Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ફિલિપ્પીઓ 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ફિલિપીમાંના ઈસુ ખ્રિસ્તમાં સહુ સંતો, અધ્યક્ષો તથા સાહાયકારીઓ, એ સર્વ પ્રતિ લખનાર ખ્રિસ્ત ઈસુના દાસો પાઉલ તથા તિમોથી:

2 ઈશ્વર આપણા પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.


પોતાના વાચકો માટે પાઉલની પ્રાર્થના

3 પહેલા દિવસથી આજ સુધી સુવાર્તામાં તમારા સહકારને લીધે,

4 નિત્ય આનંદથી તમો સર્વને માટે વિનંતી કરતાં મારી સર્વ પ્રાર્થનાઓમાં,

5 હું જયારે જયારે તમારું સ્મરણ કરું છું ત્યારે ત્યારે મારા ઈશ્વરનો આભાર માનું છું.

6 જેમણે તમારામાં સારા કામનો આરંભ કર્યો તે, ઈસુ ખ્રિસ્તના દિવસ સુધી, તેને સંપૂર્ણ કરતા જશે, એવો મને ભરોસો છે.

7 તમો સર્વ વિષે એ પ્રમાણે માનવું મને યોગ્ય લાગે છે, કારણ કે મારાં બંધનોમાં અને સુવાર્તાની હિમાયત કરવામાં તથા તેને સાબિત કરવામાં, તમે બધા કૃપામાં મારા સહભાગિયા હોવાથી, હું તમને મારા હ્રદયમાં રાખું છું.

8 કેમ કે હું ઈસુ ખ્રિસ્તની કરુણાથી તમ સર્વ ઉપર કેટલી બધી મમતા રાખું છું, તે વિષે ઈશ્વર મારા સાક્ષી છે.

9 વળી હું એવી પ્રાર્થના કરું છું કે, જ્ઞાનમાં તથા સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ઉત્તરોઉત્તર વધતો જાય;

10 જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો, અને એમ તમે ખ્રિસ્તના દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ.

11 અને ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.


જીવવું તે ખ્રિસ્ત

12 ભાઈઓ, મને જે જે દુ:ખો પડયાં, તે સુવાર્તાને [વિધ્નરૂપ થવાને બદલે તેનો] પ્રસાર થવામાં સહાયભૂત થયાં, એ તમે જાણો એવું હું ઈચ્છું છું.

13 કેમ કે ખ્રિસ્તને લીધે જે મારાં બંધનો છે તે આખા રાજયદરબારમાં તથા બીજે બધે સ્થળે પ્રસિદ્ધ થયાં

14 અને પ્રભુમાંના ઘણાખરા ભાઈઓએ મારાં બધનોથી વિશ્વાસ રાખીને નિર્ભયપણે પ્રભુની સુવાર્તા [વિષે] બોલવાની વિશેષ હિંમત રાખી.

15 કેટલાક તો અદેખાઈ તથા વિરોધથી, અને કેટલાક સદભાવથી ખ્રિસ્ત [ની સુવાર્તા] પ્રગટ કરે છે.

16 પહેલા તો મારાં બંધનમાં મારા પર વિશેષ સંકટ લાવવાના ઇરાદાથી, શુદ્ધ મનથી નહિ, પણ પક્ષાપક્ષીથી ખ્રિસ્તની વાત પ્રગટ કરે છે.

17 પણ બીજા, સુવાર્તા વિષે પ્રત્યુત્તર આપવા માટે હું નિર્મિત થયો છું, એવું જાણીને પ્રેમથી કરે છે.

18 તો એથી શું? દરેક રીતે, ગમે તો ઢોંગથી કે સત્યથી, ખ્રિસ્ત [ની વાત] પ્રગટ કરવામાં આવે છે, એથી હું આનંદ પામું છું, ને વળી પામીશ.

19 કેમ કે તમારી પ્રાર્થનાથી તથા ખ્રિસ્તના આત્માની સહાયથી, એ મારા તારણને માટે ઉપયોગી થઈ પડશે, એ હું જાણું છું.

20 એ પ્રમાણે મારી આકાંક્ષા તથા આશા છે કે, હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહિ; પણ પૂરી હિંમતથી, હમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે ગમે તો મરણથી, મારા શરીરદ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે.

21 કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત, અને મરવું તે લાભ છે.

22 પણ દેહમાં જીવવું એ જો મારા કામનું ફળ હોય તો મારે શું પસંદ કરવું, તે હું જાણતો નથી.

23 કેમ કે આ બે વચ્ચે હું ગૂંચવણમાં છું: [દેહમાંથી] નીકળવાની તથા ખ્રિસ્તની સાથે રહેવાની મારી ઇચ્છા છે, કેમ કે તે ઘણે દરજ્જે વધારે સારું છે.

24 પણ [મારે] દેહમાં રહેવું તમારે માટે વધારે અગત્યનું છે.

25 [મને] એ ભરોસો હોવાથી, હું જાણું છું કે હું રહેવાનો, અને તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને માટે હું તમો સર્વની સાથે રહેવાનો;

26 જેથી તમારી પાસે મારા ફરીથી આવવાથી મારા વિષેનો તમારો આનંદ ખ્રિસ્ત ઈસુમાં ઘણો વધી જાય.

27 માત્ર ખ્રિસ્તની સુવાર્તાનું યોગ્ય આચરણ કરો, જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર હોઉં તોપણ તમારા વિષે સાંભળું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાના વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો.

28 અને વિરોધીઓથી જરા પણ બીતા નથી:એ તેઓને વિનાશની પ્રત્યક્ષ નિશાની છે, પણ તમને તો તારણની નિશાની છે, અને તે વળી ઈશ્વરથી છે.

29 કેમ કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહિ, પણ તેમની ખાતર દુ:ખ પણ સહેવું, એ માટે ખ્રિસ્તને સારુ આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે.

30 જેવું યુદ્ધ તમે મારામાં જોયું છે, અને હાલ મારામાં થાય છે એ હમણાં સાંભળો છો, તેવું જ તમારામાં પણ છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan