નીતિવચનો 31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 લમુએલ રાજાની માએ જે ઈશ્વરવાણી તેને શીખવી હતી તે [આ] છે: 2 “મારા દીકરા, હું શું [કહું] ? હે મારા પેટના દીકરા, શું [કહું] ? હે મારી માનતાઓના દીકરા, શું [કહું] ? 3 સ્ત્રીઓને તારું બળ, તથા રાજાઓનો નાશ કરનારાને તું વશ થતો નહિ. 4 હે લમુએલ, દ્રાક્ષારસ પીવો એ રાજાઓને ઘટારત નથી, એ રાજાઓને છાજતું નથી; વળી, મદિરા ક્યાં છે? [એમ કહેવું] હાકેમોને શોભતું નથી. 5 રખેને તેઓ તે પીને નિયમને વીસરી જાય, અને કોઈ દુ:ખીનો ઇનસાફ ઊંઘો વાળે. 6 જે મરવાની અણી પર હોય તેને મદિરા, અને જેનું મન દુ:ખી હોય તેને દ્રાક્ષારસ આપ; 7 ભલે તે પીને પોતાની દરિદ્રતા ભૂલી જાય, અને પોતાનું દુ:ખ ફરી કદી તેને યાદ આવે નહિ. 8 મૂંગાઓને ખાતર તથા સર્વ નિરાધાર માણસોના પક્ષમાં, તું તારું મુખ ઉઘાડ. 9 તારું મુખ ઉઘાડીને અદલ ઇનસાફ કર, અને ગરીબ તથા દરીદ્રીને ન્યાય આપ.” આદર્શ પત્નીની ગુણગાથા 10 સદગુણી સ્ત્રી કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં ઘણું જ વધારે છે. 11 તેના પતિનું અંત:કરણ તેના પર ભરોસો રાખે છે, અને તેને સંપત્તિની ખોટ પડશે નહિ. 12 પોતાના આયુષ્યના સર્વ દિવસો પર્યંત, તે તેનું ભલું જ કરે છે, અને ભૂંડું કદી નહિ. 13 તે ઊન તથા શણ શોધી લાવે છે, અને રાજીખુશીથી પોતાને હાથે કામ કરે છે. 14 તે વેપારીના વહાણ જેવી છે; તે દૂર દૂરથી પોતાનું અન્ન લાવે છે. 15 વળી હજી તો રાત હોય છે એટલામાં તો તે ઊઠે છે, પોતાના ઘરનાંને ખાવાનું આપે છે, અને પોતાની દાસીઓને તેમનું કામ નીમી આપે છે. 16 તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે; પોતાની કમાણીથી તે દ્રાક્ષાવાડી રોપે છે. 17 તે પોતાની કમરે બળરૂપી પટો બાંધે છે, અને પોતાના હાથ બળવાન કરે છે. 18 તે સમજી જાય છે કે મારો વેપાર લાભકારક છે; તેનો દીવો રાતે હોલવાતો નથી. 19 તે પોતાના હાથ રેંટિયાને લગાડે છે, અને તેના હાથ ત્રાકને પકડે છે. 20 તે ગરીબોને ઉદારતાએ આપે છે; હા, તે પોતાના હાથ લંબાવીને દરિદ્રીઓને [મદદ કરે છે]. 21 તેને પોતાના કુટુંબ વિષે હિમનું ભય નથી; કેમ કે તેના આખા કુટુંબે [ઊનનાં] કિરમજી વસ્ત્ર પહેરેલાં છે. 22 તે પોતાને વાસ્તે બુટ્ટાદાર તકિયા બનાવે છે; તેનાં વસ્ત્ર બારીક શણનાં તથા જાંબુડા રંગનાં છે. 23 તેનો પતિ દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે. 24 તે શણનાં વસ્ત્ર બનાવીને વેચે છે; અને વેપારીને કમરબંધ [બનાવી] આપે છે. 25 બળ તથા મોભો એ તેનો પોષાક છે; અને ભવિષ્યકાળ [ની ચિંતા] ને તે હસી કાઢે છે. 26 તેના મુખમાંથી જ્ઞાનની વાતો નીકળે છે; તેની જીભનો નિયમ માયાળુપણું છે. 27 તે પોતાના ઘરનાં માણસોની ચાલચલણની બરાબર તપાસ રાખે છે, તે આળસની રોટલી ખાતી નથી. 28 તેનાં છોકરાં ઊઠીને તેને ધન્યવાદ આપે છે; અને તેનો પતિ પણ તેનાં વખાણ કરીને [કહે છે,] 29 “સદાચારી સ્ત્રીઓ તો ઘણી થઈ ગઈ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે.” 30 લાવણ્ય ઠગારું છે, અને સૌંદર્ય વ્યર્થ છે; પણ યહોવાનો ડર રાખનાર સ્ત્રી વખાણ પામશે. 31 તેના હાથની પેદાશમાંથી તેને આપો; અને તેનાં કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા થાઓ. ?? ?? ?? ?? 1 |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India