હામના દેશમાં આશ્ચર્યકારક કાર્યો,

22 અને લાલ સમુદ્ર પાસે ભયંકર કામો કર્યાં હતાં, તેમને, પોતાના તારનાર ઈશ્વરને, તેઓ વીસરી ગયા.

23 માટે તેમણે તેઓનો સંહાર કરવાને કહ્યું; પણ તેઓનો સંહાર કરવાને થયેલા આ કોપને શમાવવાને તેમનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો, અને પ્રભુની સમક્ષ આવીને ઊભો રહ્યો.

24 તેઓએ તે મનોહર દેશને તુચ્છ ગણ્યો, તેઓએ તેની વાતનો વિશ્વાસ કર્યો નહિ;

25 તેઓએ પોતાના ડેરાઓમાં કચકચ કરીને યહોવાની વાણી સાંભળી નહિ.

26 માટે અરણ્યમાં તેઓનો નાશ કરવાને, તથા વિદેશીઓમાં તેઓનાં સંતાનને વેરણ-ખેરણ કરવાને,

27 અને દેશપરદેશમાં તેઓને વિખેરી નાખવાને, તેઓની વિરુદ્ધ તેમણે પોતાનો હાથ ઊંચો કર્યો,

28 પેઓરના બઆલ [ની પૂજા] માં તેઓ સામેલ થયા; અને મૂએલાંનાં‍ શ્રાદ્ધ ખાધાં.

29 એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી યહોવાને ચીડવ્યા; અને તેઓમાં મરકી ફાટી નીકળી.

30 જ્યારે ફીનહાસે ઊભા થઈને [એમને] શિક્ષા કરી, ત્યારે મરકી બંધ પડી.

31 આ તેનું કામ તેના લાભમાં પેઢી દરપેઢી ને સર્વકાળ માટે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યું.

32 મરીબાના પાણીના સંબંધમાં પણ તેઓએ ઈશ્વરને ખીજવ્યા, કેમ કે તેઓએ તેમના આત્માની વિરુદ્ધ બંડ ઉઠાવ્યું;

33 જેથી તેઓને ખાતર મૂસાએ પણ ભૂલ કરી, અને તે પોતાને મુખે અવિચારથી બોલ્યો.

34 જે લોકોનો નાશ કરવાની યહોવાએ આજ્ઞા આપી હતી, તેમનો તેઓએ નાશ કર્યો નહિ;

35 પણ વિદેશીઓની સાથે તેઓ ભળી ગયા, અને તેઓનાં કામ શીખ્યા.

36 તેઓએ તેમની મૂર્તિઓની સેવા કરી; અને તે તેઓને પાશરૂપ થઈ પડી.

37 વળી તેઓએ પોતાનાં દીકરા- દીકરીઓનું અશુદ્ધ આત્માઓને બલિદાન આપ્યું,

38 તેઓએ નિરપરાધી રક્ત, એટલે પોતાનાં દીકરાદીકરીઓનું રક્ત, વહેવડાવ્યું; તેઓએ એમને કનાનની મૂર્તિઓને ચઢાવ્યાં; અને રક્તથી દેશને અશુદ્ધ કર્યો.

39 આ પ્રમાણે તેઓ પોતાનાં કૃત્યોથી ભ્રષ્ટ થઈ ગયા, અને પોતાની કરણીઓથી વ્યભિચારી થયા.

40 તે માટે પોતાના લોકો સામે યહોવાનો કોપ સળગી ઊઠ્યો. અને પોતાના વારસામાંથી તે કંટાળી ગયા.

41 તેમણે તેઓને વિદેશીઓના હાથમાં સોંપ્યાં; તેમના વૈરીઓએ તેમના ઉપર રાજ કર્યું,

42 તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા, અને તેઓના હાથ નીચે પડીને તેઓ તાબેદાર થયા.

43 તેમણે ઘણી વાર તેઓનો બચાવ કર્યો, પણ તેઓ પોતાની મરજી પ્રમાણે ચાલીને તેમની સામા થયા, અને પોતાના અન્યાયને લીધે તેઓ પાયમાલ થઈ ગયા.

44 તોપણ તેઓનો વિલાપ સાંભળીને તેમણે તેમનું સંકટ લક્ષમાં લીધું,

45 તેઓને માટે તેમણે પોતાનો કરાર યાદ કર્યો, અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો.

46 વળી તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે તેમના પર કરુણા કરાવી.

47 હે યહોવા અમારા, ઈશ્વર, અમને તારો, અને તમારા પવિત્ર નામનો આભાર માનવાને તથા તમારી સ્તુતિ કરીને જય જયકાર કરવાને વિદેશીઓમાંથી અમને વીણીને એકત્ર કરો.

48 ઇઝરાયલના ઈશ્વર યહોવા અનાદિકાળથી અનંતકાળ સ્તુત્ય મનાઓ. અને સર્વ લોકો આમીન કહો. તમે યહોવાની સ્તુતિ કરો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan