નીતિવચનો 25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સુલેમાનનાં નીતિવચનોનો બીજો ગુચ્છ 1 આ પણ સુલેમાનનાં નીતિવચનો છે કે, જેમનો ઉતારો યહૂદિયાના રાજા હિઝકિયાના માણસોએ કર્યો હતો. 2 કોઈ બાબત ગુપ્ત રાખવી એમાં ઈશ્વરનો મહિમા છે; પણ કોઈ વાતનો પત્તો ખોળી કાઢવો એમાં રાજાનું ગૌરવ છે. 3 જેમ આકાશની ઊંચાઈ તથા પૃથ્વીનું ઊંડાણ, તેમ રાજાઓનું મન અગાધ છે. 4 રૂપામાંથી મેલ કાપી નાખો, તો તેમાંથી ગાળનારને માટે વાસણ નીપજે છે; 5 તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો, તો તેનું રાજ્યાસન નેકીમાં સ્થિર થશે. 6 રાજાની હજૂરમાં આગળ છાતી ન કાઢ, અને મોટા માણસોની જગાએ ઊભો ન રહે; 7 કેમ કે જે હાકેમને તેં નજરે જોયો હોય તેની હજૂરમાં તને નીચે ઉતારવામાં આવે, તેના કરતાં તને એમ કહેવામાં આવે, “અહીં ઉપર આવ, ” તે વધારે સારું છે. 8 દાવામાં જલદી ઊતરી ન પડ, રખેને આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે, ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ. 9 તારા દાવા વિષે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર, અને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર; 10 રખેને તે સાંભળનાર તારી નિંદા કરે, અને તારા પરનો બટ્ટો દૂર થાય નહિ. 11 પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે. 12 ઠપકો દેનાર જ્ઞાની [ની વાત] આજ્ઞાંકિત કાનમાં સોનાના કુંડળ તથા ચોખ્ખા સોનાના ભૂષણ જેવી છે. 13 ફસલના વખતમાં હિમની શીતળતા જેવી [લાગે છે] , તેવો જ વિશ્વાસુ એલચી તેના મોકલનારાઓને લાગે છે; કેમ કે તે પોતાના ધણીના જીવને તાજો કરે છે. 14 જે કોઈ બક્ષિસો આપવાની ઠાલી ડંફાસો મારે છે, પણ કંઈ આપતો નથી, તે વરસાદ વગરનાં વાદળાં તથા પવન જેવો છે. 15 લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે, અને કોમળ જીભ હાડકાંને ભાંગે છે. 16 જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખા; રખેને તે તારા ગળા સુધી આવે, ને તારે તે ઓકી કાઢવું પડે. 17 તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા; નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે. 18 પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડા, તરવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે. 19 સંકટસમયે અવિશ્વાસુ માણસ પર રાખેલો ભરોસો એ ભાંગી ગયેલા દાંત, કે ઊતરી ગયેલા પગ જેવો છે. 20 જે દુ:ખી દિલના માણસ આગળ ગીત ગાય છે. તે શિયાળામાં અંગ પરથી વસ્ત્ર છીનવી લેનાર જેવો, તથા સુરાખાર પર સરકાના જેવો છે. 21 જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને ભોજન આપ; જો તે તરસ્યો હોય તો તેને પાણી પા; 22 કેમ કે [એમ કરવાથી] તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે, અને યહોવા તને તેનું ફળ આપશે. 23 ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમજ ચાડીખોર જીભ ક્રોધી ચહેરો [ઉપજાવે છે]. 24 કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ મકાનમાં રહેવું, તે કરતાં અગાસીના ખૂણામાં રહેવું સારું છે. 25 જેવું તરસ્યા જીવને ટાઢું પાણી છે, તેવી જ દૂર દેશથી [મળેલી] સારી ખબર છે. 26 જેવો ડહોળાયેલો ઝરો તથા અવડ કૂવો છે, તેવો જ દુષ્ટોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે. 27 ઘણું મધ ખાવું સારું નથી; તેમ જ પોતાની પ્રતિષ્ઠા શોધવી એ કંઈ પ્રતિષ્ઠા નથી. 28 જેનું મન કબજામાં નથી તે ખંડિયેર તથા કોટ વગરના નગર જેવો છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India