ફિલિપ્પીઓ 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સૂચનાઓ 1 માટે મારા પ્રિય તથા ઇષ્ટ ભાઇઓ, મારા આનંદ તથા મુગટરૂપ, એવી જ રીતે પ્રભુમાં સ્થિર રહો, મારા પ્રિય [ભાઈઓ]. 2 હું યુઓદિયાને વિનંતી કરું છું તથા સુન્તેખેને વિનંતી કરું છું કે, તેઓ બન્ને પ્રભુમાં એક ચિત્તની થાય. 3 વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બાઈઓને સહાય કરજે, કારણ કે તેઓએ મારી સાથે, કલેમેન્ટની સાથે તથા મારા બીજા સહકારીઓ, જેઓનાં નામ જીવનના પુસ્તકમાં છે, તેઓની સાથે સુવાર્તા [ના પ્રચાર] માં ઘણો પ્રયાસ કર્યો છે. 4 પ્રભુમાં સદા આનંદ કરો, હું ફરીથી કહું છું કે, આનંદ કરો. 5 તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે, પ્રભુ પાસે છે. 6 કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. 7 અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હ્રદયોની તથા મનોની સંભાળ રાખશે. 8 છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે; જો કોઈ સદગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો. 9 જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું તે સર્વ કરો; અને શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે. દાન માટે આભાર 10 મારા વિષેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે, તેને લીધે હું પ્રભુમાં ઘણો આનંદ કરું છું. તે બાબતમાં તમે ચિંતા તો રાખતા હતા, પણ તમને પ્રસંગ મળ્યો નહોતો. 11 હું તંગાશને લીધે બોલું છું એમ નહિ; કેમ કે જે અવસ્થામાં હું છું તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું. 12 ગરીબ થવું હું જાણું છું, તથા ભરપૂર હોવું પણ હું જાણું છું. દરેક પ્રકારે તથા સર્વ બાબતમાં તૃપ્ત થવાને તથા ભૂખ્યો રહેવાને, તેમ જ પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને હું શીખેલો છું 13 જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું. 14 તોપણ તમે મારા સંકટમાં ભાગિયા થયા તે સારું કર્યું. 15 અને, ઓ ફિલિપીઓ, તમે પોતે જાણો છો કે, સુવાર્તા [પ્રસાર] ના આરંભમાં, જયારે હું મકદોનિયામાંથી નીકળ્યો, ત્યારે આપવા-લેવાની બાબતમાં એકલા તમારા વિના બીજી કોઈ મંડળીએ ભાગ લીધો નહોતો; 16 કેમ કે થેસ્સાલોનિકામાં પણ અનેક વાર મારે જે જે જોઈતું હતું તે તમે મોકલી આપ્યું હતું. 17 હું કંઈ દાન માગું છું એમ નહિ, પણ તમારા લાભમાં ઘણું ફળ થાય એ માગું છું. 18 મારી પાસે સર્વ વાનાં છે, ને તે વળી પુષ્કળ છે. એપાફ્રોદિતસની સાથે મોકલેલાં તમારાં દાનથી હું ભરપૂર છું, તે તો સુગંધીદાર ધૂપ, માન્ય અર્પણ છે, અને તે ઈશ્વરને પ્રિય છે. 19 મારા ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. 20 આપણા ઈશ્વર તથા પિતાને સર્વકાળ મહિમા હો આમીન. અંતિમ સલામી 21 ખ્રિસ્ત ઈસુમાં સર્વ સંતોને ક્ષેમકુશળ કહેજો, મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. 22 સર્વ સંતો, વિશેષે જે કાઇસારના ઘરનાં છે, તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. 23 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે થાઓ. આમીન. ?? ?? ?? ?? 1 |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India