ફિલેમોન 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અમારા સહકારી વહાલા ફિલેમોન, બહેન આફિયા, અમારા સાથી સૈનિક આર્ખિપસ તથા તારા ઘરમાંની મંડળી પ્રતિ લખનાર 2 ખ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા ભાઈ તિમોથી: 3 ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. ફિલેમોનનો પ્રેમ અને વિશ્વાસ 4 પ્રભુ ઈસુ પરના તથા સર્વ સંતો પરના તારા પ્રેમ તથા વિશ્વાસ વિષે 5 સાંભળવાથી તારું સ્મરણ કરીને સર્વદા મારી પ્રાર્થનાઓમાં હું મારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું 6 કે, આપણામાં જે સર્વ સારું છે તેનું જ્ઞાન થયાથી તારા વિશ્વાસનું ભાગિયાપણું ખ્રિસ્ત [ના મહિમા] ને માટે સફળ થાય. 7 કારણ કે, તારા પ્રેમથી મને ઘણો લાભ થયો છે તથા દિલાસો મળ્યો છે, કેમ કે, ઓ ભાઈ, તારાથી સંતોનાં હ્રદય ઉત્તેજિત થયાં છે. ઓનેસિમસ માટે વિનંતી 8 જો કે જે યોગ્ય છે તે તને આજ્ઞારૂપે કહેવાને મને ખ્રિસ્તથી પૂરી છૂટ છે ખરી, 9 તોપણ હું પાઉલ વૃદ્ધ તથા હમણાં ખ્રિસ્ત ઈસુનો બંદીવાન હોવાથી બીજી રીતે, એટલે પ્રેમપૂર્વક, તને વિનંતી કરું છું. 10 ઓનેસીમસ આ બંદીખાનામાં જે મારો ધર્મપુત્ર થયો છે તેને વિષે હું તને વિનંતી કરું છું. 11 અગાઉ તે તને ઉપયોગી નહોતો, પણ હમણાં તે તને તથા મને પણ ઉપયોગી છે. 12 તેને પોતાને, એટલે મારા ખુદ હ્રદય [જેવા] ને મેં તારી પાસે પાછો મોકલ્યો છે. 13 તેને હું મારી પાસે રાખવા ચાહતો હતો કે, સુવાર્તાને લીધે હું બંદીખાનામાં છું એ દરમિયાન તારા બદલામાં તે મારી સેવા કરે. 14 પણ તારો ઉપકાર પરાણે નહિ, પણ રાજીખુશીથી થાય, એ માટે તારી મરજી જાણ્યા વિના કંઈ કરવાની મારી ઇચ્છા નહોતી. 15 કેમ કે તે હમેશાં તારી પાસે રહે, એ માટે જ કદાચ તે થોડો વખત દૂર થયો હશે. 16 પણ હવે પછી તે દાસના જેવો નહિ, પણ દાસથી અધિક, એટલે વહાલા ભાઈના જેવો છે, મને તો તે વિશેષે કરીને એવો જ છે, પણ તને તો દેહમાં તથા પ્રભુમાં કેટલો બધો વિશેષ છે! 17 માટે જો તું મને ભાગીદાર ગણે, તો તું જેમ મારો સ્વીકાર કરે તેમ તેનો સ્વીકાર કરજે. 18 જો તેણે તારો કંઈ અન્યાય કર્યો હોય કે, તેની પાસે તારું કંઈ લેણું હોય તો તે મારે ખાતે લખજે. 19 હું પાઉલ મારે પોતાને હાથે લખું છું કે, હું તે વાળી આપીશ. ખરું જોતાં તું તારી જાતનો મારો કરજદાર છે, પણ તે વિષે હું તને કશું કહેતો નથી. 20 હા, ભાઈ, તારાથી પ્રભુમાં મને આનંદ થાય; ખ્રિસ્તમાં મારું હ્રદય શાંત કર. 21 તું [મારું કહ્યું] માનીશ એવો ભરોસો રાખીને હું આ પત્ર લખું છું, કેમ કે હું જાણું છું કે હું જે કહું છું તે કરતાં પણ તું વધારે કરીશ. 22 વળી મારે માટે ઉતારો તૈયાર રાખજે, કેમ કે હું આશા રાખું છું કે તમારી પ્રાર્થનાઓદ્વારા મારું તમારી પાસે આવવવાનું થશે. શુભેચ્છા 23 ખ્રિસ્ત ઈસુમાં મારો સાથી બંદીવાન એપાફ્રાસ, 24 મારા સાથી કામ કરનાર માર્ક, આરીસ્તાર્ખસ, દેમાસ તથા લૂક, [એ સર્વ] તને ક્ષેમકુશળ કહે છે. 25 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્મા પર થાઓ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India