Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઓબાદ્યા 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઓબાદ્યાનું સંદર્શન

1 પ્રભુ યહોવા અદોમ વિષે આમ કહે છે: પ્રભુ અદોમને શિક્ષા કરશે યહોવા તરફથી અમને ખબર મળી છે: “તમે ઊઠો. ને આપણે અદોમની વિરુદ્ધ યુદ્ધ કરવાને સજ્જ થઈએ, એવું કહેવાને એક એલચીને પ્રજાઓની પાસે મોકલવામાં આવ્યો છે.

2 જો, મેં તને પ્રજાઓમાં છેક નાનો બનાવ્યો છે; તને તદ્દન તુચ્છ ગણવામાં આવે છે.

3 હે ખડકોની ખોમાં રહેનાર તથા ઊંચે વાસો કરનાર, તારા અંત:કરણના અભિમાને તને ઠગ્યો છે. તું તારા મનમાં એમ માને છે, ‘મને નીચે ભૂમિ પર કોણ પાડશે?’”

4 યહોવા કહે છે, “જો કે તું ગરુડની જેમ ઊંચે ચઢે, ને જો કે તારો માળો તારાઓમાં બાંધેલો હોય, તોપણ હું તને ત્યાંથી નીચે પાડીશ.

5 જો ચોરો કે રાતે લૂટારાઓ તારી પાસે આવે, (અરે, તું કેવો નષ્ટ થયો છે!) તો તેઓનું મન માને તેટલું તેઓ લઈ નહિ જાય? જો દ્રાક્ષા વીણનારા તારી પાસે આવે તો તેઓ કેટલીક ફાલતુ દ્રાક્ષા પડતી નહિ મૂકે?

6 એસાવ [ની વાતો] કેવી શોધી કાઢવામાં આવી છે! તેના સંતાડેલા ખજાના કેવા ખોળી કાઢવામાં આવ્યા છે!

7 તારી સાથે સંપ કરનારા સર્વ માણસોએ તને માર્ગ પર, હા, છેક સરહદ સુધી હાંકી કાઢ્યો છે. જે માણસો તારી સાથે સલાહસંપમાં રહેતા હતા તેઓએ તને ઠગીને તારા ઉપર જીત મેળવી છે. તારી રોટલી [ખાનારાઓ] તારી નીચે ફાંસલો માંડે છે, [તને] તેની સમજ પડતી નથી.”

8 યહોવા કહે છે, “શું હું તે દિવસે અદોમમાંથી જ્ઞાની પુરુષોનો, ને એસાવના પર્વત પરથી બુદ્ધિનો નાશ નહિ કરીશ?

9 અને, હે તેમાન, તારા યોદ્ધાઓ ગભરાઈ જશે, જેથી એસાવના પર્વત પરથી પ્રત્યેક જનની કતલ થઈને સર્વનો સંહાર થાય.


અદોમને શિક્ષાનાં કારણો

10 તારા ભાઈ યાકૂબ ઉપર જુલમ ગુજાર્યાને લીધે તું લજ્જિત થશે, ને તું સદાને માટે નષ્ટ થશે.

11 જે દિવસે પરદેશીઓ તેની સંપત લઈ ગયા, ને બીજા દેશના લોકો તેના દરવાજાઓની અંદર પેસી ગયા, ને યરુશાલેમ પર ચિઠ્ઠીઓ નાખી, તે દિવસે તું આઘો ઊભો રહ્યો, હા, તું જાણે તેઓમાંનો જ એક હોય તેમ [તેં કર્યું.]

12 પણ તારા ભાઈના સંકટ સમયે તેના હાલ તું જોઈ ન રહે, ને યહૂદાના વંશજોના વિનાશને સમયે તું તેમને જોઈને ખુશી ન થા; અને સંકટને સમયે અભિમાનથી ન બોલ.

13 મારા લોકોની આપત્તિને દિવસે તેઓના દરવાજામાં ન પેસ; હા, તેઓની આપત્તિને દિવસે તેઓની વિપત્તિ ન નિહાળ, ને તેમની આપત્તિને દિવસે તેમની સંપત્તિ પર [હાથ] ન નાખ.

14 તેના લોકોમાંથી નાસી છૂટતા હોય તેમને કાપી નાખવાને તું માર્ગમાં આડો ઊભો ન રહે. અને તેના લોકોમાંના જેઓ બચી રહેલા હોય તમને સંકટ સમયે [શત્રુઓના હાથમાં] સોંપી ન દે.


ઈશ્વર પ્રજાઓનો ન્યાય કરશે

15 કેમ કે સર્વ પ્રજાઓ પર યહોવાનો દિવસ પાસે છે. જેવું તેં [બીજાઓને] કર્યું છે, તેવું જ તને કરવામાં આવશે; તારી કરણીનું ફળ તારે ભોગવવું પડશે.

16 કેમ કે જેમ તમે મારા પવિત્ર પર્વત પર પીધું છે, તેમ જ સર્વ પ્રજાઓ નિત્ય પીશે, હા, તેઓ પીશે, ગળી જશે, ને હતાનહોતા થઈ જશે.


ઇઝરાયલનો વિજય

17 પણ સિયોન પર્વત પર બચી રહેલાઓ હશે, ને તે પવિત્ર થશે; અને યાકૂબના વંશજો પોતાના વતનો ભોગવશે.

18 યાકૂબના વંશજો અગ્નિરૂપ, ને યૂસફના વંશજો ભડકારૂપ થશે, ને એસાવના વંશજો ખૂંપરારૂપ થશે, ને તેઓ આગ લગાડીને તેને ભસ્મ કરશે; અને એસાવના વંશજોમાંનું કોઈ [માણસ] જીવતું રહેશે નહિ.” કેમ કે યહોવા એ બોલ્યા છે.

19 “દક્ષિણના લોકો એસાવના પર્વતનો કબજો, ને નીચાણના પ્રદેશના લોકો પલિસ્તીઓનો કબજો લેશે; અને તેઓ એફ્રાઈમની ભૂમિનો તથા સમરુનની ભૂમિનો કબજો લેશે; અને બિન્યામીન ગિલ્યાદ [નો કબજો લેશે].

20 બંદીવાસમાં ગયેલાં ઇઝરાયલીઓનું આ સૈન્ય, જે કનાનીઓ [માં] છે તે છેક સારફત સુધી [નો કબજો લેશે] ; અને યરુશાલેમના બંદીવાસમાં ગયેલા લોકો જે સફારાદમાં છે, તેઓ દક્ષિણનાં નગરોનો કબજો લેશે.

21 એસાવના પર્વતનો ન્યાય કરવાને ઉદ્ધારકો સિયોન પર્વત પર ચઢી આવશે. અને રાજ્ય યહોવાનું થશે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan