ગણના 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)નાજીરવ્રત અંગેના નિયમ 1 અને યહોવાએ મૂસાને કહ્યું, 2 “ઇઝરાયલી લોકોને એમ કહે જ્યારે કોઈ પુરુષ અથવા સ્ત્રી યહોવાની સેવામાં વૈરાગી થવાનું ખાસ વ્રત, એટલે નાજીરવ્રત લે, 3 ત્યારે દ્રાક્ષારસથી તથા દારૂથી તે દૂર રહે. દ્રાક્ષારસનો સરકો અથવા દારૂનો સરકો તે પીએ નહિ, તેમ જ દ્રાક્ષાનું શરબત તે પીએ નહિ, ને લીલી કે સૂકી દ્રાક્ષ ખાય નહિ. 4 તેના વૈરાગ [વ્રત] ના સર્વ દિવસ સુધી દ્રાક્ષાવેલાથી નીપજેલું, તેનાં બીથી તે છોતરાં સુધી તે કંઈ ન ખાય. 5 તેનાં બીથી તે છોતરાં સુધી તેના માથા પર અસ્ત્રો ન ફરે. જે મુદતને માટે તેણે યહોવાની સેવામાં વૈરાગ લીધો હોય તે પૂરી થયા સુધી તે શુદ્ધ રહે, તે પોતાના માથાના કેશ વધવા દે. 6 યહોવાની સેવામાં તે વૈરાગી થાય તે બધા દિવસો સુધી મરેલા પ્રાણીની પાસે તે ન જાય. 7 પોતાના ભાઈના, કે પોતાની બહેનના મરણ પર તે પોતાને અભડાવે નહિ; કેમ કે તેના ઈશ્વરનું વૈરાગ [વ્રત] તેને શિર છે. 8 તેના વૈરાગ [વ્રત] ના બધા દિવસો પર્યંત તે યહોવાને માટે શુદ્ધ છે. 9 અને જો કોઈ તેની પડખે એકાએક મરી જાય, ન તેથી તે વૈરાગીનું માથું અભડાય, તો તે પોતાના શુદ્ધિકરણને દિવસે પોતાનું માથું મૂંડાવે, સાતમે દિવસે તે મૂંડાવે. 10 અને આઠમે દિવસે તે બે હોલા, અથવા કબૂતરનાં બે બચ્ચાં યાજકની પાસે મુલાકાતમંડપના દ્વાર પાસે લાવે. 11 અને યાજક એકને પાપાર્થાર્પણ તરીકે તથા બીજાને દહનીયાર્પણ તરીકે ચઢાવે, ને મરેલાના કારણથી થયેલા પોતાના પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, ને તે જ દિવસે તે પોતના માથાનું શુદ્ધિકરણ કરે. 12 અને તે યહોવાની સેવાને માટે પોતાના વૈરાગના દિવસો અર્પણ કરે, ને દોષર્થાર્પણને માટે પહેલાં વર્ષનો નર હલવાન લાવે, અને આગલા દિવસો રદ જાય, કેમ કે તેનું વૈરાગ [વ્રત] ભંગ થયું હતું. 13 અને જ્યારે નાજીરીના વૈરાગવ્રતના દિવસ પૂરા થાય, ત્યારે તેને માટે નિયમ આ છે: તે મુલાકાતમંડપના દ્વાર પાસે લવાય. 14 અને તે યહોવાને પોતાનું અર્પણ ચઢાવે, એટલે પહેલા વર્ષનો ખોડ વિનાનો એક નર હલવાન દહનીયાર્પણને માટે, ને પહેલા વર્ષની ખોડ વિનાની એક ઘેટડી પાપાર્થાર્પણને માટે, ને એક ખોડ વિનાનો ઘેટો શાંત્યર્પણને માટે, 15 ને બેખમીર રોટલીની એક ટોપલી, તેલમાં મોહેલા મેંદાની પોળીઓ, ને તેલમાં મોહેલા મેંદાની પોળીઓ, ને તેલ લગાડેલા બેખમીર ખાખરા, તથા તેઓનું ખાદ્યાર્પણ, તથા તેઓનાં પેયાર્પણ. 16 અને યાજક તેઓને યહોવાનીઇ આગળ રજૂ કરે, ને તેનું પાપાર્થાર્પણ તથા તેનું દહનીયાર્પણ ચઢાવે. 17 અને યહોવા પ્રત્યે શાંત્યર્પણોના ય ને માટે બેખમીર રોટલીની ટોપલી સહિત, ઘેટાને તે ચઢાવે. અને યાજક તેનું ખાદ્યાર્પણ તથા તેનું પેયાર્પણ પણ ચઢાવે. 18 અને નાજરી મુલાકાતમંડપના દ્રાર પાસે પોતાનું વૈરાગી માથું મૂંડાવે, ને પોતાના વૈરાગી માથાના વાળ લઈને શાંત્યર્પણોના યની નીચેના અગ્નિ પર તે મૂકે. 19 અને યાજક તે ઘેટાનું બાફેલું બાવડું તથા ટોપલીમાંથી એક બેખમીર પોળી તથા એક બેખમીર ખાખરો લે, ને નાજીરી પોતાનું વૈરાગી માથું મુડાવે ત્યાર પછી તે ચીજો તેના હાથમાં મૂક. 20 અને યાજક યહોવાની આગળ તેમની આરતી ઉતારીને આરત્યાર્પણ કરે. આ, તેમ જ આરત્યાર્પણનો છાતીનો ભાગ તથા ઉચ્છાલીયાર્પણનું બાવડું યાજકને માટે શુદ્ધ છે. અને ત્યાર પછી નાજીરીને દ્રાક્ષારસ પીવાની છૂટ છે. 21 વ્રત રાખનાર નાજીરીનો તથા તેના વૈરાગવ્રતને લીધે યહોવા પ્રત્યે જે અર્પણ તેણે ચઢાવવું તેનો, તથા તે સિવાય બીજું કંઈ તેને મળી શકે તેનો નિયમ આ છે. જે વ્રત તેણે લીધું હોય તે પ્રમાણે તે તેના વેરાગવ્રતના નિયમને અનુસરીને વર્તે.” યાજકો ઇઝરાયલીઓને આવો આશીર્વાદ આપે 22 અને યહોવાએ મૂસાને કહ્યું, 23 “હારુનને તથા તેના દિકરાઓને એમ કહે કે, તમે આ પ્રમાણે ઇઝરાયલી લોકોને આશીર્વાદ આપો:તેઓને તમે એમ કહો કે, 24 ‘યહોવા તને આશીર્વાદ આપો, ને તારું રક્ષણ કરો. 25 યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો, ને તારા પર કૃપા કરો. 26 યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો, ને તને શાંતિ આપો.’ 27 એમ તેઓ ઇઝરાયલીઓને મારું નામ આપે. અને હું તેઓને આશીર્વાદ આપીશ.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India