Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


-૬-

1 જ્યારે તું અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે કંઈ હોય તે પર સારી રીતે ધ્યાન રાખ;

2 જો તું ખાઉધર હોય, તો તારે ગળે છરી મૂક.

3 તેની સ્વાદિષ્ટ વસ્તુઓથી લોભાઈ ન જા; કેમ કે તે કપટી ભોજન છે.


-૭-

4 દ્રવ્યવાન થવા માટે [તન તોડીને] મહેનત ન કર; તારું પોતાનું ડહાપણ મૂકી દે.

5 જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દષ્ટિ ચોંટાડશે? કેમ કે દ્રવ્ય ગગનમાં ઊડી જનાર ગરૂડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.


-૮-

6 કંજૂસ માણસનું અન્‍ન ન ખા, તેની સ્વાદિષ્ટ વસ્તુઓથી લોભાઈ ન જા;

7 કેમ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે! તે તને કહે છે, “ખાઓ, પીઓ;” પરંતુ તેનું મન તારા પ્રત્યે નથી.

8 જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે, અને તારાં મીઠાં વચનો રદ જશે.


-૯-

9 મૂર્ખના સાંભળતાં બોલ નહિ; કેમ કે તારા શબ્દોના ડહાપણને તે તુચ્છ ગણશે.


-૧૦-

10 અસલનાં સીમા-પથ્થરો ન ખસેડ; અને અનાથનાં ખેતરોમાં પ્રવેશ ન કર;

11 કેમ કે તેઓનો ઉદ્ધાર કરનાર સમર્થ છે; તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.


-૧૧-

12 શિખામણ પર તારું મન લગાડ, અને જ્ઞાનના શબ્દોને તારા કાન દે.


-૧૨-

13 બાળકને શિક્ષા કરવાથી પાછો ન હઠ; જો તું તેને સોટી મારશે તો તે કંઈ મરી જશે નહિ.

14 તારે તેને સોટી મારવી, અને તેના આત્માને શેઓલમાં જતાં ઉગારવો.


-૧૩-

15 મારા દીકરા, જો તારું હ્રદય જ્ઞાની થશે, તો મારું હ્રદય હરખાશે;

16 જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, ત્યારે મારું અંતર હરખાશે.


-૧૪-

17 તારા હ્રદયને પાપીઓની અદેખાઈ કરવા ન દે, પણ આખો દિવસ યહોવાનું ભય રાખ;

18 કેમ કે નિશ્ચે બદલો [મળવાનો] છે; અને તારી આશા રદ જશે નહિ.


-૧૫-

19 મારા દીકરા, તું સાંભળીને ડહાપણ પકડ, અને તારા હ્રદયને [ખરા] માર્ગમાં ચલાવ.

20 દ્રાક્ષારસ પીનારાઓની, તથા માંસના ખાઉધરાની સોબત ન કર.

21 કેમ કે દારૂડિયો તથા ખાઉધરો કંગાલાવસ્થામાં આવશે; અને અકરાંતિયાવેડા [તેમને] ચીંથરેહાલ કરશે.


-૧૬-

22 તારા પોતાના પિતાનું [કહેવું] સાંભળ, અને તારી મા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.

23 સત્ય ખરીદ, અને તેને વેચી ન દે; હા, જ્ઞાન, શિખામણ તથા બુદ્ધિ પણ [વેચી ન દે].

24 નેકીવાન [દીકરા] નો પિતા ઘણો હરખાશે; અને જે શાણો છોકરો હશે તે તેના જન્મ આપનારને આનંદ આપશે. q1

25 તારા પિતાને તથા તારી માને ખુશ રાખ, અને તારી જનેતાને હર્ષ પમાડ.


-૧૭-

26 મારા દીકરા, તારું અંત:કરણ મને સોંપી દે, અને તારી આંખો મારા માર્ગોમાં મગ્ન રહો.

27 વેશ્યા એક ઊંડી ખાઈ છે; અને પરનારી એ સાંકડો ખાડો છે.

28 તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે, અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે.


-૧૮-

29 કોને અફસોસ છે? કોને હાય હાય છે? કોને કજિયા છે? કોને વિલાપ છે? કોને વિનાકારણ ઘા પડે છે? કોની આંખોમાં રતાશ છે?

30 જે ઘણી વાર સુધી દ્રાક્ષારસ પીયા કરે છે તેઓને; જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને.

31 જ્યારે દ્રાક્ષારસ રાતો હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય, જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર તું દષ્ટિ ન કર;

32 આખરે તે સર્પની જેમ કરડે છે, અને નાગની જેમ ડસે છે,

33 તારી આંખો અવનવા દેખાવ જોશે, અને તારું હ્રદય વિપરીત વાતો ભાખશે.

34 હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ [વહાણના] ડોલની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.

35 [તું કહેશે,] “લોકોએ મને માર્યો છે, પણ મને વાગ્યું નથી; તેઓએ મને ઝૂડી નાખ્યો છે, પણ મને તે માલૂમ પડ્યું નથી; હું ક્યારે જાગીશ? મારે ફરી એક વાર પીવું છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan