Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


અશુદ્ધજનોનું છાવણી બહાર રહેઠાણ

1 અને યહોવાએ મૂસાને કહ્યું,

2 “ઇઝરાયલી લોકોને આજ્ઞા કર કે, તેઓ પ્રત્યેક કોઢીને તથા પ્રત્યેક સ્‍ત્રાવના મરજવાળાને તથા કોઈપણ મુડદાથી અભડાયેલાને છાવણીની બહાર કાઢે.

3 નર તથા નારી બન્‍નેને તમે બહાર કાઢો, છાવણી બહાર તેઓને રાખો; એ માટે કે તેઓની છાવણી, કે જે મધ્યે હું વસુ છું તે તેવાંથી અશુદ્ધ ન થાય.”

4 અને ઇઝરાયલીઓએ એમ કર્યું, ને તેવાંને છાવણી બહાર કાઢયાં. જેમ યહોવાએ મૂસાને કહ્યું, તેમ ઇઝરાયલી લોકોએ કર્યું.


ગુનાનો બદલો ભરી આપવો

5 અને યહોવાએ મૂસાને કહ્યું,

6 “ઇઝરયલ પુત્રોને કહે કે, માણસો જે પાપ કરે છે તેમાંનું કોઈપણ પાપ જો કોઈ પુરુષ કે સ્‍ત્રી કરીને યહોવાની વિરુદ્ધ ઉલ્લંઘન કરે, ને એમ તે જન ગુનેગાર થાય,

7 તો તેઓએ કરેલું પાપ તેઓ કબૂલ કરે; અને તે પોતાના ગુનાને માટે પૂરો બદલો ભરી આપે, અને તેમાં તેનો પંચમાશ ઉમેરીને, જેના સંબંધમાં તેણે ગુનો કર્યો હોય તેને તે આપે.

8 પણ ગુનાએ માટટે જેને બદલો આપવો ઘટે એવો તેનો કોઈ સગો ન હોય તો ગુનાને માટે જે બદલો યહોવાને આપવાનો છે તે યાજકને મળે. વળી પ્રાયશ્ચિત્તનો ઘેટો, કે જેથી તેને માટે પ્રાયશ્ચિત્ત કરવામઆં આવશે તે પણ [યાજકને મળે.]

9 અને ઇઝરાયલી લોકોની સેર્વ પવિત્ર વસ્‍તુઓનું પ્રત્યેક ઉચ્છાલીયાર્પણ કે જે તેઓ યાજકની પાસે લાવે તે તેનું થાય.

10 અને પ્રત્યેક પુરુષની અર્પિત વસ્તુઓ તેની થાય; કોઈ પણ પુરુષ જે કંઈ યાજકને આપે તે તેનું થાય.”


પતિની શંકાનું નિરાકરણ

11 અને યહોવાએ મૂસાને કહ્યું,

12 “ઇઝરાયલ પ્રજા સાથે વાત કરીને કહે કે, જો કોઈ પુરુષની સ્‍ત્રી પતિવ્રત ચૂકીને તેનો અપરાધ કરે,

13 એટલે કોઇ પુરુષ તેની સાથે વ્યભિચાર કરે, ને તેના પતિની આંખોથી તે ગુપ્ત તથા છૂપું રહે, ને પેલી સ્‍ત્રી અશુદ્ધ થઈ હોય, ને તેની વિરુદ્ધ કોઈ સાક્ષી ન હોય તેમ જ તે કૃત્ય કરતી વેળાએ તે પકડાઈ ન હોય;

14 અને પતિના મનમાં સંશય ઉત્પન્‍ન થાય, ને તેને પોતાની સ્‍ત્રી પર શક પડતો હોય, ને તે બગડી હોય; અથવા તેના મનમાં સંશય ઉત્પન્‍ન થાય, ને તેને પોતની સ્‍ત્રી પર શક પડતો હોય, પણ તે બગડી ન હોય;

15 તો તે પુરુષ પોતાની સ્‍ત્રીને યાજકની પાસે લાવે, ને તે તેને માટે તેનું અર્પણ લાવે, એટલે એક દશાંશ એફાહ જવનો મેંદો, તે પર તે કંઈ તેલ ન રેડે, તેમ જ તે પર લોબાન ન મૂકે, કેમ કે તે સંશયનું ખાદ્યાર્પણ છે, એટલે અન્યાયની યાદ કરાવનારું સ્મરણદાયક ખાદ્યાર્પણ છે.

16 અને યાજક તેને પાસે લાવીને યહોવાની આગળ તેને રજૂ કરે.

17 અને યાજક માટીના વાસણમાં પવિત્ર પાણી લે, ને યાજક મંડપની જમીન પરની કેટલીક ધૂળ પણ લઈને પાણીમાં નાખે.

18 અને યાજક તે સ્‍ત્રીને યહોવાની આગળ રજૂ કરે, તે સ્‍ત્રીને યહોવાની આગળ રજૂ કરે, ને સ્‍ત્રીના માથાનો ચોટલો છોડી નંખાવે, અને તેના હાથોમાં સ્મરણદાયક ખાદ્યાર્પણ, એટલે સંશયનું ખાદ્યાર્પણ આપે. અને યાજક કડવું શાપકારક પાણી પોતાના હાથમાં લે;

19 અને યાજક તેને પ્રતિજ્ઞા લેવડાવે ને તે સ્‍ત્રીને કહે કે, ‘જો કોઈ પુરુષે તારી સાથે વ્યભિચાર કર્યો ન હોય, ને જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ ન હોય, તો આ શાપકારક કડવા પાણી [ની સત્તા] થી તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ ન હોય, તો આ શાપકારક કડવા પાણી [ની સત્તા] થી તું મુક્ત હો.

20 પણ જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ હોય, ને તારા પતિ સિવાય કોઈ બીજાએ તારી સાથે વ્યભિચાર કર્યો હોય, ’

21 ત્યારે યાજક તે સ્‍ત્રીને શાપયુક્ત પ્રતિજ્ઞા લેવડાવે, ને યાજક સ્‍ત્રીને કહે, તો તારી જાંઘો સડાવી નાખીને તથા તારું પેટ સુજાવીને યહોવા તને તારા લોકમાં શાપરૂપ તથા સોગનરૂપ કરે.

22 અને શાપકારક પાણી તારાં આંતરડામાં જઈને તારા પેટને સુજાવી દે, ને તારી જાંઘને સડાવી નાંખે;’ અને તે સ્‍ત્રી કહે ‘આમીન, આમીન.’

23 અને યાજક એક પુસ્તકમાં એ શાપો લખી લે, ને કડવા પાણીમાં તે [શબ્દો] ને ધોઈ નાખે.

24 અને તે શાપકારક પાણી પેલી સ્‍ત્રીને તે પીવડાય; અને શાપકારક પાણી તેના અંગમાં પ્રવેશ કરીને કડવું થશે.

25 અને યાજક તે સ્‍ત્રીના હાથમાંથી સંશયનું ખાદ્યાર્પણ લે, ને યહોવાની આગળ તે ખાદ્યાર્પણની આરતી ઉતારે, ને તેને વેદી પાસે લાવે,

26 અને યાજક તે ખાદ્યાર્પણમાંથી તેની યાદગીરી તરીકે એક ખોબાભર લે, ને વેદી પર તેનું દહન કરે, ને પછી સ્‍ત્રીને તે પાણી પીવડાવ.

27 અને તેને પાણી પીવડાવ્યા પછી એમ થશે કે, જો તે અશુદ્ધ થઈ હશે, ને પોતાના પતિનો અપરાધ કર્યો હશે, તો તે શાપકારક પાણી તેના અંગમાં પ્રવેશ કરીને કડવું થશે, ને તેનું પેટ સૂજી જશે, ને તેની જાંઘ સડીને ખરી પડશે. અને તે સ્‍ત્રી પોતાના લોકોમાં શાપિત થશે.

28 પણ જો તે સ્‍ત્રી અશુદ્ધ થઈ નહિ હોય, પણ શુદ્ધ હશે; તો તે મુક્ત થશે, ને તેને પેટે સંતાન થશે.

29 જ્યારે કોઈ સ્‍ત્રી પોતાનું પતિવ્રત ચૂકી જઈને અશુદ્ધ થાય ત્યારે સંશય બાબતનો નિયમ એ છે.

30 અથવા પુરુષના મનમાં સંશય ઉત્પન્‍ન થયો હોય, ને તેને પોતાની સ્‍ત્રી ઉપર શક આવતો હોય, ત્યારે તે યહોવાની આગળ તે સ્‍ત્રીને રજૂ કરે, ને યાજક તેના પર આ સર્વ નિયમ અમલમાં લાવે.

31 અને તે પુરુષ અન્યાયથી મુક્ત થશે, ને તે સ્‍ત્રીને માથે પોતાનો અન્યાય રહેશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan