નીતિવચનો 14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 દરેક ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે; પણ મૂર્ખ પોતાના જ હાથથી તેને તોડી પાડે છે. 2 જે પ્રામાણિકપણે ચાલે છે, તે યહોવાનું ભય રાખે છે. પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે, તે તેને તુચ્છ માને છે. 3 મૂર્ખના મોઢામાં અભિમાનની સોટી છે; પણ જ્ઞાનીઓના હોઠ તેમનું રક્ષણ કરશે. 4 જ્યાં બળદો નથી, ત્યાં ગભાણ સાફ હોય છે; પણ બળદના બળથી ઘણી નીપજ થાય છે. 5 વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ; પણ જૂઠો સાક્ષી જૂઠ જ ઊચરે છે. 6 તિરસ્કાર કરનાર માણસ જ્ઞાન શોધે છે, પણ [તેને તે જડતું] નથી; પણ બુદ્ધિમાનને જ્ઞાન સહજ [પ્રાપ્ત થાય] છે. 7 જો તું મૂર્ખ માણસની પાસે જશે, તો જ્ઞાની હોઠો તારા જોવામાં આવશે નહિ. 8 પોતાનો માર્ગ સમજવામાં ડાહ્યા માણસનું જ્ઞાન છે; પણ મૂર્ખની મૂર્ખાઈ તેનું કપટ છે. 9 મૂર્ખ પાપને મશ્કરીમાં ઉડાવે છે; પણ પ્રામાણિકો ઉપર [ઈશ્વરની] કૃપા છે. 10 અંત:કરણ પોતે પોતાની વેદના જાણે છે; અને પારકો તેના આનંદમાં હાથ નાખી શક્તો નથી. 11 દુષ્ટનું ઘર પાયમાલ થશે; પણ પ્રામાણિકનો તંબુ આબાદ રહેશે. 12 એક એવો માર્ગ છે કે, જે માણસોને ઠીક લાગે છે, પણ તેનું પરિણામ મોતનો માર્ગ છે. 13 હસતી વેળાએ પણ હ્રદય ખિન્ન હોય છે; અને હાસ્યનું પરિણામ શોક છે. 14 પાપી હ્રદયવાળાને પોતાના જ માર્ગનું ફળ ચાખવું પડશે; અને સારો માણસ પોતા [ની જ વર્તણૂક] થી [તૃપ્ત થશે]. 15 ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે, પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે. 16 જ્ઞાની માણસ દુષ્ટતાથી બીને દૂર થાય છે; પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે. 17 જેને જલદી ક્રોધ ચઢે છે, તે મૂર્ખાઈ કરશે; અને દુષ્ટ યોજના કરનાર ધિક્કાર પામે છે. 18 ભોળા માણસો મૂર્ખાઈનો વારસો પામે છે; પણ ડાહ્યા માણસોને ડહાપણનો મુગટ પહેરાવવામાં આવે છે. 19 ભૂંડાઓ સજ્જનોની આગળ, અને દુષ્ટો સદાચારીઓનાં બારણાંની આગળ નમે છે. 20 ગરીબને પોતાનો પડોશી પણ ધિક્કારે છે; પણ દ્રવ્યવાનને ઘણા મિત્રો હોય છે. 21 પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે; પણ ગરીબ પર દયા રાખનારને ધન્ય છે. 22 ભૂંડી યોજના કરનારાઓ શું ભૂલ નથી કરતા? પણ ભલી યોજના કરનારાને કૃપા અને સત્ય [પ્રાપ્ત થશે]. 23 સર્વ પ્રકારના ઉદ્યોગમાં લાભ છે; પણ હોઠોની વાત માત્ર દરિદ્રતા લાવનારી છે. 24 જ્ઞાનીઓનો મુગટ તેઓનું ધન છે; પણ મૂર્ખોની મૂર્ખાઈ તો મૂર્ખાઈ જ રહે છે. 25 સાચો સાક્ષી જીવોને બચાવે છે; પણ જૂઠું બોલનાર કપટ [કરે છે] 26 યહોવાના ભયમાં દઢ વિશ્વાસ સમાયેલો છે; અને તે રાખનારનાં છોકરાંને આશ્રયસ્થાન મળશે. 27 મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે યહોવાનું ભય જીવનનો ઝરો છે. 28 ઘણી પ્રજા તે રાજાનું માન છે; પણ પ્રજાની અછતમાં સરદારનો નાશ છે. 29 જે ક્રોધ કરવે ધીમો છે તે ઘણો બુદ્ધિમાન છે; પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને ઉત્તેજન આપે છે. 30 હ્રદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઈર્ષા હાડકાંનો સડો છે. 31 ગરીબ પર જુલમ કરનાર પોતાના સરજનહારની નિંદા કરે છે; પણ દરિદ્રી ઉપર દયા રાખનાર તેને માન આપે છે. 32 દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી પાડવામાં આવે છે; પરંતુ સદાચારીને પોતાના મોતમાં આશા હોય છે. 33 બુદ્ધિમાનના અંત:કરણમાં જ્ઞાન રહે છે; પણ મૂર્ખના અંતરમાંનું [જ્ઞાન] જણાઈ જાય છે. 34 સદાચારથી પ્રજાની ચઢતી થાય છે; પણ પાપ હરકોઈ પ્રજાને લાંછનરૂપ છે. 35 બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે; પણ બદનામી કરાવનાર પર તેનો ક્રોધ હોય છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India