Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


બીજું પાસ્ખાપર્વ

1 અને તેઓ મિસર દેશમાંથી આવ્યા પછી બીજા વર્ષના પહેલા માસમાં સિનાઈના અરણ્યમાં, યહોવાએ મૂસાને કહ્યું,

2 “વળી ઇઝરાલી લોકો તેને માટે ઠરાવેલે સમયે પાસ્ખાપર્વ પાળે.

3 આ માસને ચૌદમે દિવસે સાંજે તેને માટે ઠરાવેલે સમયે તે પાળો. તેના સર્વ વિધિ પ્રમાણે, ને તેના સર્વ નિયમિ પ્રમાણે, તે પાળો.”

4 અને ઇઝરાયલી લોકોને મૂસાએ કહ્યું, “તમારે પાસ્ખાપર્વ પાળવું.”

5 અને પહેલા માસને ચૌદમે દિવસે સાંજે સિનાઈના અરણ્યમાં તેઓએ પાસ્ખાપર્વ પાળ્યું. જે સર્વ આજ્ઞા યહોવાએ મૂસાને આપી હતી, તે પ્રમાણે ઇઝરાયલી લોકોએ કર્યું.

6 અને કેટલાક માણસો માણસના મુડદાથી અભડાયેલા હતા, તેથી તેઓ તે દિવસે પાસ્ખાપર્વ પાળી ન શક્યા. અને તેઓ તે દિવસે મૂસાની તથા હારુનની રૂબરૂ આવ્યા.

7 અને તે માણસોએ તેને કહ્યું, “અમે માણસના મુડદાથી અભડાયેલા છીએ. ઇઝરાયલી લોકો મધ્યે તેને માટે ઠરાવેલા સમયે યહોવાનું અર્પણ ચઢાવતાં અમને કેમ અટકાવવામાં આવે છે?”

8 અને મૂસાએ તેઓને કહ્યું, “ઊભા રહો કે, યહોવા તમારા વિષે શી આજ્ઞા આપે છે તે હું સાંભળું.”

9 અને યહોવાએ મૂસાને કહ્યું,

10 “ઇઝરાયલી પ્રજાને એમ કહે, જો તમારામાં કે તમારાં સંતાનમાંનો કોઈ માણસ કોઈ મુડદાના કારણથી અભડાય, કે દૂર દેશમાં મુસાફરી કરતો હોય, તોપણ તે યહોવાનું પાસ્ખાપર્વ પાળે.

11 બીજા માસને ચૌદમે દિવસે સાંજે તેઓ તે પાળે; ને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે તે ખાય.

12 તેઓ તેમાંનું કંઈ સવાર સુધી રહેવા ન દે, ને તેનું એકે હાડકું ન ભાંગે. પાસ્ખાપર્વના સર્વ વિધિ પ્રમાણે તેઓ તે પાળે.

13 પણ જે માણસ શુદ્ધ હોવા છતાં, ને મુસાફરીમાં ન હોવા છતાં પાસ્ખાપર્વ પાળવાનું ચૂકે, તે પોતાના લોકોમાંથી અલગ કરાય; કેમ કે તેણે યહોવાનું અર્પણ તેને માટે ઠરાવેલે સમયે કર્યું નહિ, તે માણસનું પાપ તેને માથે.

14 અને જો કોઈ પરદેશી તમારી મધ્યે પ્રવાસ કરતો હોય, ને તે યહોવાને માટે પાસ્ખાપર્વ પાળવા ચાહે, તો પાસ્ખાપર્વ વિધિ તથા તેના નિયમો પ્રમાણે તે કરે. પરદેશી તથા વતની બન્‍નેને માટે એક જ વિધિ થાય.”


અગ્નિસ્તંભ
( નિ. ૪૦:૩૪-૩૮ )

15 અને મંડપ ઊભો કરવામાં આવ્યો તે દિવસે મેઘે મંડપ પર, એટલે કરારમંડપ પર, આચ્છાદન કર્યું, અને સાંજથી તે સવાર સુધી મંડપ ઉપર તે જાણે કે અગ્નિરૂપે આવી રહેતો.

16 એવું સદા રહેતું. મેઘ તે પર આચ્છાદન કરતો, ને રાત્રે તેનો દેખાવ અગ્નિના જેવો હતો.

17 અને જ્યારે મંડપ ઉપરથી મેઘ ઉપડી જતો, ત્યારે ઇઝરાયલી લોકો ચાલતા. અને જે જગામાં મેઘ થોભતો, તે જગાએ ઇઝરાલી લોકો છાવણી કરતા.

18 યહોવાની આજ્ઞા પ્રમાણે ઇઝરાયલીઓ ચાલતા, ને યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણી કરતા. મંડપ પર મેઘ થોભતો ત્યાં સુધી તેઓ છાવણીમાં રહેતા.

19 અને જ્યારે મેઘ ઘણા દિવસ સુધી મંડપ પર ઠરી રહેતો, ત્યારે ઇઝરાયલી લોકો યહોવાએ સોંપેલી સેવા કરતા, ને આગળ ચાલતા નહિ.

20 અને કોઈ કોઈ વખત મેઘ થોડા દિવસ મંડપ પર રહેતો. ત્યારે યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણીમાં રહેતા, અને યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ ચાલતા.

21 અને કોઈ કોઈ વખત મેઘ સાંજથી તે સવાર સુધી રહેતો. અને જ્યારે મેઘ સવારમાં ઊપડી જતો, ત્યારે તેઓ ચાલતા. અથવા દિવસે ને રાત્રે મેઘ ઉપડતો ત્યારે તેઓ ચાલતા.

22 ગમે તો બે દિવસે, કે એક માસ, કે એક વર્ષ પર્યત મેઘ મંડપ પર થોભી રહેતો, તોપણ ઇઝરાયલી લોકો છાવણીમાં રહેતા, ને આગળ ચાલતા નહિ; પણ જ્યારે તે ઊપડતો, ત્યારે તેઓ ચાલતા.

23 યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણી કરતા, ને યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ ચાલતા. મૂસાની હસ્તક અપાયેલી યહોવાની આજ્ઞાપ્રમાણે તેઓ યહોવાએ સોંપેલી સેવા કરતા.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan