નીતિવચનો 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)જ્ઞાનપ્રાપ્તિની સાધના 1 મારા દીકરા, મારું શિક્ષણ ભૂલી ન જા; તારા હ્રદયે મારી આજ્ઞાઓને સંઘરી રાખવી; 2 કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાનાં વર્ષો તથા શાંતિની વૃદ્ધિ આપશે; 3 કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો તેઓને તારે ગળે બાંધ; તેઓને તારા હ્રદયપટ પર લખી રાખ. 4 તેથી તું ઈશ્વર તથા માણસની નજરમાં કૃપા તથા સુકીર્તિ પામશે. 5 તારા ખરા હ્રદયથી યહોવા પર ભરોસો રાખ. અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. 6 તારા સર્વ માર્ગોમાં પ્રભુ [નો અધિકાર] સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે. 7 તું પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા; 8 તેથી તારું શરીર નીરોગી થશે, અને તારાં હાડકાં બળવંત રહેશે. 9 તારા દ્રવ્યથી, તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર; 10 એમ [કરવાથી] તારી વખારો ભરપૂર થશે, અને તારા દ્રાક્ષાકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે. 11 મારા દીકરા, યહોવાની શિક્ષાને તુચ્છ ન ગણ; અને તેમના ઠપકાથી કંટાળી ન જા; 12 કેમ કે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો [આપે છે] તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે. જ્ઞાનપ્રાપ્તિનો આનંદ 13 જે માણસને જ્ઞાન મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તેને ધન્ય છે. 14 કેમ કે તેનો વેપાર રૂપાના વેપાર કરતાં, અને તેનો લાભ ચોખ્ખા સોનાના લાભ કરતાં શ્રેષ્ઠ છે. 15 તે જવાહિર કરતાં મૂલ્યવાન છે; તારી મનગમતી કોઈ પણ વસ્તુ તેની બરાબરી કરી શકે નહિ. 16 તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે; તેના ડાબા હાથમાં દ્રવ્ય તથા માન છે. 17 તેના માર્ગે સુખચેન જ છે, અને તેના બધા રસ્તામાં શાંતિ છે. 18 જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે; જેઓ તેને પકડી રાખે છે તે દરેકને ધન્ય છે. 19 યહોવાએ જ્ઞાન વડે પૃથ્વી રચી; તેણે બુદ્ધિથી આકાશોને સ્થાપન કર્યાં, 20 તેની કળાથી ઊંડાણો ફાડી નાખવામાં આવ્યાં, અને [આકાશનાં] વાદળાંમાંથી ઝાકળ ટપકે છે. 21 મારા દીકરા, તેઓને તારી આંખો આગળથી દૂર થવા ન દે; સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ; 22 તો તેઓ તારા આત્માનું જીવન, તથા તારા ગળાની શોભા થશે. 23 ત્યારે તું તારા માર્ગમાં સહીસલામત ચાલતો થશે, અને તારો પગ લથડશે નહિ. 24 સૂતી વેળાએ તને ડર લાગશે નહિ; અને તું સૂઈ જશે ત્યારે તને મીઠી ઊંઘ આવશે. 25 જ્યારે અચાનક ભય આવી પડે, અને દુષ્ટોની પાયમાલી થાય ત્યારે તું ન ડર. 26 કેમ કે યહોવા તારું રક્ષણ કરશે, અને તારા પગને સપડાઈ જતો બચાવશે. 27 હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનાથી તે પાછું ન રાખ. 28 તારી પાસે હોય, તો તારા પડોશીને એમ ન કહે, “જા, ને ફરી આવજે, અને હું તને કાલે આપીશ.” 29 તારા પડોશીનું ભૂંડું કરવાનો પ્રયત્ન ન કર, કેમ કે તે તારી પડોશમાં નિર્ભય રહે છે. 30 કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય, તો વિનાકારણ તેની સાથે તકરાર ન કર. 31 તું જુલમી માણસની અદેખાઈ ન કર, અને તેનો એક માર્ગ પસંદ ન કર. 32 કેમ, કે આડા માણસોથી યહોવા કંટાળે છે; પણ પ્રામાણિક લોકો તેનો મર્મ સમજે છે. 33 યહોવાનો શાપ દુષ્ટના ઘર પર [ઊતરે] છે; પણ તે સદાચારીઓના રહેઠાણને આશીર્વાદ આપે છે. 34 સાચે જ તે તિરસ્કાર કરનારાનો તિરસ્કાર કરે છે; પણ તે નમ્ર જનોને કૃપા આપે છે. 35 જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે; પણ મૂર્ખોને બદનામી જ મળશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India