નીતિવચનો 19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 કોઈ માણસ કુટિલ હોઠવાળો અને મૂર્ખ હોય તેના કરતાં પ્રામાણિકતાથી વર્તનાર ગરીબ માણસ સારો છે. 2 વળી આત્મા અજ્ઞાન રહે તે સારું નથી; અને ઉતાવળાં પગલાં ભરનાર પાપમાં પડે છે. 3 માણસની મૂર્ખાઈ તેના માર્ગને ઊંધો વાળે છે; અને તેનું હ્રદય યહોવા વિરુદ્ધ ચિડાય છે. 4 ધન ઘણા મિત્રો વધારે છે; પણ દરિદ્રીનો એકનોએક મિત્ર પણ તેનાથી અળગો થાય છે. 5 જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહિ; અને જૂઠું બોલનાર માણસ [સજાથી] બચી જશે નહિ. 6 ઉદાર માણસની મહેરબાની માટે ઘણા માણસો કાલાવાલા કરશે; અને દરેક માણસ દાતારનો મિત્ર થવા ચાહે છે. 7 દરિદ્રીના સર્વ ભાઈઓ તેનો ધિક્કાર કરે છે; અને તેના મિત્રો વિશેષે કરીને તેનાથી કેટલે બધે દૂર જાય છે! તે વિનંતી કરતો કરતો તેઓની પાછળ દોડે છે, પણ તેઓ લોપ થઈ જાય છે. 8 જ્ઞાન સંપાદન કરનાર પોતાના જ આત્માનો હિતેચ્છુ છે; બુદ્ધિ પકડનારનું હિત થશે. 9 જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહિ; અને જૂઠું બોલનાર માણસ નાશ પામશે. 10 મૂર્ખને મોજશોખ ભોગવવો શોભાભરેલો નથી; અને ચાકરને હાકેમ ઉપર અધિકાર ચલાવવો એ કેટલું બધું [અઘટિત છે] ! 11 માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે; અને અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે. 12 રાજાનો કોપ સિંહની ગર્જના જેવો છે; પણ તેની રહેમનજર ઘાસ પરના ઝાકળ જેવી છે. 13 મૂર્ખ દીકરો પોતાના પિતાને વિપત્તિરૂપ છે; અને કજિયાખોર પત્ની સતત ટપકતા [પાણી] જેવી છે. 14 ઘર તથા દ્રવ્ય બાપદાદાથી ઊતરેલો વારસો છે; પણ ડાહી પત્ની યહોવા તરફથી મળે છે. 15 આળસ ભરઊંઘમાં નાખે છે; અને આળસુ માણસને ભૂખ વેઠવી પડે છે. 16 આજ્ઞા પાળનાર પોતાના આત્માનું રક્ષણ કરે છે; પણ જે પોતાના માર્ગો વિષે બેપરવા છે તે માર્યો જશે. 17 ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે. 18 આશા છે ત્યાં સુધી તારા દીકરાને શિક્ષા કર; અને તેનો નાશ કરવાને તું મન ન લગાડ. 19 મહાક્રોધીને શિક્ષા ભોગવવી પડશે; જો તું તેને જવા દેશે, તો તારે ફરી બીજી વેળા તે આપવી પડશે. 20 સલાહ માન, ને શિખામણનો સત્કાર કર, જેથી તું તારા [આયુષ્યના] પાછલા ભાગમાં જ્ઞાની થાય. 21 માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે; પણ યહોવાનો મનસૂબો જ કાયમ રહેશે. 22 માણસ પોતાના દયાળુપણાના [પ્રમાણમાં] પ્રિય થાય છે, જૂઠા કરતાં ગરીબ માણસ સારું છે. 23 યહોવાનું ભય જીવનદાતા છે; [જે તે રાખે છે] તે સંતોષ પામશે; હાનિરૂપી માર તેના પર આવશે નહિ. 24 આળસુ પોતાનો હાથ થાળીમાં મૂકે છે ખરો, પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું મન થતું નથી. 25 તિરસ્કાર કરનારને મારશો, તો ભોળો શાણો થશે; અને બુદ્ધિનને ઠપકો દેશો, તો તે જ્ઞાનમાં પ્રવીણ થશે. 26 જે પોતાના પિતાને લૂંટે છે, અને પોતાની માને નસાડી મૂકે છે, તે બદનામ કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે. 27 હે મારા દીકરા, જ્ઞાનની વાતોમાંથી માત્ર ભટકાવી દે તેવી શિખામણ સાંભળવાનું તું મૂકી દે. 28 અધમ સાક્ષી ઇનસાફને મશ્કરીએ ઉડાવે છે; અને દુષ્ટનું મોં અન્યાયને ગળી જાય છે. 29 તિરસ્કાર કરનારાઓને માટે શિક્ષા, અને મૂર્ખોની પીઠને માટે ફટકા, તૈયાર કરેલાં છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India