ગીતશાસ્ત્ર 102 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સંકટમાં યુવાનની પ્રાર્થના દુ:ખીની પ્રાર્થના; આકુળવ્યાકુળ થઈને તે યહોવાની સમક્ષ શોકનો સાદ કાઢે છે. 1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, અને મારા પોકારને તમારી પાસે આવવા દો. 2 મારા સંકટને દિવસે તમારું મુખ મારાથી ન ફેરવો; મારા તરફ કાન ધરો; હું વિનંતી કરું તે દિવસે તમે મને વહેલો ઉત્તર આપો. 3 કેમ કે મારા દિવસો તો ધુમાડાની જેમ વીતી જાય છે, અને મારાં હાંડકાં ખોયણાની જેમ બળે છે. 4 મારું હ્રદય તો ઘાસના જેવું કપાએલું તથા ચીમળાયેલું છે, એટલે સુધી કે હું રોટલી ખાવાનું ભૂલી જાઉં છું. 5 મારા નિસાસાના કારણથી મારાં હાડકાંને મારી ચામડી વળગી ગઈ છે. 6 હું રાનના બગલા જેવો છું, અરણ્યના ઘુવડ જેવો હું થઈ ગયો છું. 7 હું જાગૃત રહું છું, હું અગાસી પર એકલી પડેલી ચકલી જેવો થઈ ગયો છું. 8 આખો દિવસ મારા શત્રુ મને મહેણાં મારે છે; તેઓ તપીને મારું નામ દઈને [બીજાને] શાપ આપે છે. 9 મેં રોટલીને બદલે રાખ ખાધી, મારાં આંસુઓ મારા પીવાના [પ્યાલા] માં પડ્યાં છે. 10 તે તમારા રોષ તથા કોપને કારણે છે; કેમ કે તમે મને ઊંચો કર્યા પછી પાછો નીચે ફેંકી દીધો છે. 11 મારા દિવસો નમતી છાયાના જેવા છે; અને ઘાસની જેમ હું ચીમળાઈ ગયો છું. 12 પણ, હે યહોવા, તમે સર્વકાળ ટકનાર છો; તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે. 13 તમે સિયોન પર દયા કરશો; તેના પર દયા કરવાનો વખત, એટલે ઠરાવેલો સમય, આવ્યો છે. 14 તમારા સેવકોને તેના પથ્થરો વહાલા છે, અને તેની ધૂળ પર તેઓને દયા આવે છે. 15 વિદેશીઓ યહોવાના નામથી, તથા પૃથ્વીના સર્વ રાજાઓ તમારા ગૌરવથી બીશે; 16 કેમ કે યહોવાએ સિયોનને બાંધ્યું છે, અને પોતાના ગૌરવથી તે પ્રગટ થયા છે; 17 તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે, અને તેઓની પ્રાર્થનાની અવગણના કરી નથી. 18 આ વાત તો આવનાર પેઢીને માટે લખવામાં આવશે; જે લોકો ઉત્પન્ન થનાર છે તેઓ યાહની સ્તુતિ કરશે. 19 કેમ કે તેમણે પોતાના ઉચ્ચ પવિત્રસ્થાનમાંથી જોયું છે; આકાશમાંથી યહોવાએ પૃથ્વીને નિહાળી; 20 જેથી તે બંદીવાનના નિસાસા સાંભળે, તથા મરણના સપાટામાં સપડાયેલાને છોડાવે; કે 21 સિયોનમાં યહોવાનું નામ, તથા યરુશાલેમમાં તેમની સ્તુતિ પ્રસિદ્ધ કરવામાં આવે. 22 તે વખતે યહોવાની સેવા કરવા માટે લોકો તેમ જ રાજ્યો પણ એકઠાં થશે. 23 તેમણે માર્ગમાં મારી શક્તિ ઘટાડી; અને મારા દિવસો ટૂંકા કર્યા. 24 મેં કહ્યું, “હે મારા ઈશ્વર, મારા દિવસો પૂરા થયા પહેલાં મને ન લઈ જાઓ; તમારાં વર્ષો તો અનાદ્યનંત છે!” 25 પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો છે; અને આકાશો તમારા હાથનું કામ છે. 26 તેઓ નાશ પામશે, પણ તમે ટકી રહેશો; વસ્ત્રની જેમ તેઓ સર્વ જીર્ણ થઈ જશે, લૂંગડાંની જેમ તમે તેઓને બદલશો; અને તેઓ બદલાઈ જશે; 27 પણ તમે તો એવા ને એવા જ રહો છો. અને તમારાં વર્ષોનો અંત આવશે નહિ. 28 તમારા સેવકોના પરિવાર ટકી રહેશે. તેઓનાં સંતાન તમારી સમક્ષ સ્થાપન કરવામાં આવશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India