નીતિવચનો 21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાના હાથમાં છે, તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે. 2 માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો [દેખાય] છે; પણ યહોવા અંત:કરણોની તુલના કરે છે. 3 ન્યાય તથા નેકીનાં કૃત્યો કરવાં તે યજ્ઞ કરતાં પણ યહોવાને વધારે પસંદ છે. 4 અભિમાની આંખ તથા ગર્વિષ્ઠ હ્રદય, તે દુષ્ટોને દીવારૂપ છે, પણ તે પાપ છે. 5 ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે; પણ દરેક ઉતાવળિયો ફક્ત નિર્ધન થાય છે. 6 જૂઠી જીભથી ધન સંપાદન કરવું એ આમતેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે; એવું [કરનાર] મોત માગે છે. 7 દુષ્ટોનો બલાત્કાર તેઓને પોતાને જ ઘસડી નાખશે; કેમ કે તેઓ ન્યાય કરવાની ના પાડે છે. 8 ગુના [ના ભાર] થી લદાએલાનો માર્ગ ઘણો જ વાંકોચૂંકો છે; પણ પવિત્રનું કામ તો સરળ છે. 9 કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાસીના એક ખૂણામાં રહેવું તે સારું છે. 10 દુષ્ટનો આત્મા ભૂંડું ઇચ્છે છે; તેની નજરમાં તેનો પડોશી પણ કૃપાપાત્ર દેખાતો નથી. 11 તિરસ્કાર કરનારને શિક્ષા થાય છે, ત્યારે ભોળો શાણો બને છે; અને ડાહ્યાને શિક્ષણ મળે છે, ત્યારે તે વિદ્વાન થાય છે. 12 નેક પુરુષ દુષ્ટો વિષે વિચાર કરે છે કે, તેઓ કેવા ઊથલી પડીને પાયમાલ થાય છે! 13 જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે, તે પોતે પણ બૂમ પાડશે, પરંતુ તેનું સાંભળવામાં આવશે નહિ. 14 છૂપી બક્ષિસ કોપને, અને છાનીમાની [આપેલી] ભેટ ક્રોધને સમાવે છે. 15 નેકીવાનો ન્યાય કરવામાં આનંદ માને છે; પણ દુષ્કર્મીઓને તો તે વિનાશરૂપ છે. 16 બુદ્ધિને માર્ગેથી ભટકી જનાર માણસ મૂએલાઓની સભામાં આવી પડશે. 17 મોજશોખ ઉડાવનાર માણસ દરિદ્રી થશે; દ્રાક્ષારસ તથા તેલનો રસિયો દ્રવ્યવાન થશે નહિ. 18 નેકીવાનોનો બદલો દુષ્ટોને, અને પ્રામાણિકોનો બદલો કપટીને [ભરવો પડશે]. 19 કજિયાખોર તથા ચીડિયલ સ્ત્રીની સંગત કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે. 20 જ્ઞાનીના મકાનમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે; પણ મૂર્ખ માણસ તેને સ્વાહા કરી જાય છે. 21 જે કોઈ નેકી તથા દયાનું અનુકરણ કરે છે, તેને જીવન, નેકી તથા આબરૂ પ્રાપ્ત થાય છે. 22 જ્ઞાની માણસ સમર્થ નગર [ના કોટ] પર ચઢે છે, અને જે સામર્થ્ય પર તેનો ભરોસો હતો તેને તે તોડી પાડે છે. 23 જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાંથી પોતાના આત્માનું રક્ષણ કરે છે. 24 જે માણસ અભિમાની ને અહંકારી હોય છે, તેનું નામ તિરસ્કાર કરનાર છે, તે અભિમાનથી મદોન્મત્તપણે વર્તે છે. 25 આળસુની ક્ષુધા તેને મારી નાખે છે; કેમ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે. 26 એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભમાં ને લોભમાં મંડ્યા રહે છે; પણ નેક માણસ આપે છે, અને [હાથ] પાછો ખેંચી રાખતો નથી. 27 દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે; પણ તે બદઇરાદાથી [યજ્ઞ] કરે તો તે કેટલો બધો [કંટાળારૂપ] થાય! 28 જૂઠો સાક્ષી નાશ પામશે; પણ જે માણસ સાંભળ્યા પ્રમાણે બોલશે તેની સાક્ષી ટકી રહેશે. 29 દુષ્ટ માણસ પોતાની મુખમુદ્રા કઠોર કરે છે; પણ પ્રામાણિક તો પોતાના માર્ગનો વિચાર કરીને વર્તે છે. 30 યહોવાની વિરુદ્ધ ચાલે એવું કોઈ પણ જ્ઞાન, બુદ્ધિ કે મસલત નથી. 31 ઘોડો યુદ્ધના દિવસને માટે તૈયાર કરવામાં આવે છે; પણ ફતેહ તો યહોવાથી જ [મળે] છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India