Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


-૧૯-

1 દુષ્ટ માણસોની અદેખાઈ ન કર, અને તેમની સાથે રહેવાની ઇચ્છા ન કર.

2 કેમ કે તેમનું હ્રદય જુલમ કરવાને સંકલ્પવિકલ્પ કર્યા કરે છે, અને તેમના હોઠ ઉપદ્રવની વાત કરે છે.


-૨૦-

3 જ્ઞાન વડે ઘર બંધાય છે; બુદ્ધિ વડે તે સ્થિર થાય છે;

4 અને ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે.


-૨૧-

5 જ્ઞાની માણસ સમર્થ છે; હા, વિદ્વાન માણસ [પોતાની] શક્તિ વધારે છે.

6 કારણ કે ચતુર [માણસની] સલાહ પ્રમાણે તું યુદ્ધ કરશે; અને વધારે સલાહકારીઓમાં સલામતી છે.


-૨૨-

7 જ્ઞાન એ મૂર્ખની શક્તિ ઉપરાંત છે; તે પોતાનું મોઢું ભાગળમાં ઉઘાડતો નથી.


-૨૩-

8 જે ભૂંડું કરવાને યુક્તિઓ રચે છે, તેને લોકો હાનિકારક પુરુષ કહેશે.

9 મૂર્ખનો વિચાર પાપી હોય છે; અને તિરસ્કાર કરનાર માણસથી લોકો કંટાળે છે.


-૨૪-

10 જો તું સંકટને દિવસે નાહિમ્‍મત થઈ જાય, તો તારું બળ થોડું જ છે.


-૨૫-

11 જેઓને મોતમાં ઘસડી લઈ જવામાં આવે છે તેઓને છોડાવ, અને જેઓ માર્યા જવાની તૈયારીમાં છે તેઓને છોડાવવાનું ચૂકતો નહિ.

12 જો તું કહે, “અમે તો એ જાણતા નહોતા.” તો જે અંત:કરણોની તુલના કરે છે તે તેનો વિચાર શું કરશે નહિ? અને જે તારા જીવનો રક્ષક છે. તે શું નથી જાણતો? અને શું તે દરેક માણસને તેની કરણી પ્રમાણે ફળ આપશે નહિ?


-૨૬-

13 મારા દીકરા, તું મધ ખા, કેમ કે તે સારું છે; અને મધનું ચાકું પણ ખા, કેમ કે તેનો સ્વાદ તને મીઠો લાગે છે;

14 જ્ઞાન પણ તારા આત્માને એવું જ લાગે છે, એ તું જાણશે? જો તને તે મળ્યું હોય, ત્યારે તો તને તેનું પ્રતિફળ મળશે, અને તારી આશા રદ જશે નહિ.


-૨૭-

15 હે દુષ્ટ માણસ, નેકીવાનના ઘરની વિરુદ્ધ લાગ તાકીને સંતાઈ ન રહે; તેનો આશ્રમ ન લૂંટ;

16 કેમ કે નેક માણસ સાત વાર પડી પડીને પણ પાછો ઊઠે છે; પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જાય છે.


-૨૮-

17 તારો શત્રુ પડી જાય ત્યારે હર્ષ ન કર, અને તે પાયમાલ થાય ત્યારે તારા હ્રદયમાં તું મગ્ન થતો નહિ;

18 રખેને યહોવા તે જુએ, અને તેથી તે તારા પર નારાજ થાય, અને તે પોતાનો ક્રોધ તેના પરથી પાછો ખેંચી લે.


-૨૯-

19 દુષ્કર્મીઓને લીધે તું ચિડાતો નહિ; અને દુષ્ટોની અદેખાઈ ન કર;

20 કેમ કે દુષ્ટ માણસને કંઈ પ્રતિફળ મળવાનું નથી! દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવશે.


-૩૦-

21 મારા દીકરા, યહોવાનું તથા રાજાનું ભય રાખ અને ડગમગતા મનના માણસના કામમાં હાથ ન નાખ;

22 કેમ કે તેમના પર વિપત્તિ ઓચિંતી આવી પડશે; તે બન્‍નેના [તરફથી આવતા] વિનાશની ખબર કોને છે?


વધુ જ્ઞાનવચનો

23 આ પણ જ્ઞાનીઓનાં [વચન] છે. ઇનસાફમાં આંખની શરમ રાખવી તે યોગ્ય નથી.

24 જે કોઈ દુષ્ટને કહે છે, “તું નેક છે;” તેને લોકો શાપ આપશે, અને તેનાથી પ્રજાઓ કંટાળી જશે;

25 પણ તેને ધમકાવનારાઓને આનંદ થશે, અને તેમના ઉપર ઘણો આશીર્વાદ આવશે.

26 જે સત્ય ઉત્તર આપે છે, તે હોઠોનું ચુંબન કરે છે.

27 તારું બહારનું કામ તૈયાર રાખ, તારા ખેતર [નું કામ] તૈયાર કર; અને ત્યાર પછી તારું ઘર બાંધ.

28 વિનાકારણ તારા પડોશી વિરુદ્ધ સાક્ષી ન પૂર; અને તારા હોઠોથી ઠગાઈ ન કર.

29 “જેવું તેણે મને કર્યું છે, તેવું હું તેને કરીશ” એમ તું ન કહે; તે માણસને તેના કામ પ્રમાણે હું બદલો આપીશ.

30 હું આળસુના ખેતર પાસે થઈને તથા બેવકૂફ માણસની દ્રાક્ષાવાડી પાસે થઈને જતો હતો;

31 મેં જોયું તો તેમાં બધે ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં, તેની સપાટી ગોખરુઓથી ઢંકાઈ ગયેલી હતી, અને તેની પથ્થરની ભીંત તૂટી પડેલી હતી.

32 તે પર મેં સારી રીતે વિચાર કર્યો; હું સમજ્યો, અને મને શિખામણ મળી.

33 હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ [લેવા દો] , થોડીક વાર હાથ વાળીને સૂવા દો;

34 એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ, તથા તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ ચઢી આવશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan