નીતિવચનો 28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 કોઈ માણસ પાછળ પડ્યું ન હોય તો પણ દુષ્ટ નાસી જાય છે; પણ નેકીવાનો સિંહના જેવા હિમ્મતવાન હોય છે. 2 દેશના અપરાધને લીધે તેના પર ઘણા હાકેમો થાય છે; પણ બુદ્ધિમાન તથા જ્ઞાની માણસોથી તે ટકી રહે છે. 3 જે માણસ નિર્ધન છતાં દરિદ્રીઓ ઉપર જુલમ કરે છે, તે અનાજનો તદ્દન નાશ કરનાર વરસાદની હેલી [જેવો છે]. 4 નિયમ તોડનારાઓ દુષ્ટોનાં વખાણ કરે છે; પણ નિયમ પાળનારાઓ તેઓની સામે ટક્કર ઝીલે છે 5 દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી; પણ યહોવાની શોધ કરનારાઓ બધી બાબતો સમજે છે. 6 જે માણસ ધનવાન છતાં અવળે માર્ગે ચાલે છે, તેના કરતાં પ્રામાણિકપણાથી વર્તનાર દરિદ્રી સારો છે. 7 જે દીકરો નિયમ પાળે છે તે ડાહ્યો છે; પણ ખાઉધર માણસોનો સોબતી પોતાના પિતાની ફજેતી કરે છે. 8 જે માણસ ભારે વ્યાજ તથા નફો લઈને પોતાની સંપત્તિ વધારે છે, તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે. 9 જે માણસ નિયમનું શ્રવણ કરતાં પોતાનો કાન અવળો ફેરવી નાખે છે, તેની પ્રાર્થના પણ કંટાળારૂપ છે. 10 જે કોઈ પ્રામાણિકને કુમાર્ગે ભટકાવી દે છે, તે પોતે પોતાના ખાડામાં પડશે; પણ સદાચારીને હિતનો વારસો મળશે. 11 દ્રવ્યવાન માણસ પોતાને ડાહ્યો સમજે છે; પણ સમજણો દરિદ્રી તેની પરીક્ષા કરી લે છે. 12 જ્યારે નેકીવાનોની ફતેહ થાય છે, ત્યારે તે ઘણી શોભાયમાન લાગે છે; પણ દુષ્ટોની ચઢતી થાય છે, ત્યારે માણસો સંતાઈ જાય છે. 13 જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે. 14 હંમેશાં ભય રાખનાર માણસને ધન્ય છે; પણ જે માણસ પોતાનું હ્રદય કઠોર કરે છે તે વિપત્તિમાં પડશે. 15 ગરીબ લોકોને માથે દુષ્ટ હાકેમ હોય તો તે ગર્જતા સિંહ તથા ભટકતા રીંછ જેવો છે. 16 જે હાકેમ અણસમજણો હોય છે તે મોટો જુલમગાર પણ હોય છે; પણ જે લોભનો દ્વેષ કરે છે તેનું આયુષ્ય લંબાશે. 17 જે માણસે કોઈ પુરુષનું ખૂન કર્યું હશે, તે નાસીને ખાડામાં પડશે; કોઈએ તેને અટકાવવો નહિ. 18 જે કોઈ પ્રામાણિકપણાથી વર્તશે તેનો બચાવ થશે; પણ જે માણસના માર્ગો અવળા હશે તે એકદમ પડી જશે. 19 જે માણસ પોતાની જમીન ખેડે છે તેને પુષ્કળ અનાજ મળશે; પણ નકામાઓની પાછળ ચાલનારને ત્યાં દરિદ્રતા આવશે. 20 વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે; પણ જે માણસ દ્રવ્યવાન થવાને ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા વગર રહેશે નહિ. 21 આંખની શરમ રાખવી એ સારું નથી; તેમ જ કોઈ માણસ રોટલીના ટુકડાને માટે ગુનો કરે તે પણ [સારું નથી]. 22 ભૂંડી નજરવાળો દ્રવ્યની પાછળ દોડે છે, અને જાણતો નથી કે પોતાને ત્યાં દરિદ્રતા આવી પડશે. 23 જીભની ખુશામત કરનારના કરતાં માણસને ઠપકો આપનાર પાછળથી વધારે કૃપા પામશે. 24 જે કોઈ પોતાના પિતાને અથવા પોતાની માને લૂંટીને એમ કહે, “એમાં કંઈ દોષ નથી, ” તે નાશ કરનારનો સોબતી છે. 25 જે માણસ લોભી મનનો હોય છે, તે કજિયા સળગાવે છે; પણ યહોવા પર ભરોસો રાખનારને પુષ્ટ કરવામાં આવશે. 26 જે માણસ પોતાના હ્રદય પર ભરોસો રાખે છે તે મૂર્ખ છે; પણ જે કોઈ ડહાપણથી વર્તે છે તેનો બચાવ થશે. 27 દરિદ્રીને દાન આપનારને ખોટ પડશે નહિ; પણ જે માણસ પોતાની આંખો મીંચી જાય છે તેને ઘણો શાપ મળશે. 28 દુષ્ટોની ઉન્નતિ થાય છે, ત્યારે માણસો સંતાઈ જાય છે; પણ તેમનો નાશ થાય છે, ત્યારે નેકીવાનોની વૃદ્ધિ થાય છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India