Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 દ્રાક્ષારસનું ફળ ઠઠ્ઠા છે મદ્યનું ફળ ઝઘડા છે; જે કોઈ [પીવાની] ભૂલ કરે છે તે જ્ઞાની નથી.

2 રાજાનો ધાક સિંહની ગર્જના જેવો છે; તેને કોપાવનાર પોતાના જ જીવની વિરુદ્ધ અપરાધ કરે છે.

3 કજિયાથી દૂર રહેવું એમાં માણસની આબરૂ છે; પણ દરેક મૂર્ખ ઝઘડો કર્યા વગર રહેતો નથી.

4 આળસુ શિયાળાનું બહાનું કાઢીને ખેડશે નહિ; તેથી તે ફસલમાં ભિક્ષા માગશે, પણ તેને કંઈ મળશે નહિ.

5 અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે; પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.

6 ઘણાખરા માણસો પોતપોતાનો કરેલો ઉપકાર કહી બતાવશે, પણ વિશ્વાસુ માણસ કોને મળી શકે?

7 ન્યાયી માણસ પોતાના પ્રામાણિકપણામાં ચાલે છે, તેને અનુસરનાર તેના પરિવારને ધન્ય છે.

8 ન્યાયાસન પર બિરાજેલો રાજા પોતાની આંખો વડે બધી ભૂંડાઈ વિખેરી નાખે છે.

9 મેં મારું અંત:કરણ મારાં પાપથી શુદ્ધ કર્યું છે, અને હું શુદ્ધ થયો છું, એવું કોણ કહી શકે?

10 વજનિયા વજનિયામાં ફેર છે, અને માપ માપમાંયે ફેર છે, એ બન્‍નેથી યહોવા સરખા કંટાળે છે.

11 બાળક પણ પોતાના આચરણથી ઓળખાય છે કે, તેનું કામ શુદ્ધ અને સારું છે કે નહિ.

12 સાંભળતો કાન અને દેખતી આંખ, બન્‍નેને યહોવાએ બનાવ્યાં છે.

13 ઊંઘણશી ન થા, રખેને તું દરિદ્રાવસ્થામાં આવી પડે; જો તું તારી આંખો ઉઘાડશે તો તું અન્‍નથી તૃપ્ત થશે.

14 આ તો નકામું છે, નકામું છે, એવું ખરીદનાર કહે છે; પણ તે ત્યાંથી ગયા પછી ફુલાશ મારે છે.

15 સોનું તથા માણેકમોતી તો પુષ્કળ હોય છે; પણ જ્ઞાની હોઠ તો એક મૂલ્યવાન જવાહિર છે.

16 પરદેશીની જામીની કરનારનું વસ્‍ત્ર લઈ લે; અને પારકાનો જામીન થનારને જવાબદાર ગણ.

17 અસત્યની રોટલી માણસને મીઠી લાગે છે, પણ પાછળથી તેનું મોં કાંકરાથી ભરાઈ જશે.

18 દરેક મનોરથ સલાહથી પૂરો પડે છે; માટે ચતુરની સૂચના પ્રમાણે તારે યુદ્ધ કરવું.

19 જે ચાડિયા તરીકે અહીંતહીં ભટકે છે તે ગુપ્ત વાતો પ્રગટ કરે છે; માટે એવા હોઠ બહુ પહોળા કરનાર [ના કામ] માં હાથ નાખતો નહિ.

20 જે કોઈ પોતાના પિતાને કે પોતાની માને શાપ દે છે, તેનો દીવો ઘોર અંધકારમાં હોલવી નાખવામાં આવશે.

21 શરૂઆતમાં તો વારસો જલદીથી સંપાદન કરવામાં આવે છે; પણ તેનું પરિણામ આશીર્વાદરૂપ થશે નહિ.

22 હું ભૂંડાઈનો બદલો લઈશ એવું તારે ન કહેવું જોઈએ; યહોવાની રાહ જો, તે તને ઉગારશે.

23 જુદા જુદા વજનનાં વજનિયાંથી યહોવા કંટાળે છે; અને જૂઠો કાંટો સારો નથી.

24 માણસની ચાલચલગત યહોવાના હાથમાં છે; તો માણસ કેવી રીતે પોતાનો માર્ગ સમજી શકે?

25 વગર વિચારે એમ કહી દેવું કે, ‘ [અમુક વસ્તુ] અર્પણ કરેલી છે, ’ અને માનતા માન્યા પછી તેના વિષે તપાસ કરવી એ માણસને ફાંદારૂપ છે.

26 જ્ઞાની રાજા દુષ્ટોને વિખેરી નાખે છે, અને તેઓ ઉપર ચક્‍કર ફેરવે છે.

27 માણસનો આત્મા યહોવાનો દીવો છે, તે હ્રદયના ભીતરના ભાગો તપાસે છે.

28 કૃપા તથા સત્ય રાજાનું રક્ષણ કરે છે; દયાથી તેનું રાજ્યાસન ટકી રહે છે.

29 જુવાનોનો મહિમા તેઓનું બળ છે; અને વૃદ્ધ પુરુષોની શોભા માથાનાં પળિયાં છે.

30 સોળ પાડનાર ફટકા દુષ્ટતાને દૂર કરે છે; અને ઝટકા હ્રદયના અભ્યંતરમાં ઊતરે છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan