Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 104 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


સર્જનહારની સ્તુતિ

1 હે મારા આત્મા, યહોવાને સ્તુત્ય માન. હે યહોવા મારા ઈશ્વર, તમે અતિ મોટા છો; તમે વૈભવ તથા ગૌરવ ધારણ કરેલાં છે.

2 તમે વસ્‍ત્રની જેમ અજવાળું પહેરેલું છે; અને પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો.

3 પાણી પર તે પોતાના ઓરડાના મોભ મૂકે છે; વાદળાંને તે પોતાનો રથ બનાવે છે; વાયુની પાંખો પર તે ચાલે છે.

4 વાયુઓને તે પોતાના દૂત બનાવે છે; અને અગ્નિના ભડકા તેમના સેવકો છે.

5 કદી ખસે નહિ એવો પૃથ્વીનો પાયો તેમણે નાખ્યો છે.

6 તમે વસ્‍ત્રની જેમ જળનિધિથી તેને ઢાંકો છો; પર્વતો પર પાણી ચઢી ગયાં;

7 પણ તમારી ધમકીથી તેઓ નાસી ગયાં; તમારી ગર્જનાથી તેઓ જતાં રહ્યાં.

8 (પહાડો ચઢી ગયા અને ખીણો ઊતરી ગઈ;) જે સ્થળ તમે તે [પાણી] ને માટે મુકરર કર્યું હતું ત્યાં તેઓ ગયાં.

9 તેઓ ફરી પૃથ્વીને ઢાંકે નહિ તે માટે તમે તેઓની હદ બાંધી છે કે જેને તેઓ ઓળંગે નહિ.

10 તે ખીણોમાં ઝરા ફોડે છે; તેઓ ડુંગરોની વચ્ચે વહે છે;

11 તેથી સર્વ જંગલી પશુઓને પીવાનું મળે છે, અને રાની ગધેડાં પણ પોતાની તરસ મટાડે છે.

12 તેઓની પાસે આકાશનાં પક્ષીઓ આવીને માળા બાંધે છે, તેઓ ડાળીઓ પરથી સુસ્વર કાઢે છે.

13 તે પોતાના ઓરડામાંથી ડુંગરો પર પાણી સિંચે છે, તમારાં કૃત્યોનાં ફળથી પૃથ્વી ધરાઈ જાય છે.

14 ઢોરને માટે તે ઘાસ તથા માણસના ખપને માટે શાકભાજી ઉપજાવે છે; એમ ભૂમિમાંથી તે અન્‍ન નિપજાવે છે.

15 વળી માણસના હ્રદયને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મુખને તેજસ્વી કરનાર તેલ, અને તેના અંત:કરણને બળ આપનાર રોટલી [તે નિપજાવે છે].

16 યહોવાનાં ઝાડ, એટલે લબાનોનનાં દેવદારો જે તેમણે રોપ્યાં હતાં, તેઓ ધરાયેલાં છે.

17 ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે; વળી, દેવદાર ઝાડ તે બગલાનું રહેઠાણ છે.

18 ઊંચા પર્વતો રાની બકરાઓનો અને ખડકો સસલાંનો આશરો છે.

19 ઋતુઓને માટે તેમણે ચંદ્ર ઠરાવ્યો; સૂર્ય પોતાનો અસ્તકાળ જાણે છે.

20 તમે અંધારું કરો છો એટલે રાત થાય છે, ત્યારે વનનાં સર્વ પશુઓ બહાર નીકળે છે.

21 સિંહનાં બચ્ચાં શિકાર મેળવવાને ગર્જે છે, તેઓ ઈશ્વર પાસે પોતાનો ખોરાક માગે છે.

22 સૂર્ય ઊગે કે તરત તેઓ જતાં રહે છે, અને પોતાનાં કોતરોમાં સૂઈ જાય છે.

23 માણસ પોતાનો ધંધો કરવા બહાર નીકળે છે, અને સાંજ સુધી પોતાનો ઉદ્યોગ ચલાવે છે.

24 હે યહોવા, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તમે તે સર્વને ડહાપણથી પેદા કર્યાં છે; પૃથ્વી તમારી સંપત્તિથી ભરપૂર છે.

25 જુઓ, આ મોટો તથા વિશાળ સમુદ્ર! તેમાં અગણિત જીવજંતુઓ તથા નાનાંમોટાં જાનવરો છે,

26 તેમાં વહાણો આવજા કરે છે; વળી જે મગરમચ્છ તેમાં રમવા માટે તમે પેદા કર્યું છે તે તેમાં રહે છે.

27 યોગ્ય સમયે તમે તેઓને ખોરાક આપો; તેથી આ સર્વ તમારી રાહ જુએ છે.

28 જે તમે તેઓને આપો છો તે તેઓ વીણે છે; તમે તમારો હાથ ખોલો છો ત્યારે તેઓ [તમારા] ઉપકારથી તૃપ્ત થાય છે.

29 તમે તમારું મુખ સંતાડો છો ત્યારે તેઓ ગભરાઈ જાય છે; તેઓનો પ્રાણ તમે લઈ લો છો, એટલે તેઓ મરે છે, અને પાછાં ધૂળમાં મળી જાય છે.

30 તમે તમારો આત્મા મોકલો છો એટલે તેઓ ઉત્પન્‍ન થાય છે; અને દુનિયાને તમે તાજી કરો છો.

31 યહોવાનું ગૌરવ સર્વકાળ રહો; પોતાનાં સર્વ કામોથી યહોવા આનંદ પામો.

32 તે પૃથ્વી પર દષ્ટિ કરે છે ત્યારે તે કંપે છે; તે પર્વતોને સ્પર્શ કરે છે. એટલે તેઓમાંથી ધુમાડો નીકળે છે.

33 હું મરણપર્યંત યહોવાના ગુણ ગાઈશ; હું હયાતીમાં છું ત્યાં સુધી મારા ઈશ્વરની સ્તુતિ કરીશ.

34 [તે વિષેના] મારા વિચાર તેમને પસંદ પડો; હું યહોવામાં આનંદ પામીશ.

35 પૃથ્વીમાંથી પાપીઓનો નાશ થાઓ, અને દુષ્ટોનો અંત આવો. હે મારા આત્મા, યહોવાને સ્તુત્ય માન. તમે યહોવાની સ્તુતિ કરો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan