નીતિવચનો 7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 મારા દીકરા, મારાં વચનો પાળ, અને મારી આજ્ઞાઓ તારી પાસે સંઘરી રાખ. 2 મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે; મારા શિક્ષણનું તારી આંખની કીકીની જેમ [જતન કર]. 3 તેઓને તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હ્રદયપટ પર લખી રખ. 4 જ્ઞાનને કહે, ‘તું મારી બહેન છે;’ અને બુદ્ધિને સગી બહેન કહીને બોલાવ; 5 જેથી તેઓ તને પરસ્ત્રીથી, પોતાના શબ્દો વડે ખુશામત કરનાર પરનારીથી બચાવે. પતિતાનો મોહપાશ 6 કેમ કે મેં મારા ઘરની બારી પાસે રહીને જાળીમાંથી સામી નજર નાખી; 7 અને મેં ભોળા જુવાનોને જોયા, તો તેમાં એક અક્કલહીન જુવાનિયો મારી નજરે પડ્યો. 8 તે તેના ઘર તરફ રસ્તામાં ચાલતો હતો, અને ચાલતો ચાલતો તેને ઘેર ગયો; 9 તે વખતે સાંજ પડી ગઈ હતી, રાતનું અંધારું ફેલાતું હતું. 10 ત્યારે, વેશ્યાનાં વસ્ત્રોમાં સજ્જ થયેલી, તથા કપટી મનની એક સ્ત્રી તેને મળી. 11 તે પટપટ બોલનારી તથા સ્વચ્છંદી છે; તેના પગ પોતાના ઘરમાં ટકતા નથી; 12 વખતે તે ગલીઓમાં હોય, અને વખતે ચોકમાંયે હોય છે, અને ખૂણે ખૂણે તાકીને જુએ છે. 13 હવે તેણે પેલાને પકડીને ચુંબન કર્યું, અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું, 14 ‘શાંત્યપર્ણો મારી પાસે [તૈયાર કરેલાં] છે; આજ મેં મારી માનતાઓ પૂરી કરી છે. 15 તેથી હું તને મળવાને માટે બહાર નીકળી આવી હતી, યત્નથી તને શોધવા આવી હતી, અને તું મને મળ્યો છે. 16 મેં મારા પલંગ પર ભરતકામના ગાલીચા, તથા મિસરી સૂતરનાં સુંદર વસ્ત્ર બિછાવ્યાં છે. 17 મેં મારું બિછાનું બોળ, અગર તથા તજથી સુગંધીદાર બનાવ્યું છે. 18 ચાલ, આપણે સવાર સુધી પેટપૂર પ્રેમનો અનુભવ કરીએ; અને પ્રેમની મઝા ઉડાવીએ. 19 કેમ કે ઘરધણી ઘેર નથી, તે લાંબી મુસાફરીએ ગયો છે; 20 તે પોતાની સાથે પૈસાની થેલી લઈ ગયો છે; તે પૂનમે ઘેર આવશે.’ 21 તે પોતાના ઘણા મીઠા બોલોથી તેને વશ કરે છે, અને પોતાના હોઠોની ખુશામતથી તે તેને તાણી જાય છે. 22 જેમ બળદ કસાઈવાડે જાય છે, જેમ [બેડી નખાવીને] મૂર્ખ સજા ભોગવવા જાય છે, તેમ તે તરત તેની પાછળ જાય છે; 23 આખરે તેનું કલેજું તીરથી વીંધાય છે; જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વગર જાળમાં ધસી જાય છે, તેમ તે [જાય છે]. 24 હવે મારા દીકરા, સાંભળ, અને મારા મુખનાં વચનો પર લક્ષ આપ. 25 તારું હ્રદય તેના માર્ગો તરફ વળવા ન દે, તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ. 26 કેમ કે તેણે ઘણાને ઘાયલ કરીને પાયમાલ કર્યા છે; તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા મોટી ફોજ જેવી છે. 27 તેનું ઘર શેઓલનો માર્ગ છે કે, જે મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India