નીતિવચનો 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાનનાં નીતિવચનો: 2 જ્ઞાન તથા શિક્ષણ સંપાદન થાય; ડહાપણની વાતો સમજવામાં આવે; 3 ડહાપણભરેલી વર્તણૂકની, નેકીની, ન્યાયીપણાની અને ઇનસાફની કેળવણી મળે; 4 ભોળાને ચતુરાઈ, જુવાન પુરુષને વિદ્યા તથા વિવેકબુદ્ધિ મળે; 5 જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્વત્તાની વૃદ્ધિ કરે; અને બુદ્ધિમાન માણસને ખરું ડહાપણ મળે; 6 કહાણીઓ તથા અલંકાર; જ્ઞાનીઓનાં વચનો તથા તેઓનાં માર્મિક સૂત્રો સમજાય [એ માટે એ છે]. ખોટી સોબત સામે ચેતવણી 7 યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે; મૂર્ખો જ્ઞાન તથા શિક્ષણને તુચ્છ ગણે છે. 8 મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ, અને તારી માનું શિક્ષણ તજીશ નહિ. 9 કેમ કે તે તારે માથે શોભાયમાન મુગટરૂપ, તથા તારા ગળાના હારરૂપ થશે. 10 મારા દીકરા, જો પાપીઓ તને લલચાવે, તો તું તેમનું માનતો નહિ. 11 જો તેઓ તને કહે ‘અમારી સાથે ચાલ, આપણે ખૂન કરવા માટે લાગ તાકીને સંતાઈ રહીએ; આપણે નિર્દોષને વિનાકારણ [રંજાડવાને] છુપાઈ રહીએ. 12 શેઓલની જેમ આપણે તેઓને જીવતા ને જીવતા સ્વાહા કરી જઈએ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય! 13 આપણને [તેમનો] સર્વ જાતનો મૂલ્યવાન માલ મળશે, આપણે લૂંટથી આપણાં ઘરો ભરીશું; 14 માટે તું અમારો ભાગીદાર થા. આપણે બધા સિલકની સહિયારી થેલી રાખીશું’ 15 મારા દીકરા, માર્ગમાં તેઓની સાથે ન ચાલ; તેમને રસ્તેથી તારા પગ પાછા રાખ; 16 કેમ કે તેમના પગ દુષ્ટતા [કરવા] માટે દોડે છે, તેઓ લોહી વહેવડાવવા માટે ઉતાવળ કરે છે. 17 કેમ કે કોઈ પક્ષીના દેખતાં જાળ પાથરવી તે વ્યર્થ છે. 18 તેઓ પોતાના જ લોહીને માટે સંતાઈ રહે છે, તેઓ પોતાના જ જીવને માટે ગુપ્ત રીતે છુપાઈ રહે છે. 19 દરેક દ્રવ્યલોભી માણસના માર્ગ એવા છે; આવું [દ્રવ્ય] તેના માલિકોનું સત્યાનાશ વાળે છે. જ્ઞાનવાણીનો પોકાર 20 જ્ઞાન ગલીએ ગલીએ મોટેથી પોકારે છે; તે ચૌટામાં પોતાની વાણી ઉચ્ચારે છે; 21 તે સરિયામ રસ્તા પર બૂમ પાડે છે; દરવાજાના નાકા આગળ, નગરમાં [સર્વત્ર] તે પોતાનાં વચનો ઉચ્ચારે છે: 22 “હે બેવકૂફો, તમે ક્યાં સુધી બેવકૂફીને વળગી રહેશો? તિરસ્કાર કરનારા ક્યાં સુધી તિરસ્કાર કરવામાં આનંદ માનશે? અને મૂર્ખો જ્ઞાનને ધિક્કારશે? 23 મારા ઠપકાથી તમે પાછા ફરો; હું તમારા પર મારો આત્મા રેડીશ, હું મારાં વચનો તમને પ્રગટ કરીશ. 24 મેં બોલાવ્યા છે, પણ તમે ઇનકાર કર્યો; મેં મારો હાથ લાંબો કર્યો છે, પણ કોઈએ તેની દરકાર કરી નથી; 25 પરંતુ તમે મારી સર્વ શિખામણને તુચ્છ ગણી છે, અને મારા ઠપકાને બિલકુલ ગણકારતા નથી; 26 માટે હું પણ તમારી વિપત્તિને વખતે હાસ્ય કરીશ; જ્યારે તમારા પર ભય આવશે, ત્યારે હું તમારી મશ્કરી કરીશ; 27 એટલે જ્યારે તોફાનની જેમ તમારા પર ભય આવી પડશે, અને વંટોળિયાની જેમ તમારી ઉપર વિપત્તિ ધસી આવશે; જ્યારે સંકટ અને વેદના તમારા પર આવશે, ત્યારે [હું તમારી મશ્કરી કરીશ]. 28 તે વખતે તેઓ મને હાંક મારશે, પણ હું ઉત્તર આપીશ નહિ; તેઓ ખંતથી મને શોધશે, પણ હું તેઓને મળીશ નહિ. 29 કેમ કે તેઓએ જ્ઞાનનો ધિક્કાર કર્યો, અને તેઓએ યહોવાનું ભય પસંદ કર્યું નહિ; 30 તેઓએ મારો બોધ બિલકુલ ચાહ્યો નહિ; તેઓએ મારો બધો ઠપકો તુચ્છ ગણ્યો; 31 માટે તેઓ પોતાના માર્ગનું ફળ ચાખશે, અને પોતાની યુક્તિપ્રયુક્તિઓનો પેટભરીને અનુભવ કરશે. 32 કેમ કે અબુદ્ધોનું પાછું હઠી જવું તેઓનો સંહાર કરશે, અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે. 33 પણ જે કોઈ મારું સાંભળશે તે સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India