Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 105 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈશ્વર અને તેમના લોકો

1 યહોવાનો આભાર માનો તેમના નામને વિનંતી કરો; લોકોમાં તેમનાં કૃત્યો પ્રસિદ્ધ કરો.

2 તેમની આગળ ગાઓ. તેમનાં સ્તોત્ર ગાઓ; તેમનાં સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો

3 તેમના પવિત્ર નામનું તમે અભિમાન કરો; યહોવાને શોધનારનાં હ્રદયો આનંદ પામો.

4 યહોવાને તથા તેમના સામર્થ્યને શોધો, સદા તેમના મુખને શોધો.

5 તેમણે જે આશ્વર્યકારક કામો કર્યાં છે તે યાદ રાખો; તેમના ચમત્કારો તથા તેમના મુખનાં ન્યાયવચનો [યાદ રાખો].

6 તેમના સેવક ઇબ્રાહિમનાં સંતાન, યાકૂબના પુત્રો, તેમના પસંદ કરેલા [તેમને તમે યાદ રાખો].

7 તે આપણા ઈશ્વર યહોવા છે; આખી પૃથ્વીમાં તેમનાં ન્યાયના કૃત્યો [પ્રસિદ્ધ] છે.

8 હજારો પેઢીઓને આપેલું પોતાનું વચન, એટલે પોતાનો કરેલો કરાર, તેમણે સદાકાળ યાદ રાખ્યો છે;

9 એટલે જે [કરાર] તેમણે ઇબ્રાહિમ સાથે કર્યો હતો, અને ઇસહાક પ્રત્યે પ્રતિજ્ઞા [કરી હતી] ;

10 અને નિયમ તરીકે એ જ વાત યાકૂબને માટે [તેમણે] સ્થાપન કરી, જેથી તે ઇઝરાયલને માટે સદાકાળનો કરાર થાય.

11 તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તને આપીશ, તે તારો ઠરાવેલો વારસો [થશે].”

12 તે વખતે તેઓ સંખ્યામાં થોડાં હતાં; છેક થોડાં, અને વળી તેમાં તેઓ મુસાફર હતાં!

13 તેઓ એક દેશથી બીજે દેશ, અને એક રાજયમાંથી બીજા રાજયમાં ફરતાં.

14 તેમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેમને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી!

15 [તે એમ કહેતા,] “માર અભિષિક્તોને છેડશો નહિ, મારા પ્રબોધકોને ઉપદ્રવ ન કરો.”

16 વળી તેમણે દુકાળને તે દેશમાં આવવાને ફરમાવ્યું; અને રોટલીનો આધાર તદ્દન તોડી નાખ્યો.

17 વળી તેમણે તેઓની આગળ યૂસફ [કે જે] ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો.

18 તેમના વચનનો સમય આવી પહોંચ્યો ત્યાં સુધી તેઓએ તેના પગોમાં બેડીઓ નાખી.

19 તે લોઢા [ની સાંકળો] માં રહ્યો; યહોવાના વચનથી તેની કસોટી કરવામાં આવી.

20 રાજાઓએ [માણસોને] મોકલીને તેને છોડાવ્યો; લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો.

21 તેણે તેને પોતાના મહેલનો કારભારી, અને પોતાની સર્વ મિલકતનો વહીવટદાર ઠરાવ્યો; કે

22 તે પોતાની મરજી પ્રમાણે રાજયના અમીરોને કબજે રાખે, અને તેના મંત્રીઓને સમજણ આપે.

23 વળી ઇઝરાયલ મિસરમાં આવ્યો; હામના દેશમાં યાકૂબે મુકામ કર્યો.

24 તેમણે પોતાના લોકોને ઘણા આબાદ કર્યા, અને તેમના દુશ્મનો કરતાં તેઓને બળવાન કર્યા.

25 તેમણે પોતાના લોકો પર દ્વેષ રાખવાને તથા પોતાના સેવકોની સાથે કપટથી વર્તવાને તેઓની બુદ્ધિ ફેરવી નાખી.

26 તેમણે પોતાના સેવક મૂસાને, તથા પોતાના પસંદ કરેલા હારુનને મોકલ્યા.

27 તેઓએ તે લોકોમાં તેમનાં ચિહ્નનો બતાવ્યાં, વળી હામના દેશમાં ચમત્કારો [પ્રગટ કર્યા].

28 તેમણે અંધકાર મોકલ્યો એટલે અંધારું થયું; તેઓ તેમની વાતની સામા થયા નહિ.

29 તેમણે તેઓનું પાણી લોહી કરી નાખ્યું, અને તેઓનાં માછલાં મારી નાખ્યાં.

30 તેઓની જમીનમાં પુષ્કળ દેડકાં પેદા થયાં, હા, તેઓ છેક રાજમહેલના ઓરડા સુધી [ભરાયાં].

31 તે બોલ્યાં, એટલે ડાંસ તથા જૂઓ તેઓની સર્વ સીમોમાં ભરાયાં.

32 તેમણે વરસાદને સ્થાને કરા મોકલ્યા, તેઓના દેશમાં ભડભડતો અગ્નિ [સળગાવ્યો].

33 તેઓના દ્રાક્ષાવેલાઓ તથા અંજીરીઓ પણ તેમણે ભાંગી નાખ્યાં; અને તેઓની સીમોનાં વૃક્ષો તોડી પાડ્યાં.

34 તે બોલ્યાં, એટલે અગણિત તીડો તથા ઈયળો આવ્યાં;

35 તેઓ તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં, અને જમીનમાં સર્વ ફળ ભક્ષ કરી ગયાં.

36 તેઓના દેશમાંના સર્વ પ્રથમ જન્મેલાને, એટલે તેઓના મુખ્ય બળવાનોને, ઈશ્વરે મારી નાખ્યા,

37 તે તેઓને સોનારૂપા સહિત કાઢી લાવ્યા; અને તેઓનાં કુળોમાં કોઈ પણ નિર્બળ ન હતું.

38 તેઓ ગયા ત્યારે મિસરના લોક આનંદ પામ્યા. કેમ કે તેમને લીધે તેઓ ત્રાસ પામ્યા હતા.

39 તેમણે આચ્છાદનને માટે વાદળું પસાર્યું; વળી રાત્રે અજવાળું આપવા માટે અગ્નિ [મોકલ્યો].

40 તેઓએ માગ્યું ત્યારે ઈશ્વર લાવરીઓ લાવ્યા, આકાશમાંની રોટલીથી તેઓને તૃપ્ત કર્યા.

41 તેમણે ખડક તોડ્યો, એટલે પાણી નીકળી આવ્યું; તે નદી થઈને સૂકા પ્રદેશમાં વહેવા લાગ્યું,

42 તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા પોતાના પવિત્ર વચનનું સ્મરણ કર્યું.

43 પોતાના લોકોને આનંદ સહિત, તથા પોતાના પસંદ કરેલાઓને ઊલટભેર, તે કાઢી લાવ્યા.

44 વળી તેમણે તેઓને વિદેશીઓના દેશ આપ્યા; અને તે લોકોએ કરેલા શ્રમનાં ફળનો વારસો તેમને મળ્યો;

45 જેથી તેઓ ઈશ્વરના વિધિઓ માને, અને તેમના નિયમ પાળે. તમે યહોવાની સ્તુતિ કરો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan