Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


આગૂરનાં વચનો

1 યાકેના પુત્ર આગૂરનાં વચનો, જે ઈશ્વરવાણી છે. [કોઈ] માણસ ઈથિયેલને, ઈથિયેલ તથા ઉક્કાલને [આ પ્રમાણે] કહે છે,

2 “નિશ્ચય હું કોઈ પણ માણસ કરતાં અધિક પશુવત છું, અને મારામાં મનુષ્યબુદ્ધિ નથી.

3 હું જ્ઞાન પણ શીખ્યો નથી, તેમ જ મને પવિત્ર [ઈશ્વર] નું જ્ઞાન નથી.

4 આકાશમાં કોણ ચઢ્યો અને પાછો ઊતર્યો? કોણે પવનને પોતાની મુઠ્ઠીમાં સમેટી લીધો છે? કોણે પોતાના વસ્‍ત્રમાં પાણી બાંધી લીધાં છે? પૃથ્વીની સર્વ સીમાઓ કોણે સ્થાપી છે? જો તું જાણતો હોય તો [કહે] , તેનું નામ શું છે, અને તેના દીકરાનું નામ શું છે?

5 પરમેશ્વરનું દરેક વચન પરખેલું છે; જેઓ પરમેશ્વર પર ભરોસો રાખે છે તેમની તે ઢાલ છે.

6 તેમનાં વચનોમાં તું ઉમેરો ન કર, રખેને તે તને ઠપકો દે, અને તું જૂઠો ઠરે.”


અન્ય નીતિવચનો

7 “હે પ્રભુ, મેં તમારી પાસેથી બે વરદાન માગ્યાં છે; મારા મૃત્યુ પહેલાં મને તેની ના ન પાડતા;

8 [તે એ કે] વ્યર્થતા તથા જૂઠ મારાથી દૂર કરો; મને દરિદ્રતા ન આપો, તેમજ દ્રવ્ય પણ ન આપો; મારે માટે અગત્યનું હોય તેટલા અન્‍નથી મારું પોષણ કરો;

9 રખેને હું છલકાઈ જાઉં, અને તમારો નકાર કરીને કહું કે, ‘યહોવા કોણ છે?’ અથવા રખેને હું દરિદ્રી થઈને ચોરી કરું, અને મારા ઈશ્વરના નામની નિંદા કરાવું.”

10 ચાકરની ચાડી તેના શેઠ આગળ ન કર, રખેને તે તને શાપ દે, ને તું દોષપાત્ર ઠરે.

11 એવી પણ એક પેઢી છે કે જે પોતાના પિતાને શાપ આપે છે, અને પોતાની માને આશીર્વાદ આપતી નથી.

12 એવી પણ પેઢી છે કે જે પોતાને પવિત્ર માને છે, પરંતુ તે પોતાની મલિનતામાંથી સ્વચ્છ થતી નથી.

13 એવી પણ પેઢી છે કે જેની આંખો કેટલી બધી ઊંચી ચઢેલી છે; અને તેનાં પોપચાં ઊંચાં કરેલાં છે.

14 એવી પણ પેઢી છે કે જેના દાંત તરવાર જેવા, અને જેની દાઢો ચપ્પુ જેવી છે! તે વડે તેઓ ગરીબોને પૃથ્વી પરથી, અને કંગાલોને માણસોમાંથી ખાઈ જાય છે.

15 “આપ આપ, ” એ [નામની] જળોને બે દીકરીઓ છે. કદી તૃપ્ત થતાં નથી એવાં ત્રણ વાનાં છે, અને જે એમ કહેતાં જ નથી, કે “બસ, ” એવાં ચાર [વાનાં] છે:

16 એટલે શેઓલ; વાંઝણીનું ઉદર; પાણીથી નહિ તૃપ્ત થતી જમીન; તથા “બસ” નહિ કહેનાર અગ્નિ.

17 જે આંખ પોતાના પિતાની મશ્કરી કરે છે. અને જે પોતાની માની આજ્ઞા માનવાનું તુચ્છ ગણે છે, તેને ખીણના કાગડા કોચી કાઢશે. અને ગીધનાં બચ્‍ચાં તેને ખાઈ જશે.

18 ત્રણ વાનાં મને એવાં આશ્ચર્યકારક લાગે છે કે તેઓ મારી સમજમાં આવતાં નથી; હા, ચાર [વાનાં] હું જાણતો નથી:

19 [એટલે] વાયુમાં ગરૂડનો માર્ગ; ખડક ઉપર સર્પનો માર્ગ; ભરસમુદ્રમાં વહાણનો માર્ગ; અને કુમારી સાથે પુરુષનો માર્ગ.

20 વ્યભિચારી સ્‍ત્રીનો માર્ગ પણ એવો જ છે; તે ખાઈને પોતાનું મોં લૂછે છે, અને કહે છે, “મેં કંઈ કુકર્મ કર્યું નથી.”

21 ત્રણ વાનાંને લીધે, હા, ચાર વાનાંને લીધે પૃથ્વી કાંપે છે; કેમ કે તે તેને સહન કરી શકતી નથી:

22 [એટલે] રાજપદવી પામેલા ચાકરને લીધે; અન્‍નથી તૃપ્ત થયેલા મૂર્ખને લીધે;

23 પરણેલી કર્કશાને લીધે; અને પોતાની શેઠાણીની વારસ થયેલી દાસીને લીધે.

24 ચાર વાનાં પૃથ્વી પર નાનાં છે, પણ તેઓ અતિશય શાણાં છે.

25 કીડી કંઈ બળવાન પ્રજા નથી, પણ તેઓ ઉનાળામાં પોતાનો ખોરાક ભેગો કરે છે;

26 સસલાં તો ઘણી જ નિર્બળ પ્રજા છે. તોપણ તેઓ પોતાનાં રહેઠાણ ખડકોમાં બનાવે છે;

27 તીડોને રાજા હોતો નથી, તોપણ તેઓ સર્વ ટોળાબંધ નીકળે છે;

28 ઘરોળીને તું તારા હાથથી પકડી શકે છે, તોપણ તે રાજાઓના મહેલોમાં [હરેફરે] છે.

29 ત્રણ પ્રાણીઓની ગતિ રુઆબદાર હોય છે, હા, ચારની ચાલ દમામદાર હોય છે:

30 એટલે સિંહ જે પશુઓમાં સૌથી બળવાન છે, અને કોઈને લીધે પોતાનો માર્ગ મરડતો નથી;

31 વળી શિકારી કૂતરો; તથા બકરો; તેમ જ રાજા કે જેની સામે થઈ શકાય નહિ.

32 જો ગર્વિષ્ઠ થવાની મૂર્ખાઈ તેં કરી હોય, અથવા તેં ભૂંડો વિચાર કર્યો હોય, તો તારો હાથ તારા મોં પર [મૂક].

33 કેમ કે દૂધ વલોવ્યાથી માખણ નીપજે છે, અને નાક મચડ્યાથી લોહી નીકળે છે; તેમજ ક્રોધને છંછેડ્યાથી ઝઘડો ઊભો થાય છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan