Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જેમ ઉનાળામાં હિમ, અને ફસલમાં વરસાદ [ઠીક લાગતો નથી] , તેમ મૂર્ખને માન શોભતું નથી.

2 જેમ ભટકતી ચકલી, અથવા જેમ ઊડતું અબાબીલ પક્ષી છે, તેમ વિનાકારણ આપેલો શાપ [કોઈને માથે] ઊતરતો નથી.

3 ઘોડાને માટે ચાબુક, અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂર્ખોની પીઠને માટે સોટી છે.

4 મૂર્ખને તેની મુર્ખાઈ પ્રમાણે ઉત્તર ન દે, રખેને તું પણ તેની બરાબર ગણાય.

5 મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે ઉત્તર દે, નહિ તો તે પોતાને ડાહ્યો સમજશે.

6 જે માણસ મૂર્ખની હસ્તક સંદેશો મોકલે છે, તે [પોતાના] પગ કાપી નાખે છે, અને તે નુકસાન શોષે છે.

7 જેમ લંગડાના પગ લૂલા હોય છે, તેમ જ મૂર્ખના મુખનું દ્દષ્ટાંત છે.

8 જે કોઈ મૂર્ખને માન આપે છે તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી [મૂકનાર] જેવો છે.

9 જેમ છાકટાના હાથમાં કાંટો ભોકાય છે, તેમ મૂર્ખોના મુખનું દ્દષ્ટાંત [તેમને જ નડે] છે.

10 ઉત્તમ કારીગર બધું કામ પોતે કરે છે; પણ મૂર્ખની પાસે કામ કરાવનાર વટેમાર્ગુને રોજે રાખનાર જેવો છે.

11 જેમ પોતાનું ઓકેલું ખાવાને માટે કૂતરો પાછો આવે છે, તેમ મૂર્ખ ફરીફરીને મૂર્ખાઈ જ કરનાર છે.

12 પોતે પોતાને જ્ઞાની માનનાર માણસને તું જુએ છે શું? તેના કરતાં તો મૂર્ખને માટે વધારે આશા છે.

13 આળસુ કહે છે, “માર્ગમાં સિંહ છે; ગલીઓમાં સિંહ છે.”

14 જેમ બારણું તેનાં મિજાગરાં પર ફરે છે, તેમ આળસુ પોતાના બિછાના પર આળોટે છે.

15 આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો; પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં તેને થાક લાગે છે.

16 દલીલો સાથે ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં, આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.

17 જે રસ્તે ચાલતાં પારકાના કજિયાની ખટપટમાં પડે છે, તે કૂતરાના કાન પકડનારના જેવો છે.

18 જેવો બળતાં લાકડાં, તીર તથા પ્રાણઘાતક [વસ્તુઓ] ફેંકનાર ઘેલો માણસ છે,

19 તેવો જ પોતાના પડોશીને ઠગીને, “શું હું ગમત કરતો નથી?” એમ કહેનાર માણસ છે.

20 બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે; અને કાન ભંભેરનાર ન હોય ત્યાં કજિયા સમી જાય છે.

21 જેમ અંગારા કોલસાને, અને અગ્નિ લાકડાંને [સળગાવે છે] ; તેમ ઝઘડાખોર માણસ કજિયા સળગાવે છે.

22 કાન ભંભેરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે પેટના અભ્યંતરમાં ઊતરી જાય છે.

23 પટામણા હોઠ અને દુષ્ટ હ્રદય, એ ચાંદીના મેલથી મઢેલા માટીના વાસણ જેવાં છે.

24 દ્વેષી માણસ પોતાના હોઠોથી છળ કરે છે, પણ પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે;

25 જ્યારે તે મીઠું મીઠું બોલે, ત્યારે તેના પર ભરોસો ન રાખ; કેમ કે તેના અંત:કરણમાં સાતગણો કંટાળો આવે એવો [ઇરાદો] છે;

26 જો કે તેનો દ્વેષ કપટથી ઢંકાયેલો હોય છે, તોપણ તેની દુષ્ટતા મંડળી આગળ ઉઘાડી પડી જશે.

27 જે [બીજાને માટે] ખાડો ખોદે તે પોતે તેમાં પડશે; અને જે કોઈ [બીજાની તરફ] પથ્થર ગબડાવે તે તેના પર જ પાછો આવશે.

28 જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે તેમનો તે દ્વેષ કરે છે; અને ખુશામતિયું મોં પાયમાલી કરે છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan