નીતિવચનો 9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)જ્ઞાન અને અજ્ઞાનની મિજલસ 1 જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે. તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢ્યા છે; 2 તેણે પોતાનાં પશુઓ કાપ્યાં છે, અને દ્રાક્ષારસ મિશ્ર કર્યો છે; તેણે પોતાની મેજ પર ભોજન તૈયાર રાખ્યું છે. 3 પોતાની દાસીઓને મોકલીને, નગરની સહુથી ઊંચી જગા પરથી તે હાંક મારે છે, 4 ‘જે કોઈ મૂર્ખ હોય, તે વળીને અહીં અંદર આવે!’ વળી જે બેવકૂફ હોય તેને તે કહે છે, 5 ‘આવો, મારી રોટલી ખાઓ, અને મારો મિશ્ર કરેલો દ્રાક્ષારસ પીઓ. 6 હે મૂર્ખો, [હઠ] છોડી દો, ને જીવો; અને બુદ્ધિને માર્ગે ચાલો.’ 7 તિરસ્કાર કરનારને ઠપકો આપનાર બદનામ થાય છે; અને દુષ્ટ માણસને ધમકાવનારને અપજશ મળે છે. 8 તિરસ્કાર કરનારને ઠપકો ન દે, રખેને તે તારો ધિક્કાર કરે; 9 જ્ઞાની પુરુષને [શિક્ષણ] આપ, એટલે તે વધારે જ્ઞાની થશે; ન્યાયી માણસને શીખવ, એટલે તેની સમજમાં વૃદ્ધિ થશે. 10 યહોવાનું ભય એ જ્ઞાનનો આરંભ છે; અને પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે. 11 કેમ કે મારા વડે તારા આયુષ્યની વૃદ્ધિ થશે, અને તારા આવરદાનાં વર્ષો વધશે. 12 જો તું જ્ઞાની હોય, તો તારે પોતાને માટે તું જ્ઞાની છે; અને જો તું તિરસ્કાર કરતો હોય, તો તારે એકલાને જ તે [નું ફળ] ભોગવવું પડશે. 13 મૂર્ખ સ્ત્રી કંકાસિયણ છે; તે સમજણ વગરની છે, અને છેક અજાણ છે. 14 તે પોતાના ઘરના બારણા આગળ, નગરની ઊંચી જગાઓ પર આસન વાળીને બેસે છે, 15 જેથી ત્યાં થઈને જનારાઓને, એટલે પોતાને સીધે માર્ગે ચાલનારાઓને તે [એમ કહીને] બોલાવે, 16 ‘જે કોઈ મૂર્ખ હોય, તે વળીને અહીં અંદર આવે!’ અને બુદ્ધિહીનને તે કહે છે, 17 ‘ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને સંતાઈને [ખાધેલી] રોટલી સ્વાદિષ્ટ હોય છે.’ 18 પણ તે જાણતો નથી કે તે મૂએલાની જગા છે; અને તેના મહેમાનો શેઓલનાં ઊંડાણોમાં ઊતરનારા છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India