ગણના 34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દેશની સરહદો 1 અને યહોવાએ મૂસાને કહ્યું 2 “ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહે કે, જ્યારે તમે કનાન દેશમાં પહોંચો, (એટલે જે કનાન દેશ તેની સીમાઓ પ્રમાણે તમને વારસા તરીકે મળવાનો છે, ) 3 ત્યારે તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી માંડીને આગળ અદોમની સીમાની લગોલગ થાય, ને તમારી દક્ષિણ સીમા ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય. 4 અને એ તમારી સીમા વળીને આક્રાબ્બીમના ઢોળાવ તરફ આવે ને ત્યાંથી તે સીન સુધી પહોંચે. અને તેનો છેડો કાદેશ-બાર્નિયાની દક્ષિણે આવે. અને તે ત્યાંથી આગળ હસાર-આદાર સુધી જાય, ને આગળ આસ્મોન સુધી જાય. 5 અને તે સીમા આસ્મોનથી વળીને મિસરની નદી સુધી જાય, ને તેનો છેડો સમુદ્ર સુધી પહોંચે. 6 અને મોટો સમુદ્ર તથા તેનો કાંઠો એ તમારી પશ્ચિમ સીમા થાય. 7 અને તમારી ઉત્તર સીમા આ પ્રમાણે થાય; એ સીમા તમારે મોટા સમુદ્રથી માંડીને હોર પર્વત સુધી આંકવી: 8 અને એ સીમા તમારે હોર પર્વતથી માંડીને હમાથના નાકા સુધી આંકવી. અને તે સીમાનો છેડો સદાદ સુધી જાય. 9 અને ત્યાંથી આગળ સીમા ઝિફ્રોન સુધી પહોંચે, ને તેનો છેડો હસાર-એનાન સુધી પહોંચે. એ તમારી ઉત્તરની સીમા થાય. 10 અને તમારી પૂર્વ સીમા તમારે હસાર-એનાનથી તે શફામ સુધી આંકવી: 11 અને તે સીમા શફાનથી નીચલી તરફ વળીને રિબ્લા સુધી આયિનની પૂર્વ દિશાએ જાય. અને તે સીમા ત્યાંથી નીચાણ તરફ કિન્નેરેથના સમુદ્ર સુધી પૂર્વ તરફ પહોંચે. 12 અને તે સીમા ત્યાંથી ઊતરીને યર્દન સુધી જાય, ને તેનો છેડો ખારા સમુદ્ર આગળ આવે. એ દેશ તેની ચારે તરફની સીમા પ્રમાણે તમારો થશે.” 13 અને મૂસાએ ઇઝરાયલી લોકોને આજ્ઞા આપીને કહ્યું, “જે દેશનો વારસો તમે ચિઠ્ઠીઓ નાખીને [વહેંચી] લેશો, ને જે નવકુળોને તથા અડધા કુળને આપવાની યહોવાએ આજ્ઞા આપી છે, તે આ છે: 14 કેમ કે રુબેનપુત્રોના કુળને તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, તથા ગાદપુત્રોના કુળને તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, તેઓનો વારસો મળી ચૂક્યો છે, ને મનાશ્શાના અડધા કુળને પણ મળી ચૂક્યો છે: 15 [આ] બે કુળોને તથા અડધા કુળને તેઓનો વારસો યર્દન પાર યરીખો આગળ પૂર્વ તરફ, એટલે ઉગમણી તરફ મળી ચૂક્યો છે.” દેશની વહેંચણીનું કામ સંભાળતા આગેવાનો 16 અને યહોવાએ મૂસાને કહ્યું, 17 “જે માણસો તમને દેશનો વારસો વહેંચી આપશે તેઓનાં નામ આ છે: એટલે એલાઝાર યાજક તથા નૂનનો દિકરો યહોશુઆ, 18 અને દેશનો વારસો વહંચી આપવા માટે તમારે પ્રત્યેક કુળમાંથી અકેક અધિપતિ ચૂંટી કાઢવો. 19 અને તે માણસોનાં નામ નીચે મુજબ છે: યહૂદાના કુળમાંથી યફૂનેન્નો દિકરો કાલેબ. 20 શિમયોનપુત્રોના કુળમાંથી આમિહુદનો દિકરો શમુએલ. 21 બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દિકરો અલીદાદ. 22 અને દાનના પુત્રોના કુળનો અધિપતિ યોગ્લીનો દિકરો બુક્કી. 23 યૂસફના પુત્રોના : મનાશ્શાના પુત્રોના કુળનો અધિપતિ એફોદનો દિકરો હાન્નીએલ. 24 અને એફ્રાઈમપુત્રોના કુળનો અધિપતિ શિફટાનનો દિકરો કમુએલ. 25 અને ઝબુલોનપુત્રોના કુળનો અધિપતિ પાર્નાખનો દિકરો અલીસાફાન. 26 અને ઇસ્સાખારપુત્રોના કુળનો અધિપતિ અઝાનનો દિકરો પાલ્ટીએલ 27 અને આશેરપુત્રોના કુળનો અધિપતિ શલોમીનો દિકરો આહીહૂદ. 28 અને નફતાલીપુત્રોના કુળનો અધિપતિ આમીહૂદનો દિકરો પદાહેલ.” 29 જેઓને યહોવાએ ઇઝરાયલી પ્રજાને કનાન દેશમાં વારસો વહેંચી આપવાની આજ્ઞા આપી તેઓ એ છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India