ગીતશાસ્ત્ર 10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ન્યાય માટે પ્રાર્થના 1 હે યહોવા, તમે કેમ આઘા રહો છો? સંકટના સમયમાં તમે કેમ સંતાઈ જાઓ છો? 2 દુષ્ટો ગર્વિષ્ટ થઈને દીન પુરુષને બહુ સતાવે છે. પોતાની કલ્પેલી યુક્તિઓમાં તેઓ ફસાઈ પડે. 3 કેમ કે દુષ્ટ પોતાના અંત:કરણની ઇચ્છા [ની તૃપ્તિ થતાં] અભિમાન કરે છે, અને લોભી તો યહોવાને માનતો નથી, હા, તેમની નિંદા કરે છે. 4 દુષ્ટ પોતાના અહંકારી ચહેરાથી [બતાવે] છે કે, [ઈશ્વર] બદલો લેશે નહિ. તેના સર્વ વિચાર એવા છે કે, ઈશ્વર છે જ નહિ. 5 સર્વ સમયે તે ફતેહ પામે છે; તમારો ન્યાય એટલો બધો ઊંચો છે કે તે તેના સમજવામાં આવતો નથી. તે પોતાના સર્વ શત્રુઓનો તિરસ્કાર કરે છે. 6 તે પોતાના હ્રદયમાં વિચાર કરે છે કે, હું ડગનાર નથી; પેઢી દરપેઢી હું વિપત્તિમાં નહિ આવું. 7 શાપ, કપટ તથા જુલમથી તેનું મુખ ભરેલું છે. તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે. 8 તે ગામોની છૂપી જગાઓમાં બેસે છે; તે સંતાઈને નિર્દોષનો ઘાત કરે છે. તેની આંખો નિરાધારને છાની રીતે તાકી રહે છે. 9 સિંહ જેમ ગુફામાં છુપાઈ રહે છે તેમ તે ગુપ્ત જગામાં ભરાઈ રહે છે. તે ગરીબોને પકડવાને છુપાઈ રહે છે. તે દીનને પકડીને પોતાની જાળમાં ખેંચી લઈ જાય છે. 10 તે દબાઈ રહે છે, નીચો વળે છે, અને લાચાર તેના પંજામાં સપડાઈ જાય છે. 11 તે પોતાના હ્રદયમાં વિચાર કરે છે, “ઈશ્વર વીસરી ગયા છે.” તેમણે પોતાનું મુખ સંતાડી રાખ્યું છે; તેમણે તે જોયું નથી, અને તે કદી જોશે નહિ. 12 હે યહોવા, ઊઠો; હે ઈશ્વર, તમારો હાથ ઊંચો કરો; ગરીબોને વીસરી ન જાઓ. 13 દુષ્ટ શા માટે ઈશ્વરને નિંદે? તે શા માટે પોતાના હ્રદયમાં વિચાર કરે છે, “તમે બદલો નહિ માગો?” 14 તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ [કરનારા] તથા ઈર્ષા [ખોરો] ને નજરમાં રાખો છો; નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે; તમે અનાથના બેલી થયા છો. 15 દુષ્ટનો હાથ તમે ભાંગી નાખો. તમે ભૂંડા માણસની ભૂંડાઈને એટલે સુધી શોધી કાઢો કે કંઈ પણ બાકી રહે નહિ. 16 યહોવા સદાસર્વકાળ રાજા છે. તેમના દેશમાંથી વિદેશીઓ નાશ પામ્યા છે. 17 યહોવા, તમે નમ્રની અભિલાષા માન્ય કરી છે; તમે તેઓનાં હ્રદયોને તૈયાર કરશો, તમે કાન ધરશો; 18 એ માટે કે તમે અનાથ તથા દુ:ખીઓનો ન્યાય કરો, અને તેથી પૃથ્વીનું માણસ હવે પછી ત્રાસદાયક રહે નહિ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India