Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 માણસો મનમાં સંકલ્પ કરે છે; પણ જીભથી ઉત્તર આપવો તે યહોવાના હાથમાં છે.

2 માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે; પણ યહોવા તેમના મનની તુલના કરે છે.

3 તારાં કામો યહોવાને સ્વાધીન કર, એટલે તારા મનોરથ પૂરા કરવામાં આવશે.

4 યહોવાએ દરેક વસ્તુને પોતપોતાના ઉપયોગને માટે સરજી છે; હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે [સરજ્યા છે].

5 દરેક અભિમાની અંત:કરણવાળાથી યહોવા કંટાળે છે; હું ખાતરીપૂર્વક [કહું છું] કે, તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.

6 દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત્ત થાય છે; અને યહોવાના ભયથી માણસો દુષ્ટતાથી દૂર થાય છે.

7 જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવા રાજી થાય છે, ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહસંપમાં રાખે છે.

8 અન્યાયથી મળેલી ઘણી આવક કરતાં, નેકીથી મળેલી થોડી [આવક] સારી છે.

9 માણસનું મન પોતના માર્ગની યોજના કરે છે; પણ તેનાં પગલાં ચલાવવાનું યહોવાના હાથમાં છે.

10 રાજાના હોઠોમાં ઈશ્વરવાણી છે; તેનું મુખ ખોટો ઇનસાફ કરશે નહિ.

11 અદલ કાંટો તથા ત્રાજવાં યહોવાનાં છે; કોથળીની અંદરનાં સર્વ વજનિયાં પ્રભુનું કામ કરે છે.

12 દુષ્ટ કર્મો કરવાથી રાજાઓને કંટાળો આવે છે; કેમ કે નેકીથી રાજ્યાસન સ્થિર રહે છે.

13 નેક હોઠો રાજાઓને આનંદદાયક છે; તેઓ ખરું બોલનારને ચાહે છે.

14 રાજાનો કોપ મૃત્યુદૂતો જેવો છે; પણ શાણો માણસ તેને શાંત પાડશે.

15 રાજાના મુખના પ્રકાશમાં જીવન છે; અને તેની કૃપા પાછલા વરસાદના વાદળા જેવી છે.

16 સોના કરતાં જ્ઞાન મેળવવું એ કેટલું ઉત્તમ છે! અને રૂપા કરતાં બુદ્ધિ પસંદ કરવા યોગ્ય છે.

17 ભૂંડાઈથી દૂર જવું એ જ પ્રામાણિક માણસો રાજમાર્ગ છે; જે પોતાનો માર્ગ સંભાળે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે.

18 અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવનો અંત પાયમાલી છે.

19 ગરીબની સાથે નમ્રતા રાખવી તે અભિમાનીની સાથે લૂંટ વહેંચી લેવા કરતાં ઉત્તમ છે.

20 જે [પ્રભુના] વચનને ધ્યાનમાં લે છે તેનું હિત થશે. અને જે કોઈ યહોવા પર વિશ્વાસ રાખે છે તેને ધન્ય છે.

21 જ્ઞાની અંત:કરણવાળો માણસ શાણો કહેવાશે; અને મીઠા હોઠોથી સમજની વૃદ્ધિ થાય છે.

22 જેને બુદ્ધિ છે તેને તે જીવનનો ઝરો છે; પણ મૂર્ખોની શિક્ષા તો [તેમની] મૂર્ખાઈ છે.

23 જ્ઞાનીનું હ્રદય તેના મુખને શીખવે છે, અને તેના હોઠોને સમજની વૃદ્ધિ કરી આપે છે.

24 માયાળુ શબ્દો મઘ જેવા છે, તેઓ આત્માને મીઠા લાગે છે તથા હાડકાંને આરોગ્ય આપે છે.

25 એક એવો માર્ગ છે કે જે માણસને અદલ લાગે છે ખરો, પણ પરિણામે તે મોતનો જ માર્ગ છે.

26 મજૂરની ભૂખ તેની પાસે મજૂરી કરાવે છે; કેમ કે તેનું મુખ તેને તેમ કરવાની ફરજ પાડે છે.

27 અધમ માણસ તરકટ રચે છે; તેના હોઠોમાં બાળી મૂકનાર અગ્નિ છે.

28 આડો માણસ ઝઘડો ફેલાવે છે; અને કાન ભંભેરનારો ઇષ્ટ મિત્રોમાં અંતર પાડી દે છે.

29 જુલમી માણસ પોતાના પડોશીને લલચાવીને અશુભ માર્ગમાં દોરી જાય છે.

30 જે કોઈ પોતાની આંખો મીંચીને વિપરીત યુક્તિઓ રચે છે, અને જે કોઈ પોતાના હોઠ બીડે છે તે હાનિ કરે છે.

31 માથે પળિયાં એ મહિમાનો મુગટ છે. તે નેકીના માર્ગમાં માલૂમ પડશે.

32 જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે.

33 ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, પણ તે બધાંનો નિર્ણય યહોવાના હાથમાં છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan