નીતિવચનો 10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સુલેમાનનાં નીતિવચનો 1 જ્ઞાની દીકરો પોતાના પિતાને હર્ષ ઉપજાવે છે; પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે. 2 દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી; પણ નેકી મોતથી ઉગારે છે. 3 સદાચારીના આત્માને યહોવા ભૂખે મરવા દેશે નહિ; પણ દુષ્ટની ઇચ્છાને તે નિષ્ફળ કરે છે. 4 ગાફેલ હાથથી કામ કરનાર દરિદ્રી થાય છે; પણ ઉદ્યોગીનો હાથ તેને ધનવાન બનાવે છે. 5 ડાહ્યો દીકરો ઉનાળામાં સંગ્રહ કરે છે; પણ કાપણીની મોસમમાં સૂઈ રહેનારો દીકરો બદનામી કરાવે છે. 6 સદાચારીને માથે આશીર્વાદ ઊતરે છે; પણ દુષ્ટોનું મોઢું બલાત્કારથી ઢંકાયેલું છે. 7 ન્યાયીના સ્મરણને ધન્યવાદ મળે છે; પણ દુષ્ટોનું નામ તો સડી જશે. 8 જ્ઞાની હ્રદયવાળો આજ્ઞાઓનો સ્વીકાર કરશે; પણ બકબકાટ કરનારો મૂર્ખ પાયમાલ થશે. 9 પ્રામાણિકપણાથી ચાલનાર મક્કમ પગલે ચાલે છે; પણ અવળે રસ્તે ચાલનાર તો જણાઈ આવશે. 10 આંખથી મીંચકારા કરનાર ખેદ કરાવે છે; પણ બકબકાટ કરનારો મૂર્ખ પાયમાલ થશે. 11 સદાચારીનું મોં જીવનનો ઝરો છે; પણ દુષ્ટોનું મોઢું બલાત્કારથી ઢંકાયેલું રહે છે. 12 દ્વેષથી ઝઘડા ઊભા થાય છે; પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે. 13 વિવેકબુદ્ધિવાળાના હોઠો પર જ્ઞાન માલૂમ પડે છે; પણ મૂર્ખની પીઠને માટે લાકડી છે. 14 જ્ઞાની પુરુષો ડહાપણનો સંગ્રહ કરે છે; પણ મૂર્ખનું મોં તત્કાળ નાશ લાવે છે. 15 દ્રવ્યવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું નગર છે; પણ દરિદ્રતા દરિદ્રીનો નાશ કરે છે. 16 સદાચારીની મહેનત જીવનસાધક છે; દુષ્ટની પેદાશ પાપકારક છે. 17 શિખામણને સ્વીકારનાર જીવનના માર્ગમાં છે; પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે. 18 જે દ્વેષ છુપાવે છે તે જૂઠા હોઠવાળો છે; અને ચાડી કરનાર મૂર્ખ છે. 19 ઘણું બોલવામાં દોષની અછત હોતી નથી; પણ પોતાના હોઠો પર દાબ રાખનાર ડહાપણ કરે છે. 20 સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે; પણ દુષ્ટના હ્રદયની કિંમત કોડીનીયે નથી, 21 નેક માણસના હોઠો ઘણાને તૃપ્ત કરે છે; પણ મૂર્ખો બુદ્ધિની અછતથી માર્યા જાય છે. 22 યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી. 23 દુષ્ટતા કરવી એ મૂર્ખને તો રમત જેવું છે; પણ સમજણો માણસ જ્ઞાનથી [આનંદ મેળવે] છે. 24 દુષ્ટનું ભય તેના પોતાના ઉપર આવી પડશે; પણ નેક માણસની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે. 25 વંટોળિયો જતો રહે છે, તેમ દુષ્ટ સદાને માટે લોપ થઈ જાય છે; પણ નેક પુરુષ સર્વકાળ ટકનાર પાયારૂપ છે. 26 જેમ દાંતને સરકો, અને આંખોને ધુમાડો [હેરાન કરે છે] , તેમ આળસુ પોતાને [કામ પર] મોકલનારને [હેરાન કરે છે]. 27 યહોવાનું ભય આયુષ્ય વધારે છે; પણ દુષ્ટોનાં વર્ષો ટૂંકાં કરવામાં આવશે. 28 સદાચારીઓની આશાનું પરિણામ આનંદ છે; પણ દુષ્ટોની અપેક્ષા નિષ્ફળ જશે. 29 યહોવાનો માર્ગ પ્રામાણિકોને કિલ્લારૂપ છે; પણ તે દુષ્કર્મીઓને નાશરૂપ છે. 30 સદાચારીઓને કદી ખસેડવામાં આવશે નહિ; પણ દુષ્ટો દેશમાં કાયમ રહેશે નહિ. 31 સદાચારીઓનું મોં જ્ઞાન પ્રગટ કરે છે; પણ હઠીલી જીભ કાપી નાખવામાં આવશે. 32 સંતોષકારક શું છે તે સદાચારીના હોઠ જાણે છે; પણ દુષ્ટ પોતાને મોઢે આડું બોલે છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India