Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 [ભલું] નામ એ પુષ્‍કળ ધન કરતાં, અને પ્રેમયુક્ત રહેમનજર સોનારૂપા કરતાં ઇચ્છવાજોગ છે.

2 દ્રવ્યવાન અને દરિદ્રી ભેગા થાય છે; યહોવા એ સર્વના કર્તા છે.

3 ડાહ્યો માણસ હાનિ [આવતી] જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.

4 ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાનાં અને યહોવાના ભયનાં ફળ છે.

5 આડા માણસના માર્ગમાં કાંટા તથા ફાંદા છે; પોતાના આત્માને સંભાળનાર તેથી દૂર રહેશે.

6 બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં [ચાલવાનું] તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.

7 દ્રવ્યવાન ગરીબ પર સત્તા ચલાવે છે, અને દેણદાર લેણદારનો દાસ છે.

8 જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે; અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે,

9 ઉદાર દષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે; કેમ કે તે પોતાના અન્‍નમાંથી દરિદ્રીને આપે છે.

10 તિરસ્કાર કરનારને દૂર કર, એટલે કજિયો સમી જશે; હા, તકરાર તથા લાંછનનો અંત આવશે.

11 જે હ્રદયની શુદ્ધતા ચાહે છે, તેની બોલવાની છટાને લીધે રાજા તેનો મિત્ર થશે.

12 યહોવાનિ દષ્ટિ જ્ઞાનીની સંભાળ રાખે છે; પણ કપટી માણસના શબ્દોને તે ઉથલાવી નાખે છે.

13 આળસુ કહે છે, ‘બહાર તો સિંહ છે; હું રસ્તામાં માર્યો જઈશ.’

14 પરનારીનું મોં ઊંડો ખાડો છે; જેનાથી યહોવા કંટાળે છે તે જ તેમાં પડે છે.

15 મૂર્ખાઈ બાળકના હ્રદયની સાથે જોડાયેલી છે; પણ શિક્ષાની સોટી તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે.

16 પોતાની [માલમિલકત] વધારવાને માટે જે ગરીબ પર જુલમ ગુજારે છે, અને જે દ્રવ્યવાનને બક્ષિસ આપે છે તે [બન્‍ને] ફક્ત કંગાલાવસ્થામાં આવશે.


જ્ઞાનીઓનાં ત્રીસ નીતિવચન

17 તારો કાન ધરીને જ્ઞાનીનાં વચનો સાંભળ, મારા જ્ઞાન પર તારું અંત:કરણ લગાડ.

18 જો તું તેમને તારા અંતરમાં રાખે, જો તેઓ બન્‍ને તારા હોઠો પર સ્થિર થાય, તો તે સુખકારક છે.

19 તારી શ્રદ્ધા યહોવા પર રહે માટે આજે મેં તને, હા, તને, તે જણાવ્યાં છે.

20 શું સુબોધ તથા જ્ઞાનની ઉત્તમ વાતો મેં તને એ માટે નથી લખી કે,

21 સત્યનાં વચનો તું ચોક્‍કસ જાણે, અને જે તને મોકલનાર‌ છે તેની પાસે જઈને સત્ય વચનોથી જ તું તેને ઉત્તર આપે?


-૧-

22 ગરીબને ન લૂંટ, કારણ કે તે ગરીબ છે, અને ભાગળમાં પડી રહેલા દુ:ખીઓ પર જુલમ ન કર;

23 કેમ કે યહોવા તેમનો પક્ષ કરીને લડશે, અને જેઓ તેમનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે.


-૨-

24 ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર; અને તામસી માણસની સોબત ન કર;

25 રખેને તું તેના માર્ગો શીખે, અને તારા આત્માને ફાંદામાં લાવી નાખે.


-૩-

26 વચન આપનારાઓમાંનો કે, દેવાને માટે જામીન થનારાઓમાંનો, એ બેમાંથી તું એકે પણ ન થા;

27 [કેમ કે] જો તારી પાસે દેવું વાળી આપવાને માટે કંઈ ન હોય, તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે લઈ જાય?


-૪-

28 તારા પિતૃઓએ જે અસલના સીમા-પથ્થર નક્કી કર્યા છે, તેને ન ખસેડ.


-૫-

29 પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને તું જુએ છે શું? તો [તારે જાણવું કે] તે તો રાજાઓની હજૂરમાં ઊભો રહેશે; તે હલકા માણસોની આગળ ઊભો નહિ રહેશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan