Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 આવતી કાલ વિષે ફુલાશ ન માર; કેમ કે એક દિવસમાં શું થઈ જશે તે તું જાણતો નથી.

2 બીજો માણસ તારાં વખાણ કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન [કર] ; બીજો [કરે] તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે.

3 પથ્થર વજનદાર હોય છે, અને રેતી ભારે હોય છે; પણ મૂર્ખની હેરાનગતિ તે બન્‍ને કરતાં ભારે હોય છે.

4 ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે; પણ અદેખાઈની સામે કોણ ટકી શકે?

5 ગુપ્ત પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.

6 મિત્રના [કરેલા] ઘા પ્રામાણિક છે; પણ શત્રુનાં ચુંબન પુષ્કળ છે.

7 ધરાયેલો માણસ મધપૂડાથી કંટાળે છે; પણ ક્ષુધાતુરને હરેક કડવી વસ્તુ પણ મીઠી લાગે છે.

8 પોતાની જગા છોડી ભટકનાર માણસ પોતાનો માળો તજીને ભમનાર પક્ષીના જેવો છે.

9 જેમ અત્તર તથા સુગંધીથી હ્રદયને હર્ષ થાય છે, તેમ અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.

10 તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને ત્યજી દઈશ નહિ; અને તારી વિપત્તિને સમયે તારા ભાઈને ઘેર ન જા, દૂર વસતા ભાઈ કરતાં પાસેનો પડોશી સારો છે.

11 મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હ્રદયને આનંદ પમાડ કે, મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.

12 સંકટને જોઈને શાણો સંતાઈ જાય છે, પણ મૂર્ખ આગળ ચાલ્યો જઈને આપત્તિ ભોગવે છે.

13 અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્‍ત્ર લઈ લે; અને અજાણી સ્‍ત્રી [ના જામીનને] જવાબદારીમાં રાખ.

14 જે કોઈ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ આપે છે, તે તેને શાપ સમાન લાગશે.

15 ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા કજિયાખોર સ્‍ત્રી [એ બન્‍ને] બરાબર છે;

16 જે તેને રોકી શકે તે પવનને રોકી શકે, અને પોતાને જમણે હાથે લગાડેલા તેલની સુગંધી પણ [રોકી શકે].

17 લોઢું લોઢાને તેજદાર બનાવે છે; તેમ જ માણસ પોતાના મિત્રના મોંને તેજદાર બનાવે છે.

18 જે કોઈ અંજીરી સાચવે છે તે તેનું ફળ ખાશે; તેમ જ પોતાના શેઠની ખિજમત કરનાર માન પામશે.

19 જેમ [માણસના] ચહેરાની આબેહૂબ છબી પાણીમાં પડે છે, તેમ માણસના હ્રદયનું પ્રતિબિંબ સામા માણસ પર પડે છે.

20 જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતાં નથી; તેમ માણસની આંખો કદી તૃપ્ત થતી નથી.

21 રૂપું ગાળવા માટે કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે, તેમ માણસની પરીક્ષા તેની પ્રશંસા ઉપરથી થાય છે.

22 જો તું મૂર્ખને ખંડાતા દાણા સાથે ખાંડણિયામાં નાખીને સાંબેલાથી ખાંડે, તોપણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી પડવાની નથી.

23 તારાં ઘેટાંબકરાંની હાલત જાણવાની ખંત રાખ, અને તારાં ઢોરઢાંકની બરાબર તપાસ રાખ;

24 કેમ કે દ્રવ્ય કાયમ ટકતું નથી; અને શું મુગટ વંશપરંપરા ટકે છે?

25 સૂકું ઘાસ લઈ જવામાં આવે છે કે, તરત ત્યાં કુમળું ઘાસ ઊગી નીકળે છે, અને પર્વતોની વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે.

26 હલવાનો તારાં વસ્‍ત્રોને અર્થે છે, અને બકરાં ખેતરનું મૂલ્ય છે;

27 વળી બકરીઓનું દૂધ તારે માટે તથા તારા ઘરનાને ખાવા માટે, અને તારી દાસીઓના ગુજરાનને માટે પૂરતું [થશે].

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan